સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એન. એન. સચીદાનંદ/આપણા ફાંકડા ફિતૂરીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          વારંવાર ચાલતી વિદ્યાર્થીઓની જેહાદો, હડતાલો, તોફાનો, વિરોધો અને સત્તાવાળાઓ સામેના મોરચાઓ ઉપરથી એમ લાગે કે ભારતને કોઈ અસામાન્ય કોટિના ક્રાંતિકારી યુવાનવર્ગની બક્ષિસ સાંપડેલી છે. પણ આ બધાં તોફાનોની પાછળ રહેલાં કારણોમાં જરાક ઊંડા ઊતરીએ તો દેખાઈ આવશે કે, આપણા યુવાનોની બળવાખોર આરજૂ અત્યંત ઉપરછલ્લી ને નમાલી બાબતો પૂરતી જ મર્યાદિત છે. એમની સામેનું ધ્યેય જો પરીક્ષામાં પાસ થવા માટેના ઓછામાં ઓછા માર્કમાં કે વર્ગમાં અલ્પતમ હાજરીના દિવસોમાં ઘટાડો માગવાનું નહિ હોય, તો પછી એમને રમખાણ મચાવવા ન દેનારા પોલીસના ‘અત્યાચાર’ સામે વિરોધ કરવાનું જ હશે. ભારતના સરેરાશ ભણેલા જુવાનના વદન પરથી બળવાનું આ બનાવટી મહોરું ઉખેડી નાખો, તો પછી શું જોવા મળે છે? — એક એવી સુસ્ત, નમાલી, પરાક્રમહીન, ભીરુ, રૂઢિપૂજક વ્યક્તિ કે જે જૂની પેઢીના કેટલાય માણસોના કરતાં પણ વધુ જૂનવાણી, અંધમતવાદી અને જ્ઞાનશત્રુ હોય છે. દેશમાં કોમી ભેદભાવ આટલો બધો ફેલાયેલો છે, તેની સામે વિદ્યાર્થીઓએ એકાદ પણ ‘દેખાવ’ કરેલો છે? પ્રાદેશિક યાદવાસ્થળીનો કોઈ વિરોધ કરેલો છે? ગામડાંની વાત તો બાજુએ રહી — ખુદ શહેરોમાં પણ પછાત વર્ગો સાથે જે દુર્વ્યવહાર ચલાવવામાં આવે છે તેની સામે યુદ્ધ જગાવવાની દરકાર આપણા યુવાનોએ કદી કરી છે? પરઠણ-પહેરામણી, લગ્નના બેફામ ખરચો, કોમી ઝનૂન અને એવા બીજા સામાજિક કુરિવાજોની સામે આપણાં ભણેલાં યુવકયુવતીઓએ કદી જેહાદ ઉપાડી છે? આપણા યુવાનોમાં તો, આ દેશને સર્વનાશમાંથી કદાચ ઉગારી શકે એવાં નવાં મૂલ્યો કેળવવાની પણ હિંમત નથી. મોટેરાઓના સડાની ટીકા એ છૂટથી કરતા રહે છે — અને પછી પોતાની પરીક્ષાઓમાં ચોરી કરવાની, ટ્રેન-બસમાં વગર ટિકિટે સફર કરવાની અને એવી બીજી પ્રવૃત્તિમાં લાગી જાય છે. સરકારી તંત્રાવાહકોના એદીપણાની એ ઝાટકણી કાઢે છે, અને પછી અભ્યાસની મહેનત કર્યા વિના જ ડિગ્રીઓની માગણી ઉઠાવે છે. જ્ઞાતિવાદ, પ્રદેશવાદ, કોમવાદ, ભાષાવાદ — આ દેશના ટુકડેટુકડા કરનારા જે તમામ રાક્ષસો માટે મોટેરાઓને દોષ દેવામાં આવે છે, તેને આપણા યુવાનો બેફામપણે બહેકાવતા જાય છે. અંગ્રેજી-હિન્દીની લડાઈમાં વિદ્યાર્થીઓએ ભજવેલો ભાગ, મહારાષ્ટ્ર-મૈસુરના સીમા-ઝઘડામાં સુરંગ ચાંપનારા વિદ્યાર્થીઓ, ૧૯૬૪નાં કલકત્તાનાં હિન્દુ-મુસ્લિમ રમખાણોના નવજુવાન હુલ્લડખોરો અને એવા અનેક બીજા દાખલાઓ ભૂલી શકાય તેમ નથી. પોતાની આપમુખત્યારીની આટલી બધી બાંગો એ પોકારે છે, તે છતાં આપણાં યુવક-યુવતીઓમાં સ્વતંત્રાપણે કશા જ અભિપ્રાયો બાંધવાની પણ ત્રોવડ નથી. કોઈ પણ બાબત અંગેનું એમનું વલણ સત્યશોધન અને વિશ્લેષણનું નહિ પણ નિક્રિયપણે ને રાંકભાવે તે સ્વીકારી લેવાનું હોય છે. એક પરિસંવાદમાં એક વિદ્વાન અધ્યાપકે એવી ફરિયાદ કરેલી કે પોતાના વિદ્યાર્થીઓ પાસેથી નવા વિચારો અને નવાં દૃષ્ટિબિંદુઓને એ આતુરતાથી આવકારે છે, પરંતુ કોઈ વિષયની ચર્ચાનો પડકાર જ્યારે પણ એણે વર્ગમાં ફેંક્યો હોય ત્યારે જવાબમાં એમને માત્રા ગાઢ શાંતિ જ સાંપડી છે. આપણા યુવાનો વિશે અજંપો પેદા કરનારી એ જ બાબત છે. કોઈ પણ વાત એ માને છે તે એ એમને ગળે બરાબર ઊતરી ગઈ છે એટલા માટે નહિ, પણ કોઈએ એમને તે માનવાનું કહેલું હોય છે તેથી જ. એટલે જ તો હરકોઈ પ્રકારની ભેજા-સફાઈને એ સાવ સહેલાઈથી વશ થતા હોય છે અને ચાહે તે હાલીમવાલી એમને ચોકડેથી ખેંચીને આમથી તેમ દોરી જઈ શકે છે. પછી, આપણા યુવાનોમાંથી સાહિત્ય કે કલાનાં કોઈ નવાં પ્રયાણો પેદા થતાં નથી, એમાં શી નવાઈ! ભારતનો અપટુડેટ છેલછબીલો નગરવાસી યુવાન પણ ચામડીના ઉપલા પડ લગી જ સામાજિક બળવાખોર છે. એનાં બધાં લટકાંમટકાં એક આડંબર છે, એક જૂઠું આવરણ છે. છોકરીઓ સાથેના મુક્તવિહાર અંગેના એના તમામ આધુનિક ખ્યાલો છતાં, જુલ્ફાંદાર વાળ ને લાંબી કાનસ ઉગાડનારો એ છોકરો લગ્નની વાત આવશે ત્યારે તો અખંડ ‘કૌમાર્યવતી’ પતિવ્રતાને જ પસંદ કરશે. અને છોકરાઓ સાથે બેધડક મહાલનારી ‘બેલ-બોટમ’ વેશધારી ફાંકડી કન્યા પણ ‘ઠેકાણે પડવાની’ વાત આવશે ત્યારે તો બકરીની જેમ માબાપની આજ્ઞાને જ વશ વર્તશે. કોઈ પણ ક્રાંતિકારીમાં પાયાની પહેલી જરૂરિયાત હોય છે બહાદુરીની — માત્રા વાતોમાં બહાદુરીની નહિ પણ આચરણમાં બહાદુરીની. ત્યારે આપણા યુવાનોમાં જે એક જ પ્રકારની બહાદુરીનું અસ્તિત્વ દેખાય છે તે તો છે ગાડરિયા ટોળાની બહાદુરી. એને પરિણામે, પોતાના દોસ્તોની સાથે નીકળેલો છોકરો કોઈ એકલી જતી છોકરીની છેડતી કરી શકે છે, પણ પોતે જ્યારે એકલો હોય ત્યારે તો છોકરીઓના વૃંદ પાસેથી એ ગુપચુપ પસાર જ થઈ જાય છે. એ બહાદુરીને લીધે વિદ્યાર્થીઓનું ઘીંઘર ઊભી બજારે ત્રાસ ફેલાવવાની હામ ભીડી શકે છે, પણ પોલીસ આવતાંની સાથે જ પોબારા ગણી જાય છે. હા, વ્યક્તિગત વીરતાનો આપણા યુવાનોમાં સર્વત્રા અભાવ જ દેખાય છે. ભારતનું બદકિસ્મત એ છે કે એના જુવાનો ક્રાંતિકારી નથી. એક દેશ ચાહે તેટલો પછાત ને પીડિત હોય, પણ એની માટીમાં જો એક ખમીરવંતી નવી પેઢી આળોટતી હોય, તો તેને માટે હજીયે આશા છે. પરંતુ જોમવંતા શરીર જેટલી જ અગત્ય જોમવંતા દિમાગની પણ છે. ભારતને ક્રાંતિની અવશ્ય જરૂર છે — અને તે પણ રાજકીય ક્રાંતિની જ નહિ. પણ, હાય દુર્ભાગ્ય! એ ક્રાંતિનો સ્ફોટ આપણા યુવાનોમાંથી થવાનો હોય તેવું લાગતું નથી.