સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/લીલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આજે સારી પૃથ્વી ભરી લહેરાતો લીલો
તૃણે તૃણે પોપટિયો લીલો
કૂંપળ કૂંપળ ખીલતો લીલો
ખેતર મોલે ખૂલતો લીલો
નીલ-પીતની વચ્ચે મેઘધનુષમાં ઝૂલતો લીલો.
ડુંગરઢાળે થતો મથાળે જતો
ફરકતો વનઝાડીનો ઘેરો લીલો
વચ્ચે વચ્ચે વાંસઝુંડનો ઝૂકે લચકેલચકા લીલો.
ક્યાંક ઉદાસી વાદળવાયો
વૃક્ષો નીચે ક્યાંક દબાયો
ચમકે ક્યાંક તડકેરી લીલો
ક્યારીક્યારીએ મલકમલક સોનેરી લીલો.
સરિતાનાં તટજળમાં હીંચે શ્યામલ લીલો
વર્ષાધારાના બુરખાની આરપાર મદીલો લીલો
પૃથ્વીના પટ ઉપર આજ છકી અદકીલા
લીલા બસ લીલા રંગની લીલા.
[‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૭૬]