સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ઓસવાતો આત્મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સવારે ઊઠ્યા અને રાતે સૂતા તે વચ્ચે દિવસભરમાં એક વાર પણ જેણે આખા દેશનો વિચાર કર્યો હોય, એવી વ્યક્તિઓ કેટલી હશે? સ્વતંત્રતા માટે લડતા હતા ત્યારે ગામડામાં બેઠેલો નાનો અમથો સેવક, ગ્રામસફાઈ કરતાં કે રેંટિયો કાંતતાં, વાઈસરોયને ગાંધીજીએ લખેલા પત્રાનો કે એવા કોઈ નિવેદનનો ખુમારીપૂર્વક વિચાર કરતો અને પોતાના હૃદયના તાર રાષ્ટ્રીય ધ્યેય સાથે સાંધતો. આજે એવું સંધાન જવલ્લે જ જોવા મળે છે. જાણે કે દરેક વ્યક્તિ, દરેક જૂથ પોતાનું ભરી લેવા માંગે છે; પછી આખા દેશનું ગમે તે થાઓ. કદાચ જે મૂળે આપણી રાષ્ટ્રીય કમજોરી હતી જ, તે લોકશાહી સ્વાતંત્ર્ય મળ્યા પછી વધુ વકરી છે. આપણે સૌએ સચેત થઈને વિચારવા જેવો મોટો પ્રશ્ન હોય તો તે એ છે કે ભારતની લોકશાહીને થયું છે શું? કેમ કશું થતું નથી? કેમ આપણે આપણી જાતને ગરીબીમાંથી ઊંચે ઉઠાવી શકતા નથી? કેમ વધુ ને વધુ લોકો ગરીબીની રેખાની નીચે હડસેલાતા જાય છે? દેશનો અત્યારનો મહારોગ છે પ્રજાનું કાંઈ કામ થતું નથી તે. સત્તારખુ રાજરમતો કુલ શક્તિ અને સમયને ખાઈ જતી લાગે છે. કદાચ ચૂંટણીઓ જીતવાની તરકીબમાં ફાવટ આવી ગયાને લીધે લોકલાગણીને અંગે બેદરકારી વધી હોય. આ નઠોરતાને લીધે દેશમાં લોકશાહીનો બહારનો આકાર માત્રા રહેવા પામ્યો છે અને તેનો આત્મા સતત ઓસવાતો રહ્યો છે.

સમત્વ વિના લોકશાહી ઊણી છે. અને સમત્વ પણ જો બંધુતા વિના આણો, તો એ લોહિયાળ અને વિકૃત થઈ બેસે છે. બંધુતા વગર સમત્વ પણ રાક્ષસી થઈ શકે છે, અત્યાચારો કરી શકે છે. સમત્વ, સ્વતંત્રતા અને બંધુતા, એ ત્રાણેયનો સમન્વય થવો જોઈએ. અત્યારની સરકારોનાં મંડાણ મહદ્ અંશે ભ્રષ્ટાચાર ઉપર થયેલ હોય છે. જે સરકાર ભ્રષ્ટાચાર દ્વારા અસ્તિત્વમાં આવે છે, તે ભ્રષ્ટાચાર અને હિંસા દ્વારા ટકી રહે છે. સંઘરાખોરો અને નફાખોરો પાસેથી ભ્રષ્ટાચારી સરકાર જે બધા પૈસા મેળવે છે, તે છેવટે તો ચીજવસ્તુ ખરીદનારાઓ તરીકે (લોકોએ) જ કમ્મર વાંકી કરીને ચૂકવવાના રહે છે. વ્યવહારજગતના આ બધા પ્રશ્નાો તો સમાજમાં આવવાના જ. તેનાથી દૂર ભાગ્યે નહીં ચાલે. દરેક સમાજમાં કેટલાક સજ્જનો એવા (પણ) હોવા જોઈએ, જે પક્ષીય રાજકારણથી મોટે ભાગે અલિપ્ત હોય. સરકારો અને હરીફ રાજકીય પક્ષો, બંનેને તેમની મર્યાદાનું ભાન કરાવી શકે અને પ્રજાજીવનના ધારણરૂપ બની શકે એવા તટસ્થોની વધુ ને વધુ જરૂર પડવાની.

આપણા દેશના અનેક પ્રશ્નાો એકીસાથે ઉગ્ર રૂપમાં દેશની સામે ઊભા થતા આવે છે. કોમવાદનો પ્રશ્ન કદાચ સૌથી વિકટ હશે. અવનવી પરિસ્થિતિઓ તો ઉપસ્થિત થવાની જ. પણ એવે વખતે હારી ખાવાને બદલે, પોતાને સમજાયેલું સત્ય આ નવી પરિસ્થિતિમાં કેટલું ટકી શકે છે એ જોવામાં આત્મવીરો રાચતા હોય છે. કોમી કડવાશો તો કાલ ઊઠીને એક દુઃસ્વપ્નની જેમ શમી જશે. ઈઠ્ઠોતેર વરસની લથડતી કાયાએ, પણ અડગ આકીનથી, આ દેશની આમજનતાના હૃદયમાં પડેલી એકતાને સંકોરવા શાંતિયાત્રા કરી રહેલા રાષ્ટ્રપિતાની છબી માત્રા યાદ રહી જશે. આપણે આત્મવીરોનાં આવાં આચરણનાં માત્રા ગુણગાન જ ગાઈશું? એમની કસોટીના પ્રસંગ હળવા બને એનો આપણી ઉપર જ શું ઠીક ઠીક આધાર નથી? આપણે ગાંધીજી જોડે મનોયાત્રા કરવાનો પણ પ્રયત્ન કરી જોયો? એમના પગલામાં પગ મૂકવાની — ભલે ને સહસ્ર માઈલો પાછળ! — હૃદયમાં ઊર્મિ સરખી ઊઠી? આત્મપરીક્ષણ માટે એક જ પ્રશ્ન વિચારીએ : આપણે જે કોમના હોઈએ તેથી અન્ય કોમના માણસોમાં, આપણે જેને ચાહતા હોઈએ એવા આપણને મિત્રો છે? કેટલા છે? હૃદયની સાંકડી પાળો વિસ્તારવાનો આ અવસર નથી? [સમયરંગ’ પુસ્તક]