zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આર્ટ બુકવોલ્ડ/ખરાબ લોકો : સારા લોકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

થોડા દિવસ પર હું મારા દીકરાને સિનેમામાં લઈ ગયેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઓએ કેદ પકડેલા મિત્રારાજ્યોના ખલાસીઓની કંઈક વાત એ ફિલ્મમાં આવતી હતી. ઘેર પાછા ફરતી વખતે વાટમાં પુત્રો મને કહ્યું : “પેલા ખલાસીઓને આવી રીતે ત્રાસ આપતા હતા તે જાપાનીઓ બહુ ખરાબ લોકો હતા — નહીં?”

“હા,” મેં કહ્યું, “પણ હવે એ લોકો ખરાબ નથી, કારણ કે હવે તે એવું કરતા નથી.”

એકાદ મિનિટ તે વિશે વિચાર કરીને એ બોલ્યો, “એવું બધું નઠારું કામ એ લોકો શીદને કરતા હતા?”

“કદાચ તે વખતે એમને ખબર નહીં હોય કે એ નઠારું કામ કરી રહ્યા હશે.”

“તો કોઈએ એમને કીધું કેમ નહીં?”

“આપણે કહેવાની કોશિશ તો કરી હતી,” હું બોલ્યો, “પણ એ સાંભળે જ નહીં.”

“....જર્મનો બહુ ખરાબ છે — નહીં? પેલી કેદ-છાવણી વિશેની ફિલ્મ આપણે જોયેલી, તે યાદ છે ને!”

“એ લોકો ખરાબ હતા,” મેં કહ્યું, “પણ હવે સારા છે.”

“હવે એ જુદા જ લોકો થઈ ગયા છે?” એને જાણવું હતું.

“ના, છે તો એના એ જ લોકો; મોટા ભાગના લોકો તો એના એ જ છે. લડાઈ પૂરી થઈ જાયને, પછી ખરાબ લોકોએ જે કર્યું હોય તે ભૂલી જવાનું; ન ભૂલીએ તો વળી પાછી નવી લડાઈ થાય.”

શૂન્ય નજરે તે મારી સામે જોઈ રહ્યો.

“લડાઈમાં તમે કોઈ રશિયનને મારેલો ખરો?” એને એ જાણવાની ઇચ્છા થઈ.

“ના, કારણ કે લડાઈમાં તો તે આપણી પડખે હતા.”

“પણ જો લડાઈ વખતે તે સારા લોકો હતા, ને ખરાબ લોકોને મારી નાખતા હતા, તો હવે એ લોકો ખરાબ કેમ થઈ ગયા છે?”

“હવે એ લોકો ખરાબ થઈ ગયા નથી. મોટા ભાગના રશિયનો તો સારા જ છે. પણ એમના નેતાઓ જે કરે છે તેની સાથે આપણે સંમત થતા નથી, અને એ લોકો આપણી સાથે સંમત થતા નથી. એટલે જ આ બધી ભાંજગડ ઊભી થઈ છે. સમજ્યો?”

એણે કહ્યું, “ના.”

“થયું ત્યારે — ” હું બોલ્યો, “આટલા બધા મૂરખાઈ ભરેલા સવાલ પૂછનારો છોકરો તો મેં કોઈ દી જોયો નથી!”

[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]