સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/કો’કે કરવું પડશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કો’ક જણે તો કરવું પડશે, ભાઈ!
એક જણે તો કરવું પડશે, ભાઈ!
કશુંયે ના કરવાની કેવી તામસ આ હરીફાઈ! — કો’ક.
ના ચાલે મન સર્વ ધર્યે એ,
આ અવગુણ-અપકાર પરે યે :
દિલથી કો’ક જણે તો અંતે કરવી રહી ભલાઈ;
તું કરશે તો યે નથી કરતો કંઈ ઉપકાર, નવાઈ — કો’ક.
ચહુદિશ આ અંધાર છવાયા,
ઘૂમે મરુદ્ગણ ઢોર હરાયાં :
કો’કે, નહિ તો તારે, પડશે દાખવવી જ સરાઈ;
ઊભા રહેવું પડશે કો’કે મારગ દીપક સ્હાઈ — કો’ક.
આ આવું ને આવું દુર્ભગ
રહેવા ના સર્જાયું છે જગ :
કો’ક જણે તો અમૃતદેશે દોરવું પડશે સ્હાઈ;
કો’ક જણે તો નિમિત્ત કેરી રળવી ભાગ્યકમાઈ — કો’ક. …
શા લખવાર વિચારો એમાં,
કેવળ છે જીતવાનું જેમાં?
તું હોતાં દીનહીન રહે જગ, તું જાશે નિંદાઈ!
તું હોતાં શું બીજો રળશે નિમિત્ત ભાગ્યવડાઈ? — કો’ક.
કો’કે કલશરૂપે પ્રાસાદે,
કો’કે મિટ્ટીરૂપે બુનિયાદે :
વિશ્વસૌખ્યનું ભવન, ભલા, રચી જાવું પડશે આંહીં — કો’ક.
તારે પાયે ગૃહફૂલ ફૂટશે,
સૌ સૌનું પછીથી કરી છૂટશે :
આજ કસોટી પરે ચઢી છે તારી પ્રેમસગાઈ — કો’ક.