સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃતલાલ વેગડ/અમારે આંગણે સારસ્વતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ભોળાભાઈ પટેલ કુટુંબ સાથે મધ્ય પ્રદેશના કાન્હા-કિસલી, ભેડાઘાટ (જબલપુર) અને પંચમઢીના પ્રવાસે નીકળ્યા હતા. કાન્હા-કિસલીનું અભયારણ્ય જોઈને જબલપુર આવ્યા. ભેડાઘાટ જતાં કાન્તાને અને મને સાથે લીધાં. જતાં જ બોટિંગ માટે મધુભાઈએ એક આખી નાવ લઈ લીધી. મધુભાઈ, ભોળાભાઈના પુત્ર તેમ જ મિત્રા, મળતાવડા ને વિનોદી. અન્ય સભ્યો પણ એટલાં જ પ્રેમાળ. એથી અમે એ કુટુંબમાં દૂધમાં પાણીની જેમ (સાકર તો કેમ કહું?) ભળી ગયાં. નૌકાવિહાર કર્યા પછી ઘેર પહોંચતાં અંધારું થઈ ગયું. બીજે દિવસે બધાં અમારે ઘેર આવ્યાં. પુત્રો, પુત્રવધૂઓ, પુત્રી અને પૌત્ર-પૌત્રીઓ વચ્ચે ‘કુલપતિ’ જેવા શોભતા ભોળાભાઈને જોઈને થયું કે બીજાઓ પણ આવી રીતે બૃહદ્ કુટુંબ સાથે પ્રવાસે નીકળતા હોય તો કેવું સારું! કાલે નૌકાવિહાર કરતી વેળા ભોળાભાઈએ ઉમાશંકરભાઈના એક કાવ્યને યાદ કરેલું જે એમણે અહીંની નર્મદાને જોઈને લખેલું. જૂનાં સ્મરણો તાજાં થયાં. ૧૯૪૭માં મારું અમદાવાદ જવાનું થયેલું. ઉમાશંકરભાઈને મળવા ગયો. ભાવથી મળ્યા. મને કહે કે, તમે જબલપુર રહો છો તો મારું એક કામ કરો. અમે કાકા કાલેલકર અભિનંદન ગ્રંથ બહાર પાડવાના છીએ. કાકાસાહેબ સિવનીની જેલમાં રહેલા. એમની સાથે સુભદ્રાકુમારી ચૌહાનના પતિ લક્ષ્મણસિંહ ચૌહાન પણ હતા. તમે એમની પાસેથી કાકાસાહેબનાં સંસ્મરણો લખાવીને અને ગુજરાતી અનુવાદ કરીને મને મોકલી આપો. ડિસેંબર ’૪૯માં એ શાંતિનિકેતન આવેલા ત્યારે અમે ફરી મળ્યા. જબલપુર એમનું બે વાર આવવાનું થયેલું. બંને વાર અમારે ઘેર આવેલા. એક વાર સુન્દરમ્ આવેલા. એમને પણ હું અમારે ઘેર લઈ આવેલો. તે દિવસની નોંધ આજેય મારી પાસે છે : ૧૮-૧-૭૫ : ‘આજે કવિ સુન્દરમ્ આવેલા. એમણે કહ્યું કે માણસના જીવનમાં માત્ર વિસ્તાર પૂરતો નથી, એમાં ઊંડાણ પણ હોવું જોઈએ. માનવજીવન ઊર્ધ્વગામી હોવું જોઈએ. આમ ચારે દિશામાં એની ગતિ હોવી જોઈએ. ઉપર ઊઠવું અઘરું છે. એમાં પ્રયત્ન કરવો પડે, સાધના કરવી પડે. પણ જો તમે સાચા મનથી સાધના કરો, તો તમને ઈશ્વરની પ્રાપ્તિ થાય. અને આપણા જીવનમાં સૌથી મોટી પ્રાપ્તિ શી? ધન-વૈભવની? કીર્તિની? ના, ઈશ્વરની.’ અને હમણાં — ઉમાશંકરભાઈના આવ્યા પછી વીસેક વર્ષે — આવ્યા ભોળાભાઈ. જતી વેળા મધુભાઈ કહે, ‘ભલે બે દિવસ માટે પણ હું તમારી જોડે પરિક્રમામાં જરૂર ચાલીશ.’ પછી મધુભાઈનાં પત્ની કાન્તાને કહે, ‘થાય છે કે કોઈ વાર આવીને તમારે ત્યાં અઠવાડિયું રહું.’ હવે અમે એમની પાસે કોઈ લખતબખત તો કરાવ્યું નથી. જોઈએ, વચન પાળે છે કે કેમ! ગુજરાતના આ સરસ્વતી-પુત્રોના આગમનથી અમારું ઘર પાવન થયું. અન્ય સારસ્વતોની રાહ જોઈએ છીએ. અમે ચાહીએ છીએ કે તેઓ ઝટઝટ આવે. વચ્ચે ૨૦ વર્ષનો જે ગાળો ખાલી ગયો, એની ભરપાઈ પણ થવી જોઈએ ને! બીજા કયા સારસ્વતો અમારે ત્યાં આવ્યા હોત તો અમે ધન્યતાનો અનુભવ કર્યો હોત? મારું પુસ્તક ‘પરિક્રમા નર્મદા મૈયાની’ મેં ત્રણ મનીષીઓને અર્પણ કર્યું છે — કાકા કાલેલકર, ઝવેરચંદ મેઘાણી અને બચુભાઈ રાવત. સ્વાભાવિક જ જો એમની ચરણરજ અમારે ત્યાં પડી હોત, તો અમે પોતાને બડભાગી સમજત. કાકાસાહેબ મારા પ્રિય લેખક. જ્યારે હું શાંતિનિકેતન ભણવા ગયેલો ત્યારે એમનું પુસ્તક ‘લોકમાતા’ સાથે લઈ ગયેલો. એમને વાંચવાથી જાણે કે હજારો વર્ષોનો વારસો આપણને મળે છે. એમની ભીતર વિચારક, કવિ, આલોચક, શિક્ષક, સુધારક એક સાથે કામ કરે છે. એમનાં લખાણોમાં વિદ્યાર્થીઓથી લઈને યુનિવર્સિટીના મોટા વિદ્વાનો સુધી સૌને પોતપોતાનું પ્રાપ્ય મળી રહે છે. મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’નાં પુસ્તકો મેં કોણ જાણે કેટલીય વાર વાંચ્યાં હશે. મેઘાણીએ અતીતને ખોદીને બહાર કાઢયું, એમાં પ્રાણ પૂર્યા ને આપણી સમક્ષ જીવતુંજાગતું ખડું કરી દીધું. ‘રસધાર’માં લોકકથા અને જીવન, કલ્પના અને યથાર્થ ઓગળીને એકરૂપ, એકરંગ થઈ ગયાં છે. સ્વામી આનંદનો પણ હું પરમ ભક્ત. ‘ધરતીની આરતી’માં એમણે જે નિર્મમ ઇમાનદારીથી અને સૂક્ષ્મતાથી એમનાં પાત્રોનું વર્ણન કર્યું છે, એથી એ માત્ર અમુક પાત્રોની વ્યથા-કથા ન રહેતાં એક મહાગાથા બને છે. ‘લોકમાતા’ જ્યારે પણ વાંચું ત્યારે થાય કે આમાં પ્રાચીન સંદર્ભો અને સંસ્કૃત શ્લોકોની ભરમાર ઓછી હોત તો! તેમ જ ‘ધરતીની આરતી’માં તળપદા શબ્દો ને તળપદી બોલીની દેમાર જરા ઓછી હોત તો! જ્યારે મેઘાણીની ‘રસધાર’ની ભાષા આ બંને છેડા વચ્ચે રહીને કેવી તો સમથળ વહે છે! જ્યારે પણ અમદાવાદ જવાનું થતું ત્યારે બચુભાઈને મળવા ‘કુમાર’ કાર્યાલય જરૂર જતો. ચહેરાથી ન ઓળખી શકતા, પણ જેવું નામ કહું એટલે તરત કહેશે, ‘ઓહો, તમારા તો મોતીના દાણા જેવા અક્ષર!’ (મોતી તો ચાલ્યાં ગયા, દાણા રહી ગયા છે.) એક હોય છે માસ્ટર કી, એનાથી બધાં તાળાં ખૂલી જાય. બચુભાઈ એવા જ હતા — બહુમુખી પ્રતિભાવાળા વિરલ વ્યક્તિ. કવિતા, કળા, સાહિત્ય, સંપાદન, મુદ્રણ, પત્રલેખન, બધાંમાં ઉત્કૃષ્ટ. ગુજરાતીમાં મારો પહેલો લેખ ‘આતિથ્ય’ ઑગસ્ટ ૧૯૫૩માં ‘કુમાર’માં પ્રસિદ્ધ થયેલો. પ્રથમ ‘પરિક્રમા’ પુસ્તકની અત્યંત પ્રાસાદિક પ્રસ્તાવના વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ લખેલી — કોઈ પણ જાતના પરિચય વિના. હું એમને રૂબરૂ ક્યારેય મળી ન શક્યો. પરંતુ પત્ની કાન્તા, પુત્ર શરદ અને પુત્રવધૂ અર્ચના એમને ઘેર ગયેલાં. શરદે જેવું મારું નામ કહ્યું એટલે મારી પત્ની ભણી જોઈને બોલ્યા : “તમે તો કાન્તાબહેન ને!” પાસે જ ‘પરિક્રમા’ના લેખો હતા એ બતાવીને કહે, “ખૂબ સરસ લખ્યું છે. અવારનવાર વાંચ્યું. જ્યારે થાકું ત્યારે વાંચું.” એમના જ શિષ્ય અને મોટા ગજાના કવિ જયંત પાઠકની પણ મારા પર એવી જ અમીનજર હતી. એમને પણ ક્યારેય મળી ન શક્યો. ‘સૌરાષ્ટ્ર સમાચાર’ અખબારે પુસ્તક વર્ષ નિમિત્તે કેટલાક વરિષ્ઠ સાહિત્યકારો પાસેથી એમને પ્રભાવિત કરી ગયેલા કોઈ એક પુસ્તક વિશે મિતાક્ષરી અભિપ્રાય મંગાવેલા. જયંતભાઈએ મારા પુસ્તક ‘સૌંદર્યની નદી નર્મદા’નું નામ આપેલું ને રસદર્શન પણ કરાવેલું; એમાંથી એક વાક્ય : “પુસ્તકમાં માત્ર નદીનું જ સૌંદર્ય નથી ઊતર્યું, ભારતવર્ષનું ભાતીગળ સૌંદર્ય પણ કંડારાયું છે.” આવો જ સુંદર અભિપ્રાય એમણે મારા પુસ્તક ‘થોડું સોનું, થોડું રૂપું’ વિશે લખી મોકલેલો : “તમારા પુસ્તકમાં સર્વત્ર તમારી શૈલીની રસાળતા, પ્રાસાદિકતા ને હળવાશ જોવા મળે છે. આખું પુસ્તક એક કલાકારના સર્જક કર્મનું સુભગ પરિણામ છે.” કાકા કાલેલકર, ઝવેરચંદ મેઘાણી, બચુભાઈ રાવત, સ્વામી આનંદ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને જયંત પાઠકની ચરણરજ અમારે ઘેર પડી હોત તો એ અમારા માટે આનંદ તેમ જ ગર્વનો વિષય હોત. વર્તમાનનાં કોઈ પણ લેખક કલાકાર અમારે ત્યાં આવશે તો એથી અમારા ઘરની રોનક વધશે. બહુ મોડું ન કરવા વિનંતી. ક્યાંક એવું ન થાય કે અમારા ઘરના સભ્યો એમને કહે કે, તમે ભલે આવ્યા, તમારું સ્વાગત છે — પણ અમૃતભાઈ તો હવે ન રહ્યા! '[‘દિવ્ય ભાસ્કર’ દૈનિક : ૨૦૦૪]'