સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/આ છેલ્લો માણસ
બધી ક્યૂમાં આવું જ બન્યું છે :
જેવો એનો વારો આવે છે કે
ભાગ્યનો પુરવઠો ખૂટી પડે છે!
તે સાંજે મેં એને ઘરભણી જતી
છેલ્લી બસની ક્યૂમાં ખાલી ઝોળી
ખભે નાખી ઊભેલો જોયો હતો,
નિયમ પ્રમાણે જ છેક છેલ્લે —
જેવી બસ ઊપડી કે કોઈ છેલ્લા ધક્કામાં
ઉપર ચઢી ગયું હતું — જરાક ઢસડાઈને;
મને એમ કે એ જ હશે, એના વિના કોણ ધક્કે ચઢે?
પણ તો, આ સ્ટૅન્ડ પર રહી ગયું તે કોણ?
જોયું તો એ જ! એ જ પેલો
છેલ્લો માણસ!
હું એને ઓળખું છું —
મારી પડોશમાં જ ક્યાંક રહે છે એ.
આખીય રાત એણે પ્રવેશદ્વારની
બહાર ઊભેઊભે ગાળી છે.
એને એમ કે, કાલે તો હું ક્યૂમાં
પહેલો જ હોઈશ.
પણ મેં સવારે એને જોયો તો
ક્યૂમાં એ... ઊભો છેક છેલ્લે.
મને ઘણી વાર થાય છે કે
આવ્યો આ હમણાંક તો ક્યૂ તોડતોકને...
પણ એ તો એ ધીરજથી ઊભો
દરેક ક્યૂમાં છેક છેલ્લે...
બધી ક્યૂમાં આ છેલ્લા માણસનો ચહેરો તો
એક જ છે હોલવાયેલા સૂરજ જેવો.
કદાચ તમેય જોયો હશે...