સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એસ. કે. રામપાલ/ભેરુ જલ્લાદ?

          જેલની ઑફિસમાં નોંધાયેલું નામ હતું ભૈરવનાથ માતાદીન; પરંતુ જેલના બધા માણસો તેને ભેરુ જલ્લાદ તરીકે ઓળખતા. દરેક વખતે એ જેમ જેલમાં સમયસર હાજર થતો હતો તેમ આજે પણ આવી પહોંચ્યો. બેરેકના બધા કેદીઓ ભેરુ ભણી આંખો ફાડી જોઈ રહ્યા. “જલ્લાદ આ ગયા.” “જમરાજ કહો, જમરાજ આ ગયા…” જાળીના જાડા સળિયા પકડી ઊભેલા બે કેદીઓ બોલી ઊઠ્યા. ભેરુના આગમનની સાથે જાણે મોતનો ભયાનક પડછાયો જેલના વાતાવરણ પર છવાતો ગયો. સાંજ પડી ગઈ હતી. જેલનું વાતાવરણ આમેય ઉદાસીનતાભર્યું હતું, તેમાં ભેરુના આવવાથી તે વધારે ઘેરું બન્યું. બીજે દિવસે સવારે એક કેદીને ફાંસી આપવાની હતી. ભેરુ કોઈની તરફ જોતો નહીં કે તેમની વાત પર ધ્યાન આપતો નહીં. તે છેલ્લાં ચાલીસ વર્ષથી આ પ્રમાણે જેલમાં આવતો રહ્યો છે. તે ફાંસીની કોટડી તરફ વળ્યો. અહીં ફાંસીએ બાંધવાનાં દોરડાં, કાળો બુરખો વગેરે ચીજો રહેતી. કાળી પેટીમાંથી બધું કાઢી તેણે તપાસી લીધું. પછી ફાંસી આપવાના ચબૂતરા પર ચડીને ફાંસીના હેંડલમાં ગ્રીઝ પૂર્યું, પાટિયાં જોઈ લીધાં. તેના મોં પર તટસ્થ તત્ત્વજ્ઞાની જેવો ગભીર શાંત ભાવ હતો. વહેલી સવારે ભેરુને જે કામ કરવાનું હતું તે અંગેની બધી ચીજો તપાસી લઈ એ ફાંસીઘરથી થોડેક દૂર આવેલી એક અંધારી ઓરડીમાં આવ્યો, વીજળીના દીવાનું બટન દબાવ્યું. ઝાંખો પ્રકાશ ફેલાયો. ખૂણામાં એક જૂનો ખાટલો પડ્યો હતો, જેના પર મેલું-ધૂળવાળું ગોદડું પડ્યું હતું. નાનકડી બારી આગળ મૂકેલી લોખંડની ખુરશી પર ભેરુ બેઠો અને બીડી સળગાવી. બીડી પીતો, ધુમાડા કાઢતો, વચમાં વચમાં ખાંસી ખાતો ભેરુ નિર્વિકારી મુખમુદ્રાએ બેસી રહ્યો. થોડી વાર પછી બીડી બારી બહાર ફેંકી, ખાટલા પરનું ગોદડું ખંખેરી, પાથરી, ભેરુ તેના પર આડો પડ્યો. સળિયા પકડી ઊભેલા પેલા કેદીના શબ્દો યાદ આવ્યા… “જમરાજ આ ગયા…” “બકવા દો સાલાઓને. જમરાજ કહે કે જમદૂત કહે, પેટ માટે આ ધંધો કરવો પડે છે.” ભેરુ બબડવા લાગ્યો. “બસ, આ તો હવે છેલ્લી ફાંસી છે. સાઠ વરસનો થઈશ, બે મહિના પછી રિટાયર કરશે મને.” ભેરુ વિચાર કરવા લાગ્યો : નિવૃત્ત થયા પછી હું શું કરીશ? બૈરી કે છોકરાં નથી. ભગવાન જે કરે તે ખરું… ભગવાનનું નામ એણે ફાંસીએ ચઢનાર કેદીઓનાં મોંએ ઘણી વાર સાંભળ્યું હતું. ભગવાન વિશે એ કશું જ જાણતો નહોતો. ભગવાનનું છેલ્લી ઘડીએ નામ લેનારા, બૂમો પાડનારાઓનાં ગળાં એણે એક ઝાટકે બંધ કર્યાં હતાં. પડખું ફેરવી, ભેરુએ ખુરશી પર પડેલા બીડીના બંડલમાંથી બીજી એક બીડી લીધી અને સળગાવી. બીડીનો ધુમાડો જોરથી મોંમાં ખેંચ્યો, ઉધરસ ખાધી અને મોંમાંથી ગળફો કાઢી ખૂણામાં નાંખ્યો. પછી એ બાઉઆવાળી છતભણી નજર કરી સ્થિર આંખો વડે જોવા લાગ્યો. કેદીઓને ફાંસીએ ચઢાવવાનો ધંધો ભેરુને તેના બાપ તરફથી વારસામાં મળ્યો હતો. તેનો બાપ માતાદીન જેલના ‘મોટા સાહેબ’ના બંગલામાં ઝાડુ વાળતો હતો. સિત્તેર વર્ષ પહેલાં જ્યારે આ જેલનું મકાન તૈયાર થયું હતું તે દિવસોની વાત છે. ફાંસિયાની જરૂર પડી. ‘પાપમાં પડવા’ કોઈ તૈયાર ન થતાં, મોટા સાહેબે માતાદીનને ધમકી આપી, લાલચ આપી ફાંસિયાનું કામ કરવા માટે કબૂલ કર્યો. ‘પાપમાં પડનાર’ પુરુષની સ્ત્રી — ભેરુની મા — વરને છોડીને ચાલી ગઈ. પતિના પાપમાં પત્ની ભાગીદાર થવા માગતી નહોતી. દીકરાની માયાનું બંધન પણ તોડી નાંખ્યું. મા વગરનો ભેરુ વગડાના જાનવરની જેમ મોટો થયો. બાપની જેમ એ પણ ‘પાપના કામ’માં પડ્યો હતો. “આ જનમનાં કરમ આવતા જનમમાં કોણ જાણે કેવાંય ભોગવવાં પડશે!” એ બબડયો… છત પરથી નજર ફેરવી એણે અંધારા ખૂણા તરફ જોયું. એ ખૂણામાંથી તેને કેટલીક આકૃતિઓ પોતાના તરફ આવતી દેખાઈ. એ બધી હતી પેલા ફાંસીએ લટકાવેલા ગુનેગારોની આકૃતિઓ… એક આકૃતિએ તેની પાસે આવી પૂછ્યું : “એ ભેરુ, અમને ઓળખે છે?” ભેરુ આંખો ચોળી, ફરીથી બરાબર જોવા લાગ્યો. ઝાંખા પ્રકાશમાં કંઈ દેખાયું નહીં. તેના શરીરે પસીનો વળી ગયો હતો. મેલા ગમછા વડે એણે મોં-કપાળ લૂછ્યું— ઉધરસ ખાઈ એ ખૂણામાં થૂંક્યો… ફરીથી સૂતો. એક બ્રાહ્મણને ફાંસી આપ્યાની વાત તેને યાદ આવી. બ્રાહ્મણે પોતાની પત્નીને ગળે ટૂંપો દઈને મારી નાખી હતી. તેને ફાંસીની સજા થઈ હતી. ગામના એક મોટા જમીનદારે બ્રાહ્મણ-પત્નીનું શિયળ ભંગ કર્યું હતું. ક્રૂર અને બળવાન જમીનદારની વિરુદ્ધ એ કંઈ કરી શકે તેમ નહોતો; એટલે તેણે પોતાનો બધો ક્રોધ પત્ની પર ઠાલવ્યો. પોલીસથાણે એણે જાતે જઈ પોતાના ગુનાની વાત કરી હતી. શહીદની જેમ એ ફાંસીના માંચડે ચડયો હતો. તેને જોઈ ભેરુનો હાથ એક વાર કાંપ્યો હતો. બ્રાહ્મણે ભેરુની સામે જોઈને કહ્યું હતું : “ભાઈ, તારો હાથ કેમ કાંપે છે? નાખ મારા ગળામાં ફાંસીનું દોરડું. જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે. હું મારા પાપની સજા ભોગવવા તૈયાર છું. તું તારી ફરજ બજાવ.” તે દિવસે ભેરુએ જાણ્યું કે પોતે પાપી નથી — માત્ર ફરજ બજાવનાર માણસ છે. બારીના સળિયામાંથી એક નાનું ચામાચીડિયું આવ્યું અને લટકતા દીવાના દોરડા સાથે અથડાયું. બત્તીનો ગોળો આમતેમ હાલવા લાગ્યો… ભેરુ માથું ફેરવી ઓરડીના ઝાંખા, હાલતા પ્રકાશને જોઈ રહ્યો. “હું પાપી નથી. વકીલો ગુનેગારનો ગુનો સાબિત કરે, જજ તેને સજા કરે… ફાંસીનો હુકમ કરે… મારે તો ફરજ બજાવવાની…” તે બબડવા લાગ્યો. “લોકો મને રાક્ષસ કહે છે. જમદૂત કહે છે. લોકોને ફાંસીએ ચડાવવામાં મને ખુશી નથી થતી… પેટને ખાતર કરવું પડે…” હવે તો જમાનો બદલાયો છે. હવે ફાંસિયાની નોકરી કરવા ઘણા લોકો તૈયાર છે. એક ફાંસી આપવાના ચાળીશ રૂપિયા. કોક વાર મહિનામાં બેત્રણ ફાંસી. દાળ— રોટલો મળી રહે છે. આ ફાંસીના રૂપિયામાંથી કપડાં સિવડાવવાં છે… પણ ફાંસી પર ચડનારા બધા ગુનેગારો નથી હોતા. પેલા જુવાનિયાએ દેશની આઝાદી માટે અંગ્રેજનું ખૂન કર્યું હતું. વીસ વરસનો તરવરતો જુવાનિયો “ઇન્કિલાબ ઝિન્દાબાદ”ની બૂમો પાડતો ફાંસીએ લટકી ગયો હતો. તે દિવસે એ જુવાનને ફાંસી આપ્યા પછી ભેરુ ફાંસીના માંચડા આગળ ટૂંટિયું વાળી બેઠો હતો, રડયો હતો. ઓરડીએ જઈને ભૂખ્યો-તરસ્યો સૂઈ ગયો હતો. આઝાદી મળ્યા બાદ ભેરુ પેલા જુવાનની સમાધિ પર ગયો હતો. સમાધિ પર ફૂલ ચડાવ્યાં હતાં. તેની આગળ એ શહીદનો ચહેરો તરવરતો લાગ્યો. જુવાને જાણે પૂછ્યું, “કેમ ભેરુ, મજામાં છે ને? મને ફાંસીએ ચડાવ્યા બદલ અફસોસ ન કરતો. હું કદીય મરતો નથી. તેં તો મને દેશ ખાતર કુરબાની કરવામાં મદદ કરી છે.” ભેરુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં. બસ, આજની ફાંસી ભેરુની જિન્દગીની છેલ્લી ફાંસી હતી. આજ પછી તે નિવૃત્ત થવાનો હતો. ‘પાપ’ની જિન્દગી પૂરી થવાની હતી. હવે પછી કોઈને ફાંસીએ ચડાવવાનું દુઃખ નહીં થાય. પહેલાં સૂતરનો જાડો ફાંસો હતો… પછી રેશમી ફાંસો આવ્યો અને હવે નાયલોનનો સુંવાળો, મુલાયમ, મજબૂત. મોત તો પહેલાં જેવું જ કઠોર નિર્દય હતું. મોતના અંધારા પડદાને ખેંચવા માટે ગમે તેવું દોરડું ચાલે. સુતરાઉ હોય કે રેશમ— નાયલોનનું; ભયાનકતા સરખી જ. જેલના ઘંટના ત્રણ ટકોરા સાંભળી ભેરુ ઊંડી તંદ્રામાંથી અચાનક જાગ્રત થયો. ચાર વાગ્યે તેને ફાંસીની કોટડી આગળ હાજર થવાનું હતું. ખાટલામાં બેઠો થયો અને બીડી સળગાવી. બત્તી તો બળતી હતી. ફરીથી ભેરુ વિચારમગ્ન થયો… ભૂતકાળની વાતો યાદ આવવા લાગી. જેલના ઘંટ પર ચારના ટકોરા પડ્યા. ભેરુએ બીડી બુઝાવી નાખી. પથારીમાંથી ઊભો થયો. આળસ મરડવા હાથ ઊંચા કર્યા. તેને એકાએક જાણે ચક્કર… અંધારાં આવતાં જણાયાં. લોખંડની ખુરશી પકડી લીધી અને ફરસ પર ઊભડક બેસી ગયો. ઓરડીની દીવાલો, વીજળીનો દીવો, ખાટલો, પાણીનું માટલું… બધું ગોળ ગોળ ફરતું દેખાતું હતું. ભેરુ ખાટલામાં આડો પડ્યો. વહેલી સવારે વોર્ડરે જેલરને ઉઠાડી સમાચાર આપ્યા : “હજૂર, ભેરુ મરી ગયો…” “મરી ગયો… કેવી રીતે?” “ખાટલામાં મરેલો પડ્યો છે. હાર્ટફેલ થયું લાગે છે.” “ફાંસી આપ્યા વગર મરી ગયો કમબખ્ત! હવે ફાંસી કોણ આપશે પેલાને…?” જેલર ઊકળ્યો. (અનુ. ર. પ્ર. રાવલ)