સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આનંદશંકર ધ્રુવ/પૂર્વજોનો સાહિત્યરસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આપણો ગ્રેજ્યુએટવર્ગ શાળા છોડે છે તેની જ સાથે ઉચ્ચ મનોભાવના સમાગમનો પ્રદેશ પણ છોડે છે! કેટલા નવીન કેળવણી પામેલા સજ્જનોને ત્યાં નાનોસરખો પણ પુસ્તક-સંગ્રહ જોવામાં આવે છે? આપણા કરતાં તો આપણા પૂર્વજોને સાહિત્યનો વધારે ખરો શોખ હતો એમ કહીએ તો ચાલે. ઘેરઘેર ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘ભાગવત’ની આખ્યાયિકાઓ વંચાતી, અને તે ધર્મ કરતાં પણ વિશેષ સાહિત્યદૃષ્ટિએ. પ્રેમાનંદની લોકપ્રિયતા એ કારણથી જ છે. વળી વિશેષતઃ સુશિક્ષિત કુટુંબમાં ‘ઓખાહરણ’, ‘નળાખ્યાન’, ‘મામેરું’ વગેરે કાવ્યો હાથે ઉતારી લેવાનો શ્રમ હોંશભેર કરવામાં આવતો એટલું જ નહિ, સામાન્ય લોકો પણ આ કાવ્યોનું પ્રેમ અને રસપૂર્વક વારંવાર શ્રવણ કરતા. અર્વાચીન સમયમાં ક્યાં સાહિત્યનાં પુસ્તકો પ્રત્યે આપણા ગ્રેજ્યુએટ વર્ગનો આટલો પ્રેમ છે એમ કહી શકાશે? આપણું વર્તમાન જીવન શુષ્ક થઈ ગયું છે, ધર્મ-સાહિત્ય-કલાની ભાવના એમાંથી ઊડી ગઈ છે, ગરીબ સ્થિતિમાં પણ એ ભાવના ઉચ્ચ રીતે કેળવી શકાય છે એ સ્મરણ જતું રહ્યું છે.