સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/આટલું જરી ભૂલશો નહીં —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

તમે આગળ ઉપર હાઈકોર્ટો ધ્રુજાવો
કે યુનિવર્સિટીના શિખર પર કળશ થઈને દીપી રહો,
ધારાસભા ગજવો કે મોટી મોટી મેદની ડોલાવો,
ભારે અફસર થાઓ કે મહાપુરુષ બની જાઓ,
પણ ત્યારે આટલું કદી ભૂલશો નહીં કે —
તમે અહીં અત્યારે ભણો છો, એ એક અકસ્માત જ છે.
તમે અહીં ભણો છો... ને તમારી ઉંમરના ગોઠિયાઓ
ખેતરે માળા પર ચડી પંખીડાં ઉડાડે છે,
શહેરનાં કારખાનાંમાં બેવડ વળી જાય છે,
વીશીઓના અંગીઠા આગળ શેકાય છે,
અથવા તો મુંબઈની ચોપાટી પર પગચંપી કરે છે.
કોઈ અકસ્માતથી તમે એને ઠેકાણે હોત,
એ તમારે ઠેકાણે હોત...તો?
આગળ ઉપર જ્યારે તમે મોટા તિસ મારખાં બની જાઓ,
ત્યારે પણ આટલું આ જરી ભૂલશો નહીં.
અનેક લાલચો અને પ્રલોભનો હોય,
પણ પેલા વાંદરાએ મગરને કહેલું તેમ કહેજો કે,
મારું કાળજું તો, અરે ત્યાં રહી ગયું —
જ્યાં પેલાં કુમળાં બાળકો ટોયાં બની પંખી ઉડાડે છે,
છાપાં વેચવા ફૂટપાથ પર દોડે છે,
કપરી મજૂરીમાં ઘસાઈ જાય છે.