સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અરુંધતી રોય/અંધારી રાતે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પાકિસ્તાનથી આપણને જુદો પાડતો આપણો અલગ ચહેરો ભૂંસાઈ રહ્યો છે. આપણા પોતાના વિશે આદરને બદલે બીજાઓ તરફની નફરતથી આપણે આપણી ઓળખ ઊભી કરવા માગીએ છીએ. આપણે જે સ્વરૂપ ધારણ કરવાનું સપનું જોતા હતા, તે સર્વનો નાશ કરવા સંઘ-પરિવાર કટિબદ્ધ બન્યો છે. પરિણામે ફાસીવાદ રાજ્યના પ્રત્યેક અંગને પકડમાં લેશે. નાગરિકસ્વાતંત્ર્યો ઝૂંટવાતાં જશે. નાનામોટા અન્યાયો રોજના બનશે. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાથી જ ઉકેલ નહીં આવે. લોકો સ્વેચ્છાથી કુવિચારો ત્યજે તેવી સ્થિતિ આપણે નિર્માણ કરવી જોઈશે. તે માટે જાહેર સંસ્થાઓ પર બાજ-નજરે તકેદારી રાખવી પડશે. કરતા— કારવતા પાસે હિસાબ માગતા રહેવું જોઈશે. કારમી ગરીબીમાં સબડતા લાખો લોકોની ઝીણી-મોટી ફરિયાદો પર ધ્યાન આપતા રહેવું પડશે. પોકળ લાગણીવેડા વડે આપણું ધ્યાન વિચલિત કરનારાં ટીવી, છાપાં વગેરેના નશામાંથી લોકોને ઉગારવા જોઈશે. હિન્દુત્વની કંઠી બાંધીને ફરનારા હજારોમાં ફાસીવાદનું વિષ ઊંડું ઊતર્યું છે. તેઓ જાણતા નથી કે ફાસીવાદ થોડા સમય માટે ફૂલીફાલી શકે છે, પણ અંતે તો તે પોતે જ પોતાને હણે છે. દુર્ભાગ્યે તે દરમિયાન, પરમાણુ બૉમ્બની કિરણોત્સર્ગી રજકણોની જેમ, ફાસીવાદ કેટલીય પેઢીઓને વિકલાંગ બનાવતો જાય છે. ઉન્માદ અને નફરતમાં ચકચૂર એવો આ ફાસીવાદ પેદા ક્યાંથી થાય છે? દાવાનળની જેમ એ ફેલાય છે શાથી? એ સવાલનો જવાબ શોધવા જતાં આપણને યાદ આવશે કે સ્વાધીનતાની લડતે ભારતવાસીઓને કેવાં કેવાં સપનાં આપેલાં! સ્વરાજ્ય આવ્યા પછી એ સપનાં રોળાઈ ગયાં, તેમાંથી ભારતમાં ફાસીવાદને પોષણ મળ્યું છે. કરોડોની જનસંખ્યાવાળું રાષ્ટ્ર અડીખમ બનીને વિશ્વમાં ઊભું રહે, તેને બદલે ધર્મ, કોમ, જ્ઞાતિ જેવા ટુકડાઓમાં એ ખંડિત થઈ ગયું. પરસ્પર અવિશ્વાસ અને ધિક્કારનો શરાબ રાજકારણીઓ પ્રજાને પાતા રહ્યા. પણ રાજકારણીઓને દોષ દીધે રાખવાથી આપણું શું વળશે? પોતાના નેતાઓ વિશે નિરંતર ફરિયાદો જ કરતી રહે, તે પ્રજા દયાપાત્રા બને છે. દુનિયા પાસેથી તેને દિલાસો નહીં, હાંસી સાંપડે છે. ધર્મ અને જ્ઞાતિને નામે રાજકારણીઓ અલગાવની આગ ફેલાવતા રહ્યા છે, તે એકમાત્રા કારણથી ફાસીવાદ ભારતમાં ફેલાયો નથી. સ્વમાન અને સલામતી સાથે જીવવાની સામાન્ય જનતાની ઉમ્મીદોને પાંચ-પાંચ દાયકાથી ગળેટૂંપો દેવામાં આવ્યો છે. જમીનના તથા કુદરતી સંપત્તિના ન્યાયી વિતરણની, શિક્ષણની, આરોગ્યની પ્રત્યેક યોજનામાં સ્વાર્થી રાજકારણીઓ સુરંગ ચાંપતા રહ્યા છે. પ્રજાની ઉન્નતિ માટેના એવા કાર્યક્રમોને એમણે નાકામિયાબ બનાવ્યા છે. આવી પરિસ્થિતિએ પેદા કરેલી તક ફાસીવાદીઓએ કુનેહપૂર્વક ઝડપી લીધી છે. આત્મગૌરવને નામે નીચામાં નીચી કક્ષાની લાગણીઓને એમણે બહેકાવી છે. ધર્મની આડશ લઈને એમણે સમૂહોને એકમેકની સામે ઉશ્કેર્યા છે. જે બીચારા પોતાનાં ઘર અને સમાજમાંથી ઊખડી ગયેલા છે, નિજના સંસ્કાર જ નહીં, ભાષા પણ ગુમાવી બેઠેલા છે, તેમનામાં કશાક આભાસી તત્ત્વ માટેનું અભિમાન તેમણે પેદા કર્યું છે. જાતે પરિશ્રમ કરીને મેળવેલી સિદ્ધિને બદલે માત્રા કોઈક ધર્મના અનુયાયી હોવાની નમાલી વાતમાં ગૌરવ અનુભવવાનું એમણે પ્રજાને શીખવ્યું છે. ને તેનાથી ખાલીપો અનુભવતા નિર્માલ્યોમાં જુસ્સો જલાવ્યો છે જે કોઈ સામું મળે છે તેની પર ત્રાટકવાનો. બીજી એક બાબત પણ વિચારીએ. ફાસીવાદ સામે આજે પુણ્યપ્રકોપ ઠાલવનારાઓ, જ્યારે ફાસીવાદ નાબૂદ થશે ત્યારે સામાજિક ન્યાય માટે પણ એટલી જ તીવ્રતા દાખવશે ને? તેને માટે આપણે જાતને તૈયાર કરશું ને? સરઘસમાં માત્રા સૂત્રો પોકારીને જ બેસી રહેવાનું નથી. આપણા ઘરમાં ને કામના સ્થળ પર દરેક નિર્ણયમાં એનો અમલ અત્યારથી જ આપણે આરંભી દેવો જોઈએ. એ માટે આપણી તૈયારી ન હોય, તો પછી હિટલરના જર્મનીની પ્રજાને આખી દુનિયાએ દેખાડેલી તેવી તિરસ્કાર અને ધિક્કારની લાગણી આપણે માટે પણ માનવી માત્રાની આંખમાં નિહાળવા ભારતની પ્રજાએ તૈયાર રહેવું પડશે. નામોશીના માર્યા આપણે આપણી આવનારી પેઢીઓને મોં દેખાડી શકશું નહીં, એમની આંખમાં આંખ મિલાવીને જોઈ શકશું નહીં. આવી અંધારી રાત્રીમાંથી બહાર નીકળવાની ઈશ્વર આપણને શક્તિ આપે, એ જ પ્રાર્થના.

(અનુ. મહેશ દવે)