સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/બાણપથારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ન રે તારે પંડે, જગત! વિશ દેવા જવું પડે,
યથા ગ્રીસે પૂર્વે સુકૃત-કર પ્યાલી વિશ તણી,
દીધી ને ઘેલુડી પ્રભુપ્રણયમાં પ્રાણ ધરતી
સુકંઠી મીરાંને દીધ વિષકટોરી નૃપતિએ;
ન એવું ગાંધીને, નિજ નજર તીણી ચલવીને
લિયે ગોતી એ તો વિષહૃદય પ્યાલા, વિષ ચૂસી
ભરી દે પાછા એ ઉરઅમૃત પૂરી નિજ તણાં.
ન એ થાકે જોઈ અનવરત આ પાપરમણા,
ડગો માંડે ધૈર્યે અડગ, અભયે, કૂંણપભર્યા
કરે સદવૃત્તિને મૃદુલ પસવારે;…
ઘવાયું જ્યાં કિંચિત સત્, જખમ ગાંધી-ઉર થયો;
નિચોવાયું હૈયું, કહીં જરીય જો પ્રેમ દૂભવ્યો
ગરીબીથી ભીંજી નિજ જીવન નિષ્કિંચન કર્યું;
ઊંચાનીચા ભેદે કમકમી લીધું દીન-પડખું.
શકે કો એકાકીહૃદય, સહ્યું એથી કંઈગણું.
પથારી જે ભીષ્મે સમર બીચ પૂર્વે રચી હતી
સદા ગાંધીને તે મરણ-શરશય્યા પર સૂવું!
અહો, મૃત્યુ એ તે! જીવનભર એ શે જીરવવું?!


યુગે તારેયે જો જગત-ઉર-લાવા સળગતા
ઉરે પોતા કેરે હસી ઠલવતા સંતજન હો,
કવિ! તો રેડીને જીવન નિજ ગાજે : “જગજનો!
રિબાવી સંતોનાં હૃદય, કુરબાનીની પછીથી
તમે ગાશો ગાથા : રમત ક્રૂર એવી શીદ રમો?
ન કાં પ્હેલેથી તો હૃદય પરખો સંતજનનાં?
[‘જીવનનો કલાધર’ પુસ્તક]