સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/કિતાબોમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કદીક પેગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં :
અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવાં કિતાબોમાં.
ચઢી ઇતિહાસમાં ચૈતન્યની ભરતી અને ઓટો :
ઊંચી-નીચી અહીં અંકાઈ છે માઝા કિતાબોમાં!
હજારો વર્ષ પહેલાંના પ્રબળ ઉદ્ગાર સફરી થૈ,
વટાવી કાળના વગડા પધાર્યા છે કિતાબોમાં!
જહર પી અમૃતે છલક્યાં મીરાં જેવા કંઈક કંઠો,
શરાબી જામથીયે કેફી મયખાનું કિતાબોમાં!
અરે આ શબ્દ — જ્યાં જ્યાં એ ગયા, ઇતિહાસને સર્જ્યો,
પ્રજા ઊઠી, પલટિયો કાળ — સૂતા છે કિતાબોમાં!
કબાટેથી કબાટે ગ્રંથઘરમાં બ્હાર ઘૂમતો હું
શકીશ થોડોય ઊતરી અક્ષરે અંદર કિતાબોમાં?
હૃદયની કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી —
જ્યહીં હરપૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં?