સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/“શાળાનું નામ ઉજ્જ્વળ રાખીશ”

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ઈડરની અંગ્રેજી શાળા પાંચમાથી નવમા સુધીનાં પાંચ ધોરણની હતી. શિક્ષક હતા ત્રણ. એક તો અંગ્રેજી જાણે જ નહિ, છતાં એ શ્રી ભીખાભાઈ સાહેબ જેવું વ્યાકરણ અને ગણિત કોણ શીખવવાનું હતું? શ્રી ખેમજીભાઈ પરમાર — જેઓ સ્વરાજ પછી ધારાસભ્ય થયા હતા — અમારા ગૃહપતિ હતા. વર્ગમાં તેમજ વર્ગ બહાર, ચોવીસે કલાક જાણે ભણાવે. રમતમાં બધા સાથે ભાગ લે. છાત્રાવાસનાં કામોમાં પલોટે. અને સૌથી મોટી વસ્તુ તો એ કે પ્રકૃતિને ખોળે વિદ્યાર્થીઓને વારંવાર ઊલટભેર લઈ જાય. આચાર્યશ્રી નડિયાદના હતા — શ્રી ખુશાલદાસ નાગરદાસ પટેલ. નરી ચારિત્રયની મૂર્તિ. એમને દૂભવવાની કોઈની હિંમત ન ચાલે. આઠમા ધોરણમાં શ્રી છોટાલાલભાઈ ગાંધી અમને સંસ્કૃત તેમ જ ગણિત શીખવતા. સ્વચ્છ વેશભૂષા, ધારદાર બુદ્ધિ, કડક શિસ્ત અને નિરંતર કાર્યપરાયણતા. સંસ્કૃત અને ગણિતવિદ્યાનો એમણે જે પાયો નાખ્યો તેની ઉપર તમે ધારી ઇમારત ચણી શકો. પછીથી એક યોગવિદ્યાના સાધક શ્રી વ્યાસ આવેલા તેમણે ભાવનામય જીવનની અભીપ્સા પ્રેરી. છાત્રાલયમાં અને શાળામાં તોફાનો ન થતાં, એમ રખે કોઈ માને. પણ ભણતરમાં સારો એવો વખત અપાતો, અને ગુરુજનો સખત પરિશ્રમ કરતા ને કરાવતા. ઈડરમાં નાટક મંડળીઓ આવતી તેનો આનંદ અમે લૂંટતા. આસપાસનાં પ્રાકૃતિક સ્થળોના સૌન્દર્યનો આનંદ પણ માણતા. એ સિવાય બધો સમય ભણતરમાં જ અમે એકાગ્ર રહી શકતા હતા, એ મહદ્ ભાગ્ય હતું. “આ ભાઈ ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ વાંચે છે” — એમ કહી ભાઈબંધે એક વિદ્યાર્થી બતાવ્યો. એવું દુષ્કર કાર્ય કરી શકનાર વિદ્યાર્થીની એ મોટા પુસ્તક સાથેની મૂર્તિ હજી નજર આગળ તરવરે છે. ગુરુજનો થોડાક દૂર રાખે, પણ ઉષ્મા પણ આપે. ટપારે પણ ખરા. નવમામાં કવિ સધીનું ‘ધ સ્કોલર’ કાવ્ય ભણવાનું હતું. આચાર્યશ્રીએ ભણાવતાં ભણાવતાં વચ્ચે ટકોર કરી : આજના સ્કોલરો તો પટિયાં પાડે! જિંદગીમાં પહેલી વાર, આગલે દિવસે, ફેશન પ્રમાણે વાળ કપાવ્યા હતા. વર્ગમાં બેઠા બેઠા થયાં કર્યું કે ક્યારે છૂટું અને આ ફેશનમાંથી મુક્તિ પામું! સવાર થતાં શહેરમાં જઈ સંચો મુકાવી આવ્યો. દસમા ધોરણમાં પસાર થઈ મેટ્રિક માટે અમદાવાદ જવાનો સમય આવ્યો. જિંદગીઓ સુધી વાગોળ્યા કરીએ એટલો બધો આનંદ આ શાળાનાં વરસોમાં જાણે કે મળ્યો હતો. મને એ ક્ષણ બરાબર સાંભરે છે. સાંજ નમતી હતી. શાળાના મકાનના અગ્નિ ખૂણે શિક્ષકો અને સહાધ્યાયીઓ સાથે હું ઊભો હતો. કોણ જાણે શીય પ્રેરણાથી હૃદયમાં શબ્દો પ્રગટ થયા : શાળા, તારું નામ હું ઉજ્જ્વળ રાખીશ. શાળા એ જાણે કોઈ અલૌકિક સત્ત્વ ન હોય, એમ હૃદય એને મૂંગું મૂંગું વંદન કરી રહ્યું. અમદાવાદમાં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મેટ્રિકના વર્ગમાં હું દાખલ થયો. ઈડરના ગણેલા નવ નિશાળિયાઓના વર્ગનો હું પહેલો નંબર. એવા તો કેટકેટલા પહેલા નંબર અહીં આવ્યા હશે! સેંકડો છોકરાઓમાં સિંધુમાં બિંદુની જેમ હું વિલીન થયો હતો. ત્યાં છમાસિક પરીક્ષા પછી વિદ્યાર્થીસભામાં જ્યારે આચાર્યશ્રી દીવાન સાહેબે કહ્યું કે દરેક વિષયમાં મારું પરિણામ આગળ પડતું હતું ત્યારે મને પહેલાં તો સહેજ આંચકો લાગ્યો, પણ પછી હું એ પચાવી શક્યો. ઈડરના ગુરુગણની મહેનતનું એ પરિણામ હતું. આ અંગત વાત લખવાની આટલે વરસે ચેષ્ટા કરી છે તે એ આશયથી કે આવી ગુરુ-મંડળીઓ ગુજરાતમાં ઠેકઠેકાણે પછીનાં વરસોમાં મેં જોઈ છે — આજે આ ક્ષણે પણ છે — તે સર્વ પ્રત્યે, એમના આશીર્વાદ પામેલા મારા જેવા સૌ વતી, કૃતજ્ઞતાનો લઘુશો અર્ઘ્ઘ્ય આ પાંગળા શબ્દો દ્વારા અર્પવો છે.