zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/‘હોઠે સ્મિત... હૈયે કરુણા’

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

તરુણ શેક્સપિયર એવન નદી ઉપરના સ્ટેટફર્ડ ગામનું ઘર છોડીને, ભાગીને, લંડન આવ્યો. ઘોડે ચડીને નાટક જોવા આવનારના ઘોડા નાટકશાળા પર સાચવવાનું કામ એણે સ્વીકાર્યું. પછી નાના કિશોરો એ કામ માટે રોકાયા અને પોતે અંદર સર્યો, પાઠ સંભારી આપનાર ‘(પ્રોમ્પટર’) બન્યો, લહિયો થયો, તક મળતાં નટ બન્યો. જૂનાં નાટકોની મરામત પર હાથ અજમાવતાં નાટ્યકાર નીવડ્યો. શેક્સપિયરની મહાપ્રતિભા પ્રગટવાનો આ છે સ્થૂળ સોપાનક્રમ.

યુનિવર્સિટીના વિદ્યાવંતો, નાટકશાળાને ઉત્તમ નાટકો આપવા છતાં, એમાં રળતર કંઈ ન હોવાથી ભૂખે મરણશરણ થયા. માત્ર નિશાળનું યત્કંિચિત ભણતર પામેલા, પણ સંસારશાળાના અઠંગ શાગીર્દ શેક્સપિયરે ઉત્તમોત્તમ નાટ્યકૃતિઓ રચતી વેળાએ પણ ધંધા તરીકે તો અભિનેતાની કામગીરી જ ખેડી. “દનિયું રળનાર” મોટો નામી કવિ બન્યો. પણ “કવિ શેક્સપિયરનું ભરણપોષણ નટ શેક્સપિયરે જ કર્યું છે.”

કશી રાવ, ફરિયાદ, ઉંકારો, બળાપો કરવા રોકાયા વિના એણે ચૂપચાપ મન સાથે ગાંઠ વાળી લીધી કે દિવસે નાટકોમાં અભિનય કરીને રોટલો મેળવી લેવો, અને બાકીનો સમય આપવો મસ્તકમાં ભીડ મચાવતાં પાત્રોને હૃદયસંજીવની છાંટીને અમર શબ્દદેહ બક્ષવામાં. “હોઠે સ્મિત, કંઠે ગીત અને હૈયે કરુણા વહાવીને શેક્સપિયરે આંતરજીવનને એવું તો આત્મસાત્ કર્યું છે કે એનાં નાટકોના દર્પણમાં માનવજાત અદ્યાપિ જિંદગીના મર્મોને પામે છે.”

[સંતપ્રસાદ ભટ્ટના પુસ્તક ‘શેક્સપિયર’નો આમુખ]