સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/મધુરી કેકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          માતાના મૃત્યુ પછી, ૧૪ વરસની વયે રાજ્ય છોડી જંગલમાં જઈને રહેવાની વૃત્તિ રાજકુમાર સુરસિંહને જાગી હતી. પરંતુ આ રાજવીના હૈયામાં વૈરાગ્ય સાથે એવો જ ઉત્કટ રાગ પણ ટીખળી વિધિએ ઘોળીને ભેળવ્યો! એ રાગનું પાત્ર બની રાણી રાજબાની દાસી મોંઘી. તેનો આ રસિક કવિના જીવનપંથમાં પ્રવેશ થયો, લગ્ન બાદ રાજબા (રમા) જોડે તે લાઠી આવી ત્યારે. એ ઊઘડતી કળી જેવી છ-સાત વર્ષની બાલિકાનો મધુર-નિર્મળ ચહેરો પંદર વર્ષના રાજકુમારના હૈયામાં પ્રથમ દર્શને જ કાયમ માટે પેસી ગયો. જુવાનનું હૃદય એ બાલિકા પર વાત્સલ્યનો અભિષેક કરી રહ્યું. એમણે તેની ભાષા સુધારી અને તેને ભણાવવા માંડી. સહવાસ તેમ જ બાલાનું વય ને કાંતિ વધતાં સુરસિંહજીનો તેના પ્રત્યેનો વાત્સલ્યભાવ ઊછળતા પ્રણયભાવમાં પલટાયો, અને દાસી મોંઘી તેમની હૃદયરાજ્ઞી ‘શોભના’ બની. પ્રણયભાવે ઉત્કટ અનુરાગનું સ્વરૂપ પકડતાં એમના હૈયામાં તોફાન શરૂ થયું. રમા આ પ્રેમને અનુમતિ આપે તો ‘હૃદયત્રિપુટી’ રચવા તેને સમજાવવાના પ્રયાસ સફળ થયા નહીં. આગળ જતાં શોભનાને તેની કોમના એક જુવાન સાથે રમાએ પરણાવી દીધી તેથી તો સુરસિંહજીનું હૃદય બેવડા વેગથી શોભનાને સારુ ઝૂરવા લાગ્યું. આવો અંત :સ્તાપ ત્રણેક વરસ અનુભવ્યા બાદ આખરે ૧૮૯૮માં સુરસિંહજીએ શોભના જોડે વિધિસર લગ્ન કર્યાં. આ રાજવી કવિએ લગ્ન વિના શોભનાને પોતાના ઝનાનામાં રાખવાનો વિચાર ન કર્યો, હૃદયના વેગ છતાં શરીરથી એ શુદ્ધ રહ્યા. શોભનાને મેળવીને એમનો આત્મા જાણે પરમાનંદની સીમા પર જઈને ઊભો. પરંતુ ઝંખના જેટલી મજા મિલનની હોતી નથી. તેમ વળી આ નિત્યના રસપિપાસુને રસનું એક શિખર લાધતાં એથી ઊંચા દિવ્ય રસની અભિલાષા જાગી. રાગ-પ્રકરણ પૂરું થયું કે તરત પૂર્વનું ત્યાગ-પ્રકરણ શરૂ થયું. ૧૯૦૦ની સાલમાં તો આ કવિ-રાજવી ગાદીત્યાગને પ્રભુનું નિર્માણ માનવા લાગ્યા. કારભારીને એ માટે સમજાવતાં તેમણે લખ્યું : “હું લખીશ, વાંચીશ અને પ્રભુનું ભજન કરીશ. સત્તા, વૈભવ, એમાં મને રસ નથી. રાજાની રીતિએ કલ્યાણ કરવાના ગુણ મારા સ્વભાવમાં નથી; ફકીરની રીતિથી કલ્યાણ કરવાના છે, તો તેને વધારીશ.” ઉપરનો કાર્યક્રમ અમલમાં મૂકવાનો તેમણે ૧૯૦૦ના એપ્રિલમાં નિર્ણય કર્યો. પણ તેનો અમલ એ કરે તે પહેલાં વિધિએ એમને ઉપાડી લીધા! ૧૦-૬-૧૯૦૦ના રોજ, એક જ રાતની ટૂંકી માંદગી ભોગવી, ૨૬ વરસની ભરજોબન અવસ્થામાં એ અકાલ અવસાન પામ્યા.

આ સ્નેહાળ આત્માનું મિત્રમંડળ મોટું હતું. આ મંડળ સમાનશીલવ્યસન, સંસ્કારી અને સાહિત્યરસિક આત્માઓનું. એમાં મણિલાલ દ્વિવેદી અને ગોવર્ધનરામ જેવા પંડિતો હતા, ‘કાન્ત’ અને ‘મસ્તકવિ’ ત્રિભુવન જેવા કવિઓ હતા. એમના કાવ્યસર્જનને આ મિત્રમંડળને લીધે સારાં પોષણ-પ્રોત્સાહન મળતાં. આ રાજવીએ કલમ ચલાવી તો ૧૮૯૨થી ૧૯૦૦ સુધી, એમની ૧૮થી ૨૬ની ઉંમર સુધી. પણ એટલા ટૂંકા સમયમાં, અને મુકાબલે એટલી નાની વયે એ જે લખી ગયા છે તે વિપુલ છે અને સત્ત્વશાળી પણ છે. તેમાં કવિતા જ નથી, ગદ્યસાહિત્ય પણ છે. પણ ‘કલાપી’નું ગદ્યસાહિત્ય તેમની કવિતા આડે ઢંકાઈ ગયું છે. કવિશ્રી ન્હાનાલાલના “કરવી સુણવી ગમે ન કોને રસની કે રસિકાની વાતડી” એ કથન મુજબ પ્રણયકવન એ જગતનો સર્વજનપ્રિય વિષય. પ્રણયદર્દ અનુભવતાં પ્રેમીહૃદયોને ‘કલાપી’ની પ્રણયકવિતામાં પોતાની જ ભાવ-વ્યક્તિ દેખાય. પણ ‘કલાપી’ એકલા મુગ્ધજુવાનિયાંના જ કવિ નથી. એમની રસિકતા, કલ્પના અને ચિંતનશીલતાના ઠેરઠેર દેખાતા ચમકારા, સ્મૃતિએ ને કંઠે ચડી જાય એવી એમાં ફૂલની માફક વેરાયેલી અનેક સૂક્તિઓ, હૃદયને કોમળ, નિર્મળ, ઉદાત્ત બનાવે એવી સમગ્ર અસર — આ બધાં એમની કવિતાનાં લક્ષણો એવાં છે જેણે તેને જનહૃદયમાં સીધો પ્રવેશ મેળવાવી આપ્યો. આજે યે એમની મીઠી કવિતા વાંચીએ છીએ ત્યારે, એ “સુરતાની વાડીના મીઠા મોરલા”ને ‘કાન્તે’ આપેલી ભાવાંજલિની નીચેની પંક્તિઓનું સત્ય આપણે પ્રીછી શકીએ છીએ : નંદનવનના પ્રાસાદોની ટોચથી મધુરી કેકા આજે શી ઉભરાય જો! ‘કલાપી’ની કવિતાના ગ્રંથસ્થ પ્રકાશન પછી એને જે વિપુલ લોકપ્રિયતા સાંપડી, તે અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં અજોડ ઘટના છે. લોકોનાં હૃદય અને કંઠ સુધી પહોંચી ગયેલી ‘કલાપી’ની અનેક પંક્તિઓ એને વરેલી લોકપ્રિયતાની જ નિશાનીઓ છે. જુવાન વિદ્યાર્થીઓને કાવ્યાભિમુખ કરવા માટે તથા હૃદયની કેળવણી સારુ ‘કલાપી’ની કવિતા સારું કામ આપે. [‘કલાપીનો કાવ્યકલાપ’પુસ્તક]