સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એસ્થર ગ્રેહામ/જગતને જોવાની મજા
રેલગાડીમાં સફર કરતા એક માણસ અને તેના નાના પુત્રાની પાછળની બેઠકમાં હું બેઠી હતી. પાટાની બેઉ બાજુ જે દૃશ્યો પસાર થતાં હતાં તેમાં એ છોકરાને ખૂબ રસ પડતો હોય એમ લાગ્યું, ને પોતે જે કાંઈ જુએ તેનું વર્ણન એ પિતાને મોઢે સતત કરતો જતો હતો. એક નિશાળના ચોગાનમાં રમતાં બાળકોની વાત એણે કરી, એક વોંકળામાં પડેલા પથ્થરોની વાત કરી અને પાણી પર પડતાં સૂરજનાં કિરણો વર્ણવ્યાં. વચમાં, એક માલગાડીને જવા દેવા માટે અમારી ગાડી ઊભી રહી ત્યારે, એ ભારખાનાના દરેક ડબ્બામાં શું શું હશે તેની અટકળ એણે ચલાવી. એમને ઊતરવાનું સ્ટેશન નજીક આવતું ગયું તેમ તેમ તો એ છોકરાની ખુશાલી વધતી ચાલી. સફરને અંતે આગલી બેઠક પર જરા નમીને પિતાને મેં કહ્યું : “એક બાળકની આંખો મારફત જગતને જોવામાં કેવી મજા આવે છે — નહીં?” સ્મિત કરીને એમણે જવાબ વાળ્યો : “હા, બહુ જ. એ એક જ રીતે આપણે જગતને જોઈ શકીએ તેમ હોઈએ, તો તો ખાસ.” એ અંધ હતા.