સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમુભાઈ પંડ્યા/ત્યાગની પરંપરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          લાલ બહાદુર[શાસ્ત્રી]ના મૃૃત્યુ પછી આપણને ખબર પડી કે અઢાર માસ સુધી ભારતના પ્રધાનમંત્રી-પદને શોભાવનાર એ વિભૂતિને ખાતે બૅન્કમાં કોઈ રકમ નથી, ઊલટાના એ બૅન્કના દેવાદાર છે! ભારતમાં તો ત્યાગીઓએ જ ઇતિહાસને ભવ્યતા અર્પી છે. બુદ્ધ અને મહાવીર, શંકરાચાર્ય અને નાનકથી ગાંધીજી સુધી અનેકોએ ત્યાગીઓની એક નવી દુનિયા ઊભી કરી દીધી હતી. દેવોને પોતાનાં હાડ ભેટ ધરનાર દધીચિ, કર્ણ, રંતિદેવ કે મયૂરધ્વજના ત્યાગમાં કેવી વીરતા હતી! દર પાંચ વરસે ગરીબોમાં રાજલક્ષ્મી લૂંટાવી દઈને ગરીબ બનવામાં હર્ષવર્ધન ગૌરવ અનુભવતો. દિલ્હીપતિ નાદિરશાહની બેગમની આંગળીઓ રોટલી શેકતાં દાઝી જાય, પણ રાજ-તિજોરીમાં ખર્ચ નાખીને તે રસોયો ન રાખે. મુઘલ સલ્તનતનો આલમગીર ‘કુરાન’ની નકલ કરી ને ટોપીઓ સીવી પોતાનું ગુજરાન ચલાવે. એ જ પરંપરામાં લાલ બહાદુર આવે. મરાઠા યુગના ન્યાયમૂર્તિ રામશાસ્ત્રીનાં પત્નીની થીગડાંવાળી સાડી જોઈ, પેશ્વા માધવરાવની સ્ત્રી તેને સોનેરૂપે મઢી દઈ પાલખીમાં ઘેર પહોંચાડે ત્યારે, ઘરનાં બારણાં બંધ કરી દઈ પત્નીની ઉપેક્ષા કરીને બધું ધન મહેલમાં પાછું મોકલાવી દેનાર એ રામશાસ્ત્રી જ પછીથી જાહેર દરબારમાં રાઘોબાને ફરમાન કરી શકે કે, “નારાયણરાવના ખૂનનું પ્રાયશ્ચિત્ત દેહાંતદંડ જ હોઈ શકે”, અને ન્યાયાસનને લાત મારી શકે. સ્વેચ્છાએ સ્વીકારેલી આવી ગરીબાઈ એ રાષ્ટ્રની આજની આવશ્યકતા છે, એ પાઠ આવા ગૌરવવંતા પ્રસંગો મારફત આપણી નવી પેઢીને ભણાવીએ. [‘સાધના’ માસિક: ૧૯૬૭]