સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/આવે છે સવાર!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આવે છે સવાર!
ઊંચેરાં પંખીઓની સોનાની પાંખ ચઢી,
દેવાંગી ઊતરે છે કોઈ અસવાર!
ઊગમણા આથમણા ગિરિઓને તુંગ શિખર,
હરિયાળી ચળકંતી તરુવરની ટોચ ઉપર,
ઊગમણી ભડકાશી બળતી કો વાદળી પર,
પરથમ પથરાય એના સોનેરી વાળ!
શૃંગેથી હિમસમાં હાવાં ઓગળિયાં,
લોકનાં આલોકતણાં વરદાન ફળિયાં,
નીચે વાસે ય થયાં સોનાનાં નળિયાં,
ધસમસતાં તેજ હવે ઘરઘરને દ્વાર!
અર્ઘ્ઘ્ય ભરી ઊભા કો બ્રાહ્મણને ખોબલે,
ઝગઝગતા નાનકડા સૂરજ-શા બેડલે,
ચકવાચકવીના બધી રાતતણા તેડલે,
ઊતરે છે પ્રથમીના પનઘટની પાળ!
[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]