સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઈશ્વરભાઈ જે. પટેલ/અજવાળું કરનારા
વીસમી સદીના બીજા-ત્રીજા દાયકાના સંધિકાળની વાત છે. તે જમાનામાં સ્ત્રીઓ માટે લાજમલાજો એટલે સુધી હતાં કે બહેનો-નાની કે મોટી-પગમાં પગરખાં પણ ન પહેરી શકે! ચરોતરની પાટીદાર બહેનો કાણમોકાણ જેવા સામાજિક પ્રસંગે બહારગામ જતી ત્યારે રેલગાડીનો સમય બપોરનો હોય તો મહાત્રાસરૂપ નીવડતો. ઉનાળાના ધીખતા તાપમાં બિચારી બહેનોના પગ ચંપાઈ જતા. અડધા પગ ટેકવતી ટેકવતી એ બહેનો વૃક્ષની છાયાને આશરે સ્ટેશન સુધીનો રસ્તો કાપતી. એક શિક્ષકથી આ દશા ખમાઈ નહીં. એટલે પોતાના વિદ્યાર્થીઓની મદદથી તેણે પાણીની જેમ પગરખાંની પરબ માંડી. બપોરના બાર વાગ્યે આણંદ અને વસો સ્ટેશને ગાડીઓ પહોંચતી. વિવિધ કદનાં પગરખાંની થેલી લઈને સ્વયંસેવકો ત્યાં ખડા રહેતા; ઉઘાડપગી બહેન જુએ કે તરત તેને સપાટ કે ચંપલની જોડ આપતા. ગાડીમાંથી ઊતરેલ સ્ત્રીમંડળ એ પગરખાંથી સજ્જ બની ગામ ભણી ચાલી નીકળતું. પેલા સ્વયંસેવકો પણ સાથે ચાલતા. ગામભાગોળ આવતાં મંડળી થોભતી અને પગરખાં પાછાં થેલીમાં સ્થાન પામતાં, ને બીજી ગાડીની બહેનોની સેવામાં પાછાં પહોંચી જતાં. એ કુરૂઢિનો પ્રેમથી પ્રતિકાર કરનાર અને બહેનો આગળ આવી વ્યાયામ વગેરે પ્રવૃત્તિમાં ભાગ લેતી થાય તે માટે જુનવાણી આગેવાનોની ખફગી વહોરનાર આ શિક્ષક તે વસોના વતની મોતીભાઈ નરસિંહભાઈ અમીન. તેમનો જન્મ તા. ૨૯-૧૧-૧૮૭૩ના રોજ થયો. પિતા વડોદરા રાજ્યના મહેસૂલી ખાતામાં નોકરી કરે, તેથી એમને મોટે ભાગે મુસાફરીમાં રહેવુ પડતું. પરિણામે મોતીભાઈનો ઉછેર એમનાં બે માતાઓ જીબા ને હરખાબાને હાથે થયો. બંનેનો એમના ઉપર સરખો જ હેતભાવ. તે કાળના રિવાજ મુજબ છ વરસની વયે તેમનું લગ્ન સાત વરસનાં રૂપબા સાથે થયું. દસમે વરસે પિતાનું શિરછત્ર ગુમાવ્યું. તેમના ગામમાં અંગ્રેજી ચાર ધોરણ સુધીની જ નિશાળ. આગળ ભણવા વડોદરા જવું પડે. ત્યાં જઈને મૅટ્રિક થયા, અને પછી સત્યાવીસમે વરસે બી.એ. થયા. પુસ્તકોનો મોતીભાઈને નાનપણથી જ શોખ. પોતે વાંચે ને બીજાને વંચાવે. અંગ્રેજી ત્રીજા ધોરણમાં હતા ત્યારે જ એમણે ‘વિદ્યાર્થી પુસ્તકાલય’નાં મંગળાચરણ કર્યાં. સગાંસ્નેહીઓ પાસેથી પુસ્તકો એકઠાં કરીને એમણે વિદ્યાર્થી મંડળી જમાવી. તેના સભ્યો એક-એક પુસ્તક લઈ જાય; વાંચ્યા પછી સૌ સમક્ષ તેની હકીકત રજૂ કરે. આથી બધાની વાચનભૂખ સતેજ થતી. પછી વડોદરા ગયા ત્યાં પણ પુસ્તકાલય પ્રવૃત્તિ જમાવી. ગ્રેજ્યુએટ થયા પછી વડોદરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાંથી પાટણ ગયા, ત્યાં નિશાળ બંધ થયા પછી વિદ્યાર્થીઓને રમતો રમાડવા માંડી. એમને માટે પર્યટનો યોજ્યાં. એમને પુસ્તક-વાચનનો રસ લગાડ્યો. પાટણની ફત્તેસિંહરાવ લાઇબ્રેરીના મંત્રી બન્યા. વિદ્યાર્થીઓ વાંચે અને વાંચેલું બોલી શકે તે માટે એમણે વક્તૃત્વ-સ્પર્ધાઓ અને ચર્ચાસભાઓ યોજી. હોળીના તહેવારોમાં રમતોની હરીફાઈ યોજી, તે જોવા એ જમાનામાં બે હજાર માણસો આવેલા. પાટણથી એમની બદલી પેટલાદ આચાર્ય તરીકે થઈ. ત્યાં ઘણા છોકરા બહારગામથી ભણવા આવતા ને સગાંસ્નેહીને ઘેર રહેતા. તેમને માટે બોડિર્ંગ કાઢવાનું એમણે નક્કી કર્યું. ભાડાના મકાનમાં ‘પેટલાદ બોર્ડિંગ હાઉસ’ના શ્રીગણેશ મંડાયા. વણવપરાયેલું પડેલું એક દાન એને દાતાઓ તરફથી ભેટ મળ્યુ.ં સરકાર પાસે જેલના મકાન માટે માગણી મૂકી. તે મંજૂર થતાં ત્યાં ‘સયાજી જ્યુબિલી બોર્ડિંગ હાઉસ’ના નવા નામે સંસ્થા ચાલવા લાગી. મોતીભાઈએ સારા શિક્ષકોને પેટલાદ ખેંચ્યા. એ સહુ સેવાભાવે બોર્ડિંગનું કામ કરતા. વિદ્યાર્થીઓમાં રમતગમત, ચર્ચા, અભ્યાસ મંડળ વગેરે પ્રવૃત્તિઓ વડે તેમણે ઉત્તમ સંસ્કારસત્ર સર્જ્યું. આ પાયાના ઘડતરનું પરિણામ એ આવ્યું કે બોર્ડિંગ જૂના વિદ્યાર્થીઓનું એક મંડળ રચાયું. એ મંડળે પૂણેની ડેક્કન એજ્યુકેશન સોસાયટીના ધોરણે ચરોતર એજ્યુકેશન સોસાયટી સ્થાપવાનું ઠરાવ્યું. સૌને પ્રેરણાત્મક વાચન મળી રહે એ હેતુથી મોતીભાઈએ ‘જ્ઞાનપ્રચાર’ માસિક શરૂ કર્યું. તેમાંના ઉત્તમ લેખો ‘ગદ્યપદ્યસંગ્રહ’ નામે પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યા. આ અરસામાં વડોદરાના રાજવી સયાજીરાવ અમેરિકાના પ્રવાસે ગયેલા. ત્યાં ઉદ્યોગપતિ એન્ડ્રુ કાર્નેગીના દાનપ્રવાહ મારફત શરૂ થયેલી સાર્વજનિક પુસ્તકાલયોની પ્રવૃત્તિ તેમણે નિહાળી. વડોદરા રાજ્યમાં પ્રાથમિક કેળવણી તો તેમણે ફરજિયાત બનાવેલી હતી. તેનો લાભ જીવનભર ચાલુ રહે અને ભણેલું ભુલાઈ ન જાય તે માટે પુસ્તકાલય પ્રવૃત્તિ એમના મનમાં વસી ગઈ. રાજ્યમાં તે શરૂ કરવા શ્રી બોર્ડન નામના અમેરિકનની નિમણૂક તેમણે કરી. તેના મદદનીશ તરીકે ગ્રામવિસ્તારમાં આવી પ્રવૃત્તિના અનુભવીની શોધમાં સયાજીરાવ હતા, ત્યાં મોતીભાઈની વાત એમના કાને આવી. એટલે પુસ્તકાલય ખાતાના મદદનીશ વડા તરીકે મોતીભાઈની નિમણૂક એમણે કરી. પુસ્તકાલય પ્રવૃત્તિની જરૂરિયાત તે કાળે હજી લોકોને સમજાઈ નહોતી. વળી તે માટે સરકારી સહાયની સામે ગામ-મદદનો નિયમ રાખવામાં આવેલો, એટલે સીધાં ચઢાણ ચઢવા જેવું આ કામ હતું. પણ તેમાં જ મોતીભાઈની શક્તિઓ ખીલી ને તેઓ દીપી ઊઠ્યા. કોઈ પણ ગામે પહોંચી, પોતે ગામલોકોમાંના જ એક હોય તે રીતે, સૌને તેઓ સમજાવે. જરૂર પડ્યે ગામ-મદદના ફાળામાં પહેલું નામ પોતાનું નોંધાવી ગાંઠની રકમ ઉમેરે. સરકારી નિયમોની સંકુચિતતાને કોરે મૂકે. આમ લોકોની અધૂરપ તથા ખાતાની મર્યાદા, એ બે વચ્ચે પોતે પુલ બને, સૌના ઉત્સાહને વેગ આપે. એમની આવી સીધીસાદી રીતથી વડોદરા રાજ્યને ગામેગામ પુસ્તકાલયરૂપી જ્ઞાનપરબો ખૂલવા લાગી, અને મોતીભાઈ નિવૃત્ત થયા ત્યારે વડોદરા રાજ્યમાં નિશાળવાળું એક પણ ગામ પુસ્તકાલય વિનાનું નહોતું. ગ્રામપુસ્તકાલય-પ્રવૃત્તિનો વિકાસ તેમણે મુખ્યત્વે પ્રાથમિક શિક્ષકો દ્વારા સાધ્યો. એ જ માનદ્ ગ્રંથપાલ અને લોકમદદ એકત્ર કરનાર. એમનો જ ઉપયોગ કરીને ‘આરોગ્યમંડળ દવાખાનાં’ ખોલી સામાન્ય રોગો માટેની દવાઓ રાખવાની પ્રથા મોતીભાઈએ શરૂ કરી. સદ્વાચન-પ્રચારને વેગ આપવા તેમણે જાતજાતની યોજનાઓ કરેલી. એમાંની એક તે શિષ્ટવાચન પરીક્ષા. તેમાં દર વરસે એક સારા પુસ્તક આધારિત પરીક્ષા યોજાય છે અને હજારો ભાઈ-બહેનો તેમાં બેસે છે. પુસ્તકાલયોની સ્થાયી રકમ સચવાઈ રહે, યથા સમયે તેનો બરાબર ઉપયોગ થાય અને સારાં પુસ્તકો તથા સામયિકોની ખરીદી પર પુસ્તકાલયોને સારું વળતર મળે તે માટે પુસ્તકાલય સહાયક સહકારી મંડળ પણ એમણે સ્થાપ્યું, તે આજે પણ ચાલે છે. સાઠ વરસની વયે સરકારી નોકરીમાંથી તેઓ નિવૃત્ત થયા, પછી જાહેર પ્રવૃત્તિઓનો તેમનો ધમધમાટ વધ્યો. એમણે સ્થપાવેલી, પાળેલી, પોષેલી સંસ્થાઓના વિકાસમાં તેઓ પરોવાઈ ગયા. પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પ્રત્યે હવે તેમણે સવિશેષ ધ્યાન વાળ્યું. ગિજુભાઈ બધેકાની દોરવણી હેઠળ વસોમાં બાલશિક્ષણ વર્ગ યોજ્યો. ગુજરાતભરમાં બાલમંદિરની પ્રવૃત્તિમાં રસ લેતાં સૌને ભેગાં કર્યાં. મોતીભાઈ અપુત્ર હતા, એમને એક દીકરી જ હતી. પુત્રપ્રાપ્તિ અર્થે બીજું લગ્ન કરવાનો આગ્રહ ઘણા વડીલોએ એમને કરેલો, પણ એ અડગ રહેલા. કહેતા કે પોતાને પુત્રોનો પાર નથી. અનેક વિદ્યાર્થીઓ માટે એ પિતા સમાન હતા. એ સૌ પુત્રોના હિતાર્થે પોતાની જમીન, ઘર વગેરે સર્વ સ્થાવર મિલકત જનસમાજના એક યા બીજા કામ માટે એ પ્રેમાર્પણ કરતા રહેલા. જીવતાં લોકહિતનું અખંડ રટણ કર્યું. તેમ મૃત્યુ પછીય તેને માટેની વ્યવસ્થા એ કરતા ગયા : પોતાના વીમા-વારસ તરીકે તેમણે વસો કેળવણી મંડળને નીમ્યું. પત્ની રૂપબા માંદગીમાં વિદાય થયાં પછી થોડા સમયે મોતીભાઈની તબિયત પણ લથડી. નિદાન થયું હોજરીના કૅન્સરનું. તા. ૧-૨-૧૯૩૯એ એમણે પણ આ ફાની દુનિયાની વિદાય લીધી. એમના જીવનને અંજલિરૂપ શબ્દો એમના જ એક પત્રમાંથી મળી રહે છે : “મારું કામ અંધારું હોય ત્યાં અજવાળું કરવાનું છે. કંઈ ન હોય ત્યાં કંઈક કરી બતાવી માર્ગદર્શક બનવાનું છે. ઊંઘતાને જગાડવાનું છે, જાગતાને બેઠા કરવાનું છે, બેઠેલાને ઊભા કરવાનું છે, ઊભેલાને ચાલતા કરવાનું છે.”