સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/આંખે કંકુના સૂરજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          શ્રી રાવજી પટેલનું ૧૦મી ઓગસ્ટ, ૧૯૬૮ના રોજ અવસાન થયું. એ આવી રીતે થાપ દઈને કો’ક દિવસ ચાલ્યો જવાનો છે એની જાણ તો હતી જ; પણ આટલો જલદી જશે એવું નહોતું ધાર્યું. રાજરોગે એની જિંદગીને ટૂંકાવવા માંડી હતી, પણ રાવજીનો દિલેર મિજાજ એને ગાંઠતો નહોતો. મૃત્યુને ખિસ્સામાં ઘાલીને એ ફર્યો છે. એણે વાતોમાં કે પત્રોમાં મૃત્યુને ડોકાવા દીધું નહોતું. મારાથી કોઈ કોઈ વાર પૂછી દેવાતું: “રાવજી હવે કેમ રહે છે?” એ સાંભળ્યું ન સાંભળ્યું કરી વાતને વાળી લેતો: “આપણે કરવા જેવી વાતો કરીએ.” પ્રથમ મુલાકાતે રાવજી મને કંઈક અતડો લાગ્યો હતો. અમદાવાદમાં ‘બુધ કાવ્યસભા’ના ઉપક્રમે કાવ્યસત્ર યોજાયું હતું ત્યારે રાવજી સાથે પહેલી મુલાકાત થઈ હતી. ‘અજંતા’માં કોફી પીતા થોડાક કવિમિત્રો બેઠા હતા. કવિતા સામયિક ‘શબ્દ’ ત્યારે નવું નવું પ્રકાશિત થયું હતું, મુખ્યત્વે એને વિશે વાતો થતી હતી. રાવજી કંઈક જુદા જ મૂડમાં બેઠો હતો. બધા ઊઠ્યા ને એણે સાઇકલ સંભાળી. પીપળાના સૂકા પાન જેવું શરીર સાઇકલ ખેંચતું હું જોઈ રહ્યો. ‘આવજો’નો હાથ ઊચો કરી એ ચાલ્યો ગયો. માંડ બે-ચાર શબ્દોની આપ-લે ને ઊચો હાથ ને સાઇકલ ખેંચતું શરીર. ઉનાળાની એક બપોરે ‘સંદેશ’ની ઓફિસ પર શ્રી રાધેશ્યામ શર્માને ફોન કર્યો ને અચાનક રાવજીનો અવાજ સંભળાયો. મળવાની ઇચ્છા બન્નેને હતી, પણ બેએક કલાક પછી અમદાવાદ છોડતી ટ્રેનમાં મારે નીકળવાનું હતું. રાવજીએ રસ્તો કાઢ્યો; “ઓફિસેથી વહેલો નીકળીને આવું છું. આવું જ છું.” સમય થઈ ગયો, પણ રાવજી ન દેખાયો. ‘સંદેશ’ની ઓફિસ પર જવા જેટલો હવે સમય નહોતો. શ્રી ‘સ્નેહરશ્મિ’ ને હું નીચે ઊતર્યા, તો બારણામાં જ રાવજી! અમે ત્રણે સાથે સ્ટેશને જવા નીકળ્યા. મેં પૂછ્યું: “કેમ મોડું થયું?” ને એણે ‘અશ્રુઘર’—એની પ્રથમ નવલકથા બતાવીને કહ્યું: “આ લેવા ગયો હતો.” એણે સહી કરીને મારા હાથમાં મૂકી. રાવજી સૌનો લાડકવાયો હતો. રાવજીના જીવનવૃક્ષનાં મૂળિયાંમાં રાજરોગની સાથે કંઈ કેટલાય વ્યાધિઓના રાફડા હતા. પણ એની ડાળીઓ પર તો કવિતાનાં હરિત પર્ણો ફૂટતાં જ જતાં હતાં. રાવજીને શ્રદ્ધા હતી: એની કવિતાનો શબ્દ જલદીથી નહિ ભુલાય. ભુલાય કે ન ભુલાયની એને ઝાઝી પડી નહોતી. કીટ્સે કહેલું કે વૃક્ષને જેમ પર્ણો ફૂટે તેમ કવિને કવિતા ફૂટે. રાવજીની બાબતમાં આ સાચું ઠર્યું છે. રાવજીની એક ગીતપંકિત છે: ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ એનાં અજવાળાં પહેરીને એના શ્વાસ એના શબ્દોમાં ઊભા છે. [‘પૂર્વાપર’ પુસ્તક]