સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત મોદી/“વડો પ્રધાન છું છતાંય...”
“વાહ! આ સાડીઓ તો બહુ સરસ છે. શી કિંમત છે?” “જી, આ આઠસોની છે, અને આ હજાર રૂપિયાની.” “ઓહો! એ તો બહુ કિંમતી કહેવાય. એનાથી સસ્તી બતાવશો મને?” “તો આ જુઓ પાંચસોની અને આ ચારસોની છે.” “અરે ભાઈ, એ પણ કિંમતી ગણાય. કાંઈક ઓછી કિંમતની બતાવો, તો મારા જેવા ગરીબને પોસાય!” “વાહ સરકાર—એવું શું બોલો છો? આપ તો અમારા વડા પ્રધાન છો—ગરીબ શાના? અને આ સાડીઓ તો આપને અમારે ભેટ આપવાની છે.” “ના, મારા ભાઈ, એ ભેટ હું ન લઈ શકું.” “કેમ વળી? અમારા વડા પ્રધાનને કાંઈક ભેટ ધરવાનો શું અમને અધિકાર નથી?” “હું ભલે વડો પ્રધાન હોઉં, પણ તેનો અર્થ એ નહીં કે જે ચીજ હું ખરીદી ન શકું તેમ હોઉં, તે ભેટરૂપે લઉં. વડો પ્રધાન છું તે છતાંય હું છું તો ગરીબ જ. મારી હેસિયત પ્રમાણેની સાડીઓ જ હું ખરીદવા માગું છું. માટે ઓછી કિંમતવાળી સાડીઓ મને બતાવો.” રેશમના કારખાનાવાળાની બધી વિનવણીઓ નકામી ગઈ. આખરે લાચાર થઈને એને સસ્તી સાડીઓ બતાવવી પડી. અને એમાંથી ગરીબ ભારતના વડા પ્રધાન લાલ બહાદુરજીએ પોતાના પરિવાર માટે જોઈતી સાડીઓ ખરીદ કરી. [‘ભૂમિપુત્ર’ દસવારિક: ૧૯૭૦]