સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/આજનો વિશેષ ધર્મ
હાથમાં આવેલા સ્વરાજને જીરવવા તથા તેને સંવર્ધવાની પાત્રતા મેળવવા માટે પ્રજાની આંતરિક તાકાત અને શુદ્ધિ વધારવાની ખાસ જરૂર છે. પ્રજાની નબળાઈઓને હટાવવામાં પ્રચાર કે કાયદા કામ ન આપે, એમ નથી; પણ તેના કરતાં પ્રજાના હૃદયના મર્મભાગને મુલાયમતાથી સ્પર્શી તેની મૂર્છિત ચેતના જગાડવાનું કાર્ય વધુ સંગીન સફળતા લાવે. એ કાર્ય સાહિત્યકારોનું છે. પચાસ વર્ષ તો ઘેર ગયાં, દસપંદર વરસના અંતર સુધીય નજર નાખી આજનાં પગલાંનાં ભાવિ પરિણામ સ્પષ્ટ જોઈ શકે, કોમી દ્વેષની વિષ-ઉછાળતી જ્વાળાઓને શીતલ છંટકાવથી હોલવી નાખે, પ્રજાની છાતી પર ચડી બેઠેલાં જીવનનાં ખોટાં મૂલ્યોને સ્થાને શાશ્વત મૂલ્યો સ્થાપી શકે, એવી વ્યકિતઓ વિચારક અને સાહિત્યકારવર્ગમાંથી નહીં આવે, તો શું દ્વેષનાં વિષ ઉછળાવનાર રાજકારણી વર્ગમાંથી આવશે? પૈસા સિવાય કોઈનેય, રાષ્ટ્રને કે માનવતાને કશાને, ન જ ઓળખનાર વેપારી વર્ગમાંથી આવશે? પ્રજાના હૈયાને ધોતાં રહી એને શુદ્ધ રાખવું, એના આત્માને સલામત રાખવો, આ છે તો સાહિત્યકાર માત્રનો સામાન્ય ધર્મ, સનાતન ધર્મ; પણ આજની ઘડીએ તો એ એનો વિશેષ ધર્મ પણ બને છે. પ્રતિભાવંત કવિ કાવ્યથી, વાર્તાકાર વાર્તાથી, નિબંધકાર નિબંધથી, પોતાની કળાને ને જાતને વફાદાર રહી એ બજાવે. [ગુજરાત સાહિત્ય સભાના ઉપક્રમે કરેલી ૧૯૪૭ની ગ્રંથ-સમીક્ષાનો ઉપસંહાર]