સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/— તો ન્યાલ થઈ જઈએ
કાળની ચાળણી તો એવી છે કે એમાં હાથીના હાથી ચાલ્યા જાય. આજે જેની ઉપર ગ્રંથ લખાતા હોય તે કાલે એકાદ પ્રકરણને પાત્રા બને, પરમ દિવસે પાદટીપમાં પણ હડસેલાય. કવિતાના “ગ્રંથો”માંથી ચારચાર-પાંચપાંચ પણ સનાતન રસની ચીજો નીકળે તો ન્યાલ થઈ જઈએ. આમ વિચારું છું ત્યારે એવી રસભર ગણતર ચીજો પણ જેમની ટકી રહી છે તે રઘુનાથદાસ, રાજે, મીઠો આદિ કવિઓને માટે સાચી માનની લાગણી થાય છે. પણ આવી વાતો સાંભળવાની નવી સર્જનશક્તિથી ઊભરાતા કળાકારને ફુરસદ હોય કે? હું તો બોદલેરનું એક સુવચન સંભારી આપીને અળગો રહું : “કવિતામાં પ્રથમ કક્ષા કરતાં નીચેનું કશું ન ચાલે.” કલામાત્ર માટે આ સાચું છે.