સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અરુણા જાડેજા/અંધારી રાતેએક વીસરાતી કળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          દાયકાઓ વીતવા છતાં નસેનસમાં સદાયે લહેરાતી રહેનારી એ લિજ્જત! શરદીથી મૂંઝાતા ગળાને ગરમાટો આપી જનારી ઘઉંના લોટની સૂંઠ-ગંઠોડાવાળી એ હૂંફાળી રાબ, તાવથી તતડી ઊઠેલા મોંને સ્વાદ લગાડી જનારા હિંગ-જીરાથી વઘારેલા ખારભંજણ મમરા, દૂધવાળી તપેલીને લૂછીપૂસીને બંધાયેલા લોટની પોચી રોટલી. ઘીવાળી કડાઈમાં બંધાયેલ લોટની ફરસી ભાખરી, જીભને ચટકો લગાડી જનારો વાસી રોટલીનો ગળચટ્ટો લાડવો કે પછી તીખા-ગળ્યા પૂડલા સાથે ખીલતી ખવાતી ખીર. હમણાં જ ચાસણી રેડીને માંડ માંડ ઠરતો લસલસતો મોહનથાળ કે ઘઉં-ચણાના પોંકનું મોંમાં નાખતાં જ ઓગળી જાય એવું તાજેતાજું રેશમિયું જાદરિયું. જીભના ટેરવાથી મગજના છેડા સુધીના જ્ઞાનતંતુઓ ‘સડાક’ ઊભા થઈ જાય એવો અનેરો રસ કેરો ઝાટકો આપી જનારી આ રસોઈ. કૃષ્ણકમોદની કણકીનું આદુ-મરચાં-જીરાથી ખદખદતું સુગંધીદાર ખીચું અથવા ઊકળતી દાળની મહોલ્લાભરમાં ફરી વળેલી ખટમીઠી સોડમ, સત્યનારાયણની કથાના ઘીમાં શેકાતા એ શીરાનો મઘમઘાટ કે સીઝતી-વીસમતી ખીચડીનો સુગંધાનંદ તો જાણે પરમાનંદ. ભૂંજાતાં શક્કરિયાં-બટાકાની ખરી ખરી ભૂંજાયેલી ગંધ એકાદા નાસ્તિકને શિવરાત્રી તો શું, અહોરાત્રી કરવા ફરજ પાડે તેનું નામ રસોઈ. ચોમાસે ઊતરી રહેલાં ગરમાગરમ કેળાંમેથીનાં ભજિયાં. એની સાથે મહાલવા માટે સજીધજીને તૈયાર થઈ રહેલા ઘઉંના લોટમાં એક મધમીઠા ઝમ્મકારા સાથે રેડાતું ગોળનું ફફળતું પાણી. ચૂલે ચડેલી દાળમાં મેથીનો કે કઢીમાં મીઠા લીમડાનો વઘારાતો છમ્મકારો તો પરાણે નાક-કાનમાં પેસીને જ જંપે. લાંબી સોડ તાણીને સૂતેલી ભૂખ પણ તરાપ મારતી ઊભી થઈ જાય એવી હોય આ રસોઈ. નાક-કાન-આંખ વાટે સમગ્ર પાચનક્રિયાને ઢંઢોળી મૂકનારી પ્રક્રિયાનું નામ તે રસોઈ. જગતનાં સુંદર સર્જનોમાંનું એક એટલે સ્ત્રી. સહુની આંખને ઠારે એવું સ્ત્રીસૌંદર્ય અને સહુની જીભને ઠારે એવું ઘરનું ભોજન તો આજે દુર્લભ જ. તો સામે સોળથી લઈને સાઠ સુધીમાં સ્નાયુબદ્ધ કે કસાયેલું, ખડતલ પુરુષત્વ નજરે પડવું એટલું જ વિરલ. નિસ્તેજ અને નિર્માલ્ય ચહેરાઓ પાછળ પોષક અને સાત્ત્વિક ખોરાકનો અભાવ એ એક મુખ્ય કારણ ખરું જ. એટલે શું અમારે સ્ત્રીઓએ આખો વખત રસોડામાં પુરાઈ રહેવું? ગૃહિણીએ કુટુંબીજનોના આરોગ્યનું જણસની જેમ જતન કરવાનું રહે છે. ક્યારેક બેપાંચ હજારની લાયમાં આંધળી દોટ મૂકતી ગૃહિણી વળતર કરતાં કેટલાંયે ગણું નુકસાન વહોરી લેતી દેખાય છે. “…આજે હું થાકી ગઈ છું… બહાર જમી લઈએ / મંગાવી લઈએ, છોકરાઓનો નાસ્તો તૈયાર જ લઈ આવી… લે, આ પૈસા અને રિસેસમાં કેન્ટીનમાંથી નાસ્તો કરી લેજે.” કુશળ ગૃહિણી માટે તો રસોઈ એ ડાબા હાથનો ખેલ ગણાય. પહેલાંની સ્ત્રીઓ જોઈએ તો-દળણાં, દૂઝણાં, વલોણાં, કચરાપોતાં, કપડાંવાસણ, સાફસૂફી, સોવું-ઝાટકવું ઉપરાંત કેટકેટલાંયે બાળકોનું થતું સંગોપન અને આધુનિક સાધન-સગવડ વગર સાથે સાથે થતાં રહેતાં ઉત્તમોત્તમ રસોઈપાણી. આજના કરતાં કેટલાંયે ગણાં કામ સાથે પણ પહેલાં ઘરોમાં લહેજતદાર રસોઈ થતી જ હતી. આજની નોકરિયાત બહેનોને વ્યવસાયાર્થે બહાર રહેવું પડે છે. પણ એની મદદે તો અલ્લાદીનનો ચિરાગ છે ને? ચિરાગ ઘસતાંની વારમાં જ ગૅસ, પ્રેશર કૂકર, મિક્સર, ઓવન, જેવાં ઉપકરણોની ભરમાર હાજર. એકવીસમી સદીમાં દોડતી ગૃહિણી માટે રસોઈ પરનાં પુસ્તકો તો ખરાં જ. પણ ‘ઇન્ટરનેટ’ પર તો એને જલસા જ છે. ‘ફૂડ’ નામની ‘વેબસાઇટ’-ઉપવિભાગમાં પેસો એટલે ‘ખૂલ જા સિમ સિમ’-એમ જુદીજુદી ‘સાઇટ’ ખૂલતી જાય. જીવનાવશ્યક દ્રવ્યો સાચવતો આહાર, શાકાહારના ફાયદા વગેરે બધું જ જાણવા મળે. સ્વાનુભવ અને સ્વૈર કલ્પનાના મિશ્રણથી શોધાતી જાય નાવીન્યપૂર્ણ પાકકૃતિઓ. ચકોર ગૃહિણી તો વ્યવસાય સાથે ચપળતાથી સમતોલપણું સાધતી, પ્રસન્નપણે રસોડાનું કાર્યક્ષેત્ર પણ સંભાળતી જોવા મળે છે. રસોઈ માત્ર રસોડા પૂરતી જ સીમિત નથી. એ તો કરિયાણાબજાર કે શાકમાર્કેટથી રસાવાની શરૂ થાય છે. રંગબેરંગી રત્નોની જેમ કુદરતે છૂટે હાથે વેરેલાં તકતકતાં તાજાં શાકભાજી જોઈને કોઈ પારખુ ગૃહિણી સુંદર દાગીનાને જોતી હોય તેમ લલચાઈ ઊઠે છે. દાણેદાણાથી માંડીને શાકપાંદડાં વીણી ચૂંટીને પૂરી પરખથી તે ખરીદે છે, ભારે જહેમત ઉઠાવે છે ત્યારે જઈને રસોઈની અનોખી લહેજત આપણે પામીએ છીએ. આથી જ તો એક અચ્છો ખાનારો, ખરો ભોક્તા, આ રસોઈકળા પાછળ થતાં કષ્ટો અને તેના ગુણોથી સુવિદિત હોય છે. પોષણમૂલ્યોનું વિચારપૂર્વક આયોજન કરીને થતું પાકશાસ્ત્ર એ તો તપશ્ચર્યા છે. વળી રસોડું એટલે તો ઘરબેઠાં ‘બ્યૂટી પાર્લર.’ ટામેટા સમારતાં, લીંબુ નિચોવતાં, આમલી ચોળતાં, દહીં મેળવતાં કે દૂધની કોથળી ફોડતાં એ જ હાથ તમારી ત્વચા પર પણ ફેરવતાં જાઓ. રસોઈ સાથે ત્વચા પણ ઝગારા મારતી થઈ જશે. તો આટઆટલા શુભલાભ કરાવનારી, ઘરે ઘરે મંગળ વરતાવનારી રસોઈથી શા માટે અતડા રહેવું? આજના વૈશ્વીકરણના જમાનામાં આ આખીય ખાદ્યયાત્રા એક આનંદયાત્રા બની રહે છે. એક વાર આ રસસાધના સિદ્ધ થઈ જાય પછી તો એ આપમેળે રસાતી જાય એવી સ્વયંસિદ્ધા. પાછી એવી કાંઈ વખતખાઉ નથી. થોડીક મહેનત અને ખાસ્સો મહાવરો. થોડીક તત્પરતા અને એમાંથી નીપજતી ખાસ્સી તન્મયતા, થોડીક પારંપારિકતા અને ઘણી બધી પ્રયોગશીલતા. થોડીક ગુરુચાવીઓ અને ઘણીબધી કોઠાસૂઝ. સૂઝમાંથી સજ્જતા કેળવાતી જાય. દ્રૌપદીની થાળીમાંના બચેલા કણમાંથી મણ કરી જાણે એ જ રસોઈકળા. ગરવી ગૃહિણી નરવી રસોઈ થકી સહુના પેટમાં પેસીને સહુના હૈયાને પોષતી-તોષતી જીતી લે છે. સાહિત્ય, સંગીત કે નૃત્ય, ચિત્ર કે શિલ્પ, સીવણ કે ભરતગૂંથણ, લીંપણ કે ટીપણ જેવી અનેક કળાઓમાં સ્ત્રીઓની પારંગતતા પૂરબહારમાં ખીલેલી જોવા મળે છે. તો આજની સ્ત્રી ભૂલી રહી છે કે રસોઈ એ તો એક મૂળભૂત કળા છે. જીવનને રસબસતી કરવાનો કસબ આ કળામાં રહેલો છે. આવો, આ લુપ્ત થતી કળાને તૃપ્ત કરવાનો સંકલ્પ કરીએ. [‘અખંડ આનંદ’ માસિક : ૨૦૦૨]