સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/સૂરજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

સૂરજ રમતો ભમતો ઊગ્યો.
ઊગ્યો એવો દરિયો થઈને તેજલ રંગે છલક્યો,
ને વનકન્યાના કેશકલાપે
આવળિયાનું ફૂલ થઈને મલક્યો.
ફૂલ ઉપરથી પવન બનીને છૂટ્યો
તે નવજાતક પંખીની ચાંચે
સૂર બનીને ફૂટ્યો.
વૃક્ષ તણી ડાળીએ બેસી
નીડ બનીને ઝૂલ્યો;
ઘુવડની આંખો શોધીને
અંધકારમાં પોતાનેયે ભૂલ્યો!
કોણે એને ઊંચકી ત્યાંથી
કોક કવિની નિશ્ચલ આંખે મૂક્યો
કે નવપરિણીતના શયનાગારે
ચાંદરણું થઈ ઝૂક્યો!