સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આંદ્રે મોરવા/જીવનભરનાં સાથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આ વિશાળ દુનિયામાં આપણે એકલવાયાપણું અનુભવીએ છીએ, તેની વેદના વેઠીએ છીએ. જગતના ગેરઇન્સાફો અને જિંદગીની જહેમતો આપણને મૂઢ બનાવી મૂકે છે. પણ પુસ્તકો વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બીજાઓએ પણ — આપણા કરતાંયે મહાન લોકોએ પણ — આપણી જેમ જ વેદના વેઠેલી છે, ખોજ કરેલી છે. પુસ્તકો એ બીજાં માનવીઓનાં, બીજી પ્રજાઓનાં અંતરમાં આપણને પ્રવેશ કરાવતાં દ્વાર છે. જે નાનકડી દુનિયામાં આપણે જીવીએ છીએ તેમાંથી અને આપણી જાત વિશેના વલોપાતમાંથી પુસ્તકો વાટે આપણે નાસી છૂટી શકીએ છીએ. પહાડો ઉપર જઈને ગાળેલી રજાઓ આપણાં શરીર પર કરે છે, તેવી જ આહ્લાદક અસર પુસ્તક-વાચનમાં ગાળેલી એક સાંજ આપણાં ચિત્ત ઉપર કરે છે. એ ઊંચી ટોચો પરથી નીચે ઊતરીએ ત્યારે આપણે નવી તાજગી અનુભવીએ છીએ અને રોજિંદા જીવન-સંગ્રામમાં ઝૂઝવાની નવી શક્તિ આપણને સાંપડેલી હોય છે. વીતેલા જમાનાઓ વિશે વાકેફ થવાનો એક માત્રા રસ્તો પુસ્તકોનો છે; અને જે માનવસમાજોની મુલાકાત આપણે કદી લેવાના નથી તેમને સમજવાની શ્રેષ્ઠ ચાવી પણ પુસ્તકો છે. સ્પેઇનની વીસ સહેલાણી-સફરોના કરતાં નાટ્યકાર લોરકાની કૃતિઓ મને એ દેશના આત્માનો વધારે સાચો પરિચય કરાવી શકે. વિલોપ થઈ ચૂકેલા એક અમેરિકાને તાદૃશ કરવામાં હોથોર્ન કે માર્ક ટ્વેઇનની નવલકથાઓએ મને સહાય કરેલી છે. અને કાળ ને સ્થળમાં આપણાથી આટલા બધા વિશાળ અંતરે પડેલી એ બધી દુનિયાઓ તથા આપણા આજના જગતની વચ્ચે જે અદ્ભુત સામ્ય છે, તે જાણીને તો આપણો આનંદ અનેકગણો વધી જાય છે. આપણામાંથી અનેકનાં જીવનો ડિકન્સ કે બાલ્ઝાકની કલમને જેબ આપે તેવી નવલકથા સર્જાવી શકે એવાં હોય છે. તે છતાં એ અનુભવમાંથી આપણને સુખ સાંપડતું નથી. રોજબરોજના જીવનમાં આપણે એટલા બધા સંડોવાયેલા રહીએ છીએ કે મહત્ત્વની ઘટનાઓને સ્પષ્ટપણે જોઈ શકતા નથી. ત્યારે લેખક આપણી સમક્ષ જિંદગીની વફાદાર તસવીર મૂકે છે — પણ તે એટલી દૂર રાખે છે કે તેનો સ્પર્શ પામ્યા વિના પણ આપણે તેનો આસ્વાદ લઈ શકીએ. કોઈ પણ મહાન ગ્રંથ તેના વાચકને તે જેવો હતો તેવો રહેવા દેતો જ નથી — એ વાંચ્યાને પરિણામે હંમેશાં એ વધુ ઉન્નત માનવી બને છે. તેથી, આપણી ક્ષિતિજોને વિશાળ બનાવનારાં, આપણી જાતને ભેદીને બહાર નીકળવામાં સહાય કરનારાં આ સાધનો સહુ કોઈને માટે સુલભ બનાવવાં, તેના કરતાં વધુ મહત્ત્વનું માનવજાત માટે બીજું કશું નથી. અને તેમ કરવાનો એક માત્રા રસ્તો પુસ્તકાલયોનો છે. લોકશાહીના આ યુગમાં તમામ સત્તાના મૂળસ્રોત સમી આમજનતા બધા અગત્યના સવાલો અંગે વાકેફ હોય તે જરૂરી છે. નિશાળો અને કૉલેજોમાં અપાતી કેળવણીનો ફેલાવો વધતો જાય છે. પણ પુસ્તકાલય એ શાળા અને કૉલેજનું આવશ્યક જોડીદાર છે. હું તો એટલે સુધી કહું કે કેળવણી એ બીજું કાંઈ નથી પણ પુસ્તકાલયનાં દ્વાર ખોલવાની ચાવી છે. જે નાગરિકને પોતાનાં કર્તવ્ય ઇમાનદારીથી બજાવવાં હોય તેણે શાળા— કૉલેજમાંથી નીકળ્યા પછી પણ, જીવનભર શિક્ષણ મેળવતા રહેવાનું હોય છે. ઇતિહાસ તો આગેકૂચ કરતો રહે છે અને મનુષ્યને માટે નવી સમસ્યાઓ ખડી કરતો રહે છે. તેમાં એક યા બીજી બાબત વિશે નિર્ણય કેવી રીતે કરશું — જો એ બધાં વિશે આપણે બરાબર વાકેફ નહિ હોઈએ તો? થોડાક દાયકાઓમાં જ મનુષ્યના જ્ઞાનમાં ક્રાંતિ થઈ ગઈ છે. આ પરિવર્તનો ઉપર જેમનાં સુખ-ચેનનો આધાર છે તે નરનારીઓને એ બધાંની સમજણ કોણ આપશે? પોતાનાં નિત્યનાં કાર્યો કરતાં કરતાં પણ છેલ્લામાં છેલ્લી શોધો વિશે વાકેફ રહેવામાં એમને સહાય કોણ કરશે? પુસ્તકો — બીજું કોઈ નહિ પણ પુસ્તકો જ.