સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/સફારી પાર્ક વચ્ચે
ચારે બાજુ જંગલ વિસ્તરે
કોઈ સંતાઈ મને તાક્યા કરે
નભ જરા ઝૂકે ને ફોરાં ઝરમરે
તડકો કર લંબાવીને ઝીલ્યા કરે
લીલાછમ મેદાનમાં ઘેટાં ચરે
ને ઉપરથી આભ ઝીણું ઝરમરે
વાદળોમાં વત્સ સંતાતું ફરે
ગાય કાબરચીતરું કૈં ભાંભરે
ઢાળ ને ઢોળાવ છે ચારેતરફ
ટેકરી ઉપરથી તડકો ઊતરે
હણહણતી અશ્વની પડઘાયને
ને ક્ષિતિજ પર સૂર્યનો રથ સંચરે....