સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/હસતો સંતકવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આપણા ભક્તકવિઓનું એક ઊડીને આંખે વળગે એવું લક્ષણ એ છે કે તેઓ સંસારની વચ્ચે રહી જનસમાજને પ્રત્યક્ષ બોધ આપતા રહ્યા છે. આ સંતકવિઓ “સંસારસું સરસા” રહ્યા છે, એનો અર્થ એ નથી કે એ સંસારમાં રચ્યાપચ્યા રહ્યા છે. જનસમાજને અણગમતી વસ્તુઓ પણ સત્ય ખાતર આચરતાં એ કદી અચકાયા નથી. જનસમાજ અજ્ઞાનના મોહને વશ થઈ પોતાને કનડે, તો એવી વિશમતાને પણ એ અમૃત ગણી પી જાય છે. ઘણા સંતકવિઓએ તો ભગવાં પણ ધારણ કર્યાં નથી; ટીલાં-ટપકાં, માળા આદિથી પણ અળગા રહ્યા છે. ઘણા તો સાદા અમથા ગૃહસ્થનું જીવન ગુજારતાં ગુજારતાં પ્રભુપંથની ખાંડાની ધારે મજલ કાપતા નજરે પડે છે. સંસારની વચ્ચે આ સંતકવિઓ રહેતા હોઈ, સંસારિયાંની સાથે એમની સહાનુભૂતિ પારાવાર છે. સંસારની રજેરજ વાત એ જાણે છે. માણસને માથે શી શી વીતે છે એનો એમને અનુભવ હોય છે. એટલે સર્વત્રા સૌની ઉપર એ કરુણા જ વરસી રહે છે, ને કાંઈ દોષ જેવું આંખે ચઢી જાય તો તે હસી નાખે છે. એ હસવાની ટેવ એમને સંસારમાં ધારણ જાળવવા માટે એક મોટી મદદ કરનારી વસ્તુ છે. જગતની અવળાઈઓ જીરવવામાં એ એમને ખપ લાગે છે. એમનું હસવું નિર્દોષ હોય છે. આવા હસનારાઓમાં નરભો કદાચ અજોડ છે. એક વાર ડાકોર દર્શને જતાં રસ્તે પોતે લૂંટાયા વિશે એણે જે કવિતા રચી છે, તે જાણે કોઈ દુશ્મન લૂંટાયો હોય ને રચી હોય એમ એ પ્રસંગનું વર્ણન થયું છે. આખો પ્રસંગ જાણે કોઈ ઉત્સવનો ન હોય, એમ ઉલ્લાસથી ઊછળતી એની વાણી ચાલે છે. ૧૮૫૨માં તો નરભેરામ બેઠા હતા. મૂળ વતની પેટલાદ પરગણાના પીજ ગામના; પણ પાછળથી પોતે અમદાવાદ આવી રહેલા એમ, “ગોમતીપુર વડપોળમાં વાસ છે રે, અમદાવાદ શહેરની પાસ” એમ પૂરું સરનામું એક પદમાં એમણે આપ્યું છે એ ઉપરથી, જાણવા મળે છે. પોતે બ્રાહ્મણ હતા, ૮૮ વરસની પાકી ઉંમર સુધી એ જીવ્યા હતા. એમની રચનાઓમાં ‘ગજેંદ્રમોક્ષ’, ‘કંસવધ’, ‘અંબરીશનાં પદો’, ‘જીવને શિખામણ’, ‘વાચનાખ્યાન’, ‘નાગદમન’, ‘બોડાણાની મૂછનાં પદો’ વગેરે છે. ભક્ત બોડાણો દ્વારકાધીશને ડાકોર લઈ આવ્યો, એ ઉપરથી એમણે એ પ્રસંગને ગૌરવ અપાવનાર ગણી ‘બોડાણાની મૂછનાં પદો’ ગાયાં છે. નરભાનાં છૂટક છપ્પા અને પદો ચોટદાર અને લોકપ્રિય છે. “પ્રેમ’ વિશે એ કહે છે : નથી નીપજતો પ્રેમ વાડીમાં પાણી પાતાં, નથી નીપજતો પ્રેમ તેલ ચોળ્યાથી તાતાં; નથી નીપજતો પ્રેમ ગાંધીદોશીને હાટે, નથી મળતો કાંઈ પ્રેમ ખોળતા વાટે વાટે, નથી મળતો પ્રેમ તપાસતાં ગુજરી ગામોગામની; કહે નરભો, પ્રેમ પૂરો મળે કૃપા હોય શ્રીરામની. નરભાની હાસ્યશક્તિ પૂરેપૂરી તો પોતાને ભોગે એ હસે છે ત્યારે ખીલી ઊઠે છે. ડાકોર જતાં પણસોરા ગામ પાસે કવિને લૂંટાવાનું થયું. ધરમે ધોળાં નિત્યે ગાઈએ, ડાકોરવાળો ડાહ્યો વા’લા; આંબા તળેથી બે જણ ઊઠ્યા, બ્રાહ્મણ દેખી ધાયો વા’લા. ચોરને દેખીને પોતે નાઠા, એ છુપાવવાની કવિને રજમાત્ર ઇચ્છા નથી! “ઊભો રે’ અલ્યા બ્રાહ્મણ તું તો!” ત્યારે લાગી બીક, વા’લા; જુગત કરીને જોડો લીધો, ઠાકોરને છે ઠીક, વા’લા. ‘ઠાકોર’ એટલે ચોર. ચોરને ‘ચોર’ કેમ કેહવાય? મર્મમાં એને ‘ઠાકોર’ કહે છે. જોડા કઢાવી લીધા તે ઠાકોરને ચપોચપ બેસતા પણ આવી ગયા! કવિને દોડતાં નીકળી ગયા હોય, કે સંભવ છે કે હાથમાં લઈ દોટ મૂકવા ગયા હોય એટલે પહેલાં જ ઝૂંટવાયા. “ભાંજ આપ્યને!” “ભાંજ આપ્યને!” એવું આવી કહે છે વા’લા; અચરજ સરખું મુજને ભાસ્યું, લૂગડાં તોલે છે વા’લા. “ભાંજ (તમાકુ) આપને!” એમ કહી ઠાકોર કવિનાં કપડાં તપાસવા લાગ્યા હશે, અને પછી તો ઉતારી લેવા પણ મંડયા. કવિને તો એ “અચરજ સરખું” લાગ્યું કે, આ લોકો આવી તસ્દી શીદને લેતા હશે? પાઘડીને પ્હેલી લીધી, માથું કરિયું બોડું વા’લા; હીંડી હાલી ઠાકોર આવ્યા, પાસે નો’તું ઘોડું વા’લા. “દોટીમાં શું એવું?” કહીને પછેડી પણ લીધી, વા’લા; જૂનાં લઈને નવાં આપશે, કૃપા હરિએ કીધી વા’લા. ત્યારે અચરજ તો કવિને એ થતું હતું કે, આ ભગવાન પણ ખરો છે — આ નરભાનાં જૂનાં કપડાં ઊતરાવી લઈને નવાં આપવાની એને ઇચ્છા થઈ લાગે છે! પોતે લૂંટાય છે, આ કપડાં કાઢી લેવાય છે, એમાં જાણે પોતાને તો કાંઈ જ નથી. માત્ર હરિની જૂનાં લઈને નવાં આપવાની ઇચ્છા પાર પાડવામાં પોતે અનુકૂળ થવું, એટલું જ. એટલે પોતે તો હોંસે હોંસે ચોરોને કહેવા લાગ્યા : જે જોઈએ તે માગી લોને, ના કહ્યાનો નેમ વા’લા; હાથપગ ને દોરી તુંબડી રહી છે કુશળ ખેમ વા’લા. પછી લંગોટીભેર “રામકૃષ્ણ ગોવિંદા” કરતા પોતે ગામ પ્રતિ કૂચ આદરી તેનું વર્ણન જુઓ : ચોખાનીનો કડકો પહેર્યો સર્વે દાન કરીને વા’લા; ઉમળકો આણીને સોંપ્યું નરભે તો હરિને વા’લા. જૂનાંપૂનાં વસ્તર મારાં, લાજ રહી તે માટે વા’લા, રામકૃષ્ણ ગોવિંદા કરતા ચાલ્યા ઊભી વાટે વા’લા. પણસોરાને ચોરે લોક ભેળું થઈ ગયું. લોક મળે તે એવું પૂછે : કહે બ્રાહ્મણ ક્યાં લૂંટ્યો વા’લા? જિહ્વા મુખમાં સાજી છે, તો છોગાળો જી ત્રૂઠ્યો વા’લા. નાને ભડકે દિવાળી ને મોટે ભડકે હોળી વા’લા. જન નરભાનાં વસ્તર લીધાં, લોક કહે છે કોળી વા’લા. કોળી — ચોરને ઝાલી લાવવા વહાર કરવા તૈયારી થતી જોઈ, કવિએ કોઈ ક્ષમાદાન કે એવી આદર્શવાદી વાત કહેવાને બદલે એટલું એક વ્યવહારુ કારણ જ માત્ર આપ્યું કે ભાઈ મને જીવતો રાખવો હોય તો એમને સજા ન કરશો — મારે તો પાછું દર મહિને આ રસ્તે ડાકોરજી જવાનું છે. દ્વારકા દેસાઈને જોરે ભાઈએ કરિયું જોર વા’લા; દ્યો રણશિંગું, વહાર કરો ને ઝાલી લાવો ચોર વા’લા. નરભો કહે, એવું નવ કરવું, સમજાવ્યા નિરવાણ વા’લા; નિત્ય પૂનમે મારે જાવું, ખોશ્યો મારા પ્રાણ વા’લા. ગામલોકોએ તરત તાકો મંગાવીને પછેડી ભરી આપી અને નવાં કપડાં આપ્યાં. પછેડી તો તુરત મગાવી, હાથ ભરીને લીધી વા’લા. જૂનાં લેઈને નવાં આપ્યાં, કૃપા હરિએ કીધી વા’લા. પછી તો ગામલોકોએ ભગતને કવિજન જાણી કથા કહેવા બે દિવસ રોક્યા. કથામાં બેના પાંચ દિવસ થઈ ગયા. કથાને અંતે બાજરીની ટીપ થઈ, તો જોતજોતામાં બાજરો થઈ ગયો મણ બાર. બેચાર દિવસ જો રહો, તો બાજરો લખાય વા’લા; જન નરભાને હેતે રાખયે, ગુણ હરિના ગાય વા’લા. પાંચ દિવસ કીર્તન કરિયાં, બાજરી થૈ મણ બાર વા’લા; વેઠિયાનાં મન દુખાયાં, નરભે મૂક્યો પાર વા’લા. વેઠિયાઓ કવિને મુકામ બાજરો પહોંચાડવા ઉપાડીને ચાલતાં રસ્તે બોજાથી દુઃખી થવા લાગ્યા. આટલો બાજરો આ લોકોને કદી ઉપાડવો પડ્યો નથી; અર્થાત્ કોઈનો કદી આટલો બાજરો બોલાયો નથી, એમ કવિ ખુશ થઈ ગયા કે શું — પણ વેઠિયાઓની પીડા સમજી જઈને બાજરો એમને વહેંચી આપી ત્યાં ને ત્યાં જ એનો પાર મૂક્યો! આપણા સાહિત્યમાં આ હસતો સંતકવિ નરભો એ એક હૃદયંગમ પાત્રા છે. [‘અભિરુચિ’ પુસ્તક]