zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ગૌરવ-પ્રફુલ્લિત યૌવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

૧૯૨૯ના જાન્યુઆરીમાં અમારી ગુજરાત કૉલેજની મોટી હડતાલ આવી. એવામાં જ આચાર્યશ્રી કૃપાલાની વિદ્યાપીઠમાંથી છૂટા થઈને મેરઠ આશ્રમમાં પાછા જવાના હતા. અમને વિદ્યાર્થીઓને દોરવણી આપવા એમને થોડો વખત રોકાઈ જવા ગાંધીજીએ કહ્યું. કૃપાલાનીજીની એ વખતની કામગીરી પયગંબરી આવેશવાળી હતી. કૉલેજના વિદ્યાર્થીઓ ઉપર એમની અજબ ભૂરકી હતી. નદીની રેતમાં રોજ સાંજે ભાષણો થતાં. આચાર્ય આવે, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ વંટોળિયા પાછળ ઘસડાતાં આવતાં હોય એમ ધસ્યાં આવે. એક સાંજનું ભાષણ મને બરોબર યાદ છે. આચાર્ય કહે : “આઇ એમ એ કિંગ.” — હું રાજા છું. અને અર્ધું ચક્કર ફરી લીધું. બાબરી ઊછળી. વીંટળાઈને બેઠેલ અમારી સૌની તરફ હાથ કરી આગળ ચલાવ્યું : “માય કિંગ્ડમ ઇઝ ઇન યૉર હાર્ટ્સ.” — મારું રાજ્ય છે તમારા સૌનાં હૃદયમાં.

એ જમાનો જ જુદો હતો. આવા ઉદ્ગારો નર્યા સત્ય લાગતા. ત્યારે એવો જમાનો હતો જ્યારે યૌવન પૂર્ણ ગૌરવમાં પ્રફુલ્લિત થઈ શક્યું હતું. વર્ડ્ઝવર્થના શબ્દોમાં કહી શકાય કે —

Bliss was it in that dawn to be alive,

But to be young was very heaven!

— તે પરોઢે જીવતા હોવું, પરમ આનંદ એ;

હોવું પરંતુ જુવાન, તે તો સ્વર્ગસમ.

રાષ્ટ્રપ્રેમના — નવીનતર અભીપ્સાઓના મહાતરંગ ઉપર અમે ઊંચકાયેલા હતા. ભારતના ભવ્ય ભાગ્યવિધાનમાં આંતરિક રીતે સંકળાયેલા હોવાનું ભાન હતું.