સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/માનવતાની મંગલકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          વિખ્યાત ફ્રેંચ કવિ વિક્ટર હ્યુગો પોતાના લોકશાહી વિચારોને કારણે ૧૮૫૧ થી ૧૮૭૦ સુધી દેશવટો ભોગવી રહ્યા હતા તે દરમિયાન ‘લે મિઝરાબ્લ’ લખાયું હતું અને ૧૮૬૨માં એક જ દિવસે આઠ મોટાં શહેરોમાં જુદી જુદી દસ ભાષાઓમાં પ્રગટ થયું હતું. તે દિવસથી એણે હ્યુગોની વિપુલ સાહિત્યરચનાઓમાં તો અગ્રસ્થાન મેળવ્યું જ છે, પણ સમગ્ર નવલકથાસાહિત્યમાં પણ એક અનોખી કૃતિ તરીકે એ પંકાયું છે. યુરોપે છેલ્લાં સો-સવાસો વરસમાં આપણાં પ્રાચીન પુરાણોની કાંઈક યાદ આપે એવી જે કેટલીક મહાકાય નવલકથાઓ સરજી છે તેમાંની ‘લે મિઝરાબ્લ’ એ એક છે. આ અર્વાચીન યુરોપીય પુરાણકથાઓમાં પણ અનેક આડકથાઓ આવી મળતાં મૂળ કથાનો પ્રવાહ પુષ્ટ થતો હોય છે અને એ બધી શાખાપ્રશાખાઓ પોતાની સાથે સમાજના ખૂણેખૂણાની વાત લઈ આવી હોય છે, તેમ જ અંતે આખોય કથાપ્રવાહ રચનારને પ્રિય એવી કોઈ વિશાળ ધર્મભાવનાના સાગરસંગીતમાં વિલીન થઈ જતો હોય છે. ‘લે મિઝરાબ્લ’નાં કોઈ પણ ચાર પૃષ્ઠ વાંચતાં વરતાઈ આવે એવું છે કે હ્યુગોના હૃદયમાં રમી રહી છે તે માનવધર્મની ભાવના છે. એ ભાવનાનો ફુવારો આપણે ત્યાં તો યુગે યુગે અવિચ્છિન્ન ઊડ્યા જ કર્યો છે. ભક્તકવિ ચંડિદાસે ગાયું છે: ‘સબાર ઉપર માનુષ આછે, તાહર ઉપર નાઈં’—સર્વની ઉપર મનુષ્ય છે, તેની ઉપર કોઈ નથી. મનુષ્યનું આવું બહુમાન યુરોપમાં ૧૮મી સદીના અંતમાં મહાનુભાવ રૂસોએ ભારે જોરશોરથી કર્યું. પ્રત્યેક જીવાત્માના મહત્ત્વનો રૂસોએ ઉદ્ઘોષ કર્યો. ફ્રાન્સમાં થયેલી ૧૭૮૯ની ક્રાન્તિમાં રૂસોની આ ઘોષણાનો ફાળો નાનોસૂનો લેખાતો નથી. આની સાથે શહેરોની કહેવાતી સંસ્કૃતિના ભોગ બનેલ, સમાજનાં ષડ્યંત્રોમાં પિલાઈ વિકૃત બનેલ, કંગાલ, ભિખારી, વેઠિયા, ગુનેગાર વગેરે માટે પારાવાર સહાનુભૂતિની—સહાનુકંપાની લાગણી ઊછળવા માંડે એ પણ સ્વાભાવિક જ હતું. ‘લે મિઝરાબ્લ’માં આ લાગણીનું ઉજ્જ્વળ પ્રતિબિંબ ઝિલાયું છે. જિન-વાલજિન પ્રામાણિકપણે મજૂરી કરી બહેન અને ભાણેજિયાંનું પોષણ કરતો. બેકાર બનતાં એક વાર એ રોટી ચોરવા જાય છે અને એ માટે પાંચ વરસની સજા પામે છે, જે કેદખાનામાં થયેલા બીજા ગુનાઓને લીધે ઓગણીસ વરસ સુધી પહોંચે છે. રીઢો ગુનેગાર બની આખરે એ છૂટે છે ત્યારે દુનિયા આખી એની પૂંઠે કૂતરાં મેલે છે. માત્ર એક પાદરીનું હૃદય એને વધાવે છે. આ ‘મંગળમૂર્તિ’ પાદરીનો પરિચય જિન-વાલજિનના હૃદયને સનાતન માનવતાના રાજમાર્ગ ઉપર પાછું ચડાવી દે છે. મેડેલીન નામથી એક ગામમાં એ નવો અવતાર શરૂ કરે છે અને પરગજુ નગરપતિ બની ચોમેર સાધુતાની સુવાસ પ્રસારે છે. જેવર્ટ નામના એક પોલીસ- અધિકારીને મેડેલીન વિષે શંકા રહ્યા કરે છે. પણ જિન-વાલજિન તરીકે કોઈ નિર્દોષ ખેડૂત પકડાયાનું જાણી મેડેલીન પોતે જ ન્યાયમંદિરમાં હાજર થઈ ફરી કેદી થવાનું સ્વીકારે છે. એક ખલાસીને વહાણના ઊચા થંભ પરથી બચાવી, પોતે સમુદ્રમાં ઝંપલાવી, અદૃશ્ય થઈ, ફરી પાછો જિન-વાલજિન સમાજમાં ડોકું કાઢે છે. મેડેલીન તરીકે એક કુમારી માતાને અંતકાળે મદદરૂપ થયેલો, તેની દીકરી કોઝેટને વીશીની કાળી મજૂરીમાંથી છોડાવી એ પારિસ ભેગો થાય છે; પણ ત્યાં જેવર્ટ બે ડગલાં આગળ જ હતો! નાસીને સાધ્વીઓના મઠમાં પોતે માળી તરીકે રહી ત્યાં જ કોઝેટને ભણવા મૂકે છે. કોઝેટ મોટી થતાં મેરિયસ નામના એક નબીરાના પ્રેમમાં પડે છે. ૧૮૩૨ના જ્વલંત દિવસોમાં પારિસમાં વિપ્લવ ભભૂકી ઊઠે છે તેમાં તે એક અગ્રણી છે. ક્રાન્તિકારીઓના હાથમાં જેવર્ટ જાસૂસ તરીકે સપડાઈ જાય છે. જિન-વાલજિન (હવે તેનું નામ ફોશલવેન્ટછે) પોતે એને પૂરો કરવાની રજા મેળવી, તમંચાની અણીએ એને ગલીને નાકે લઈ જઈ હાથપગનાં બંધન કાપી નાખી છૂટો કરી હવામાં ખાલી બાર કરે છે. પાછળથી વિપ્લવવાદીઓનું આવી બને છે. જિન-વાલજિન સલામત છે, પણ મેરિયસ ઘવાઈને બેભાન બન્યો છે. તેને ઊચકીને, બીજો કોઈ રસ્તો ન હોઈ, ગટરમાર્ગે એ બચી છૂટે છે. નદીકિનારા પાસે બહાર નીકળે છે તો સામે જેવર્ટ! મેરિયસને એના દાદાને ત્યાં મૂકી આવવા પૂરતી તે માગણી કરે છે. મેરિયસને એને ઘેર સોંપ્યા પછી જિન-વાલજિન પોતાની ખોલીએ ડોકિયું કર્યા બાદ પકડાવાની ઇચ્છા બતાવે છે. ત્યાં પહોંચ્યા પછી જેવર્ટ કહે છે: ‘ગાડી ઊભી છે, તમે ઉપર જઈ આવો.’ જિન-વાલજિન પાછો આવીને જુએ છે તો નહિ ગાડી કે નહિ જેવર્ટ! પોલીસ-કચેરીએ જઈ છેલ્લો અહેવાલ પેશ કરી જેવર્ટ સીધો સીન નદીએ જઈ તેના જળમાં અદૃશ્ય થાય છે. અહીં મેરિયસ સાજો થઈ કોઝેટને પરણે છે. જિન-વાલજિન પોતે નાસી છૂટેલ કેદી છે, એ વાત મેરિયસને કહે છે. નવદંપતી ધીમે ધીમે તેની માયા ઓછી કરી દે છે. ડોસો એકલો દહાડા કાઢે છે. પણ તેના મૃત્યુ પહેલાં મેરિયસ જાણવા પામે છે કે પોતાની જિંદગી બચાવનાર ડોસો તે આ માણસ જ છે. દંપતી ડોસા પાસે દોડીને પહોંચે છે. ત્યાં, અંતિમ ઘડી આવી પહોંચી છે. જિન-વાલજિન કહે છે: ‘ઓરાં આવો, બંને જણાં ઓરાં આવો... આ રીતે મરવું કેવું રૂડું છે!... મારે તમને બે વાત કશીક કહેવી હતી, પણ રહો, હવે એની કાંઈ જરૂર નથી. જરી ઓરાં આવો તો, મારાં બાળુડાં! આમ મરતાં પણ કેટલું સુખ છે!’ ખરે જ, જિન-વાલજિનને જગત સુખી જીવન જીવવા દે એમ ન હતું; તેમ છતાં એણે જગતની બૂરાઈઓ જીરવી જઈ, પોતાની અંદર પેલા પાદરીએ પ્રગટાવેલી ભલાઈને બુઝાવા ન દઈ, એ ધીરજભરી અખૂટ સહનશીલતા દાખવી, તેને અંતે સુખભરી મૃત્યુઘડી જરૂર મેળવી હતી. પોતાની પાછળ સુકુમાર કોડભર્યાં દંપતીને—બંનેનાં જીવનનું પોતાના પ્રાણને ભોગે રક્ષણ કરીને—મૂકતો ગયો હતો. અને જેવર્ટ? તેને પણ એણે મોટું જીવનદાન કર્યું ન હતું? એનો સ્થૂળ દેહ એક વાર પોતે બચાવ્યો હતો એ તો ઠીક, પણ કાયદા કરતાં પણ કાંઈક (માનવઆત્મા) મહાન છે એ સત્યનો સાક્ષાત્કાર પોતાને લીધે જેવર્ટને થયો ન હતો? ‘લે મિઝરાબ્લ’ એ આમ ઉપલકદૃષ્ટિએ જગતનાં દીનદુખિયાં, દબાયાં-દુભાયાંની કરુણ કથા લાગે છે, પણ જરીક જ ઊડું જોતાં દુનિયાના નિર્ઘૃણ સ્વાર્થપોપડાંઓ નીચે કલકલ વહી રહેલાં ચિરંતન માનવતાઝરણનું આપણને દર્શન અને પાન કરાવનારી એ એક મંગલકથા બની રહે છે. હ્યુગોની રંગદર્શી લેખણીએ કથા ભારે સચોટતાથી રજૂ કરી છે. કથાનો વેગ ક્યાંય કથળતો નથી. સાદી છતાં એકએકથી વધુ આશ્ચર્યકારક ઘટનાઓ નજર આગળ બનતી જ રહે છે. આખી ગાથા મહાકાવ્યની ભવ્યતા ધારણ કરે છે અને વાક્યે વાક્યે એમાંથી ઊર્મિકવિતા ઝરે છે. લિટન સ્ટ્રેચી કહે છે કે શબ્દ ઉપરના પ્રભુત્વમાં હ્યુગો એક શેક્સપિયર કરતાં જ ઊતરે એમ છે. પણ ઘણી વાર આ શબ્દસ્વામિત્વ એ શબ્દાડંબર તરીકે પણ લેખણીને ઘસડી ગયા વગર રહેતું નથી, અને હ્યુગોને એ કારણે થોડુંક વેઠવું પણ પડ્યું છે. આજે વિવેચકો હ્યુગોની અમર કૃતિઓ માટે એની ગદ્યરચનાઓ કે અનિયંત્રિત પદ્યરચનાઓ તરફ નહિ પણ દૃઢ છંદોબંધનમાં રાચતી એની કવિતા તરફ મીટ માંડે છે, કોઈ કોઈ રસજ્ઞને ‘લે મિઝરાબ્લ’ આજે અતિકાય લાગે છે. અને તેથી ભાઈશ્રી મૂળશંકરે ‘લે મિઝરાબ્લ’નો સંક્ષેપ આપ્યો એમાં બેવડું ઔચિત્ય સધાયું છે. ઉપર સૂચવ્યો છે તેવો શૈલીનો મેદ દૂર થયો અને વિદ્યાર્થીઓને એક રોચક, સરળ અને સાચો સંક્ષેપ પણ મળ્યો. આવા સંક્ષેપ કરવાનો હક, જે લેખક મૂળ કથાના રસને પી ડોલી ઊઠ્યો હોય અને એને માટે જેને એવી ગાઢ આત્મીયતા બંધાઈ હોય કે પોતે એને સર્વથા વફાદાર જ રહે, તેને જ હોઈ શકે. શ્રી મૂળશંકરે મૂળનો રસ આપણને પહોંચાડવામાં કશી જ કમી રાખી નથી. ભાષાંતરની શૈલી સરળ, તળપદી અને રોચક છે. વચ્ચે આવતા બોલચાલના રૂઢિપ્રયોગો અને લહેકા ભાષાંતરને જીવતું કરી મૂકવા માટે પૂરતા છે. કથારસિકો—ખાસ કરી વિદ્યાર્થીઓ આ પુસ્તક હોંશે હોંશે વાંચશે એમાં શંકા નથી. [‘લે મિઝરાબ્લ’ના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવના]