સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કનૈયાલાલ મુનશી/એક પત્ર
મારા નાથ! મરણપથારીએ પડી પડી એક વાર ફરી તમારે ખોળે મારું માથું મૂકું છું. આ કાગળ ન લખત. હજારો વાર કરગરી કરગરી કહેલા બોલોની કંઈ અસર થઈ નહોતી, તે કંઈ હવે થશે? પણ મારા અનુભવો જણાવવાથી હું દુ:ખમાંથી છૂટીશ. મારી સોળ વર્ષની જિંદગીમાં બહુ બહુ દુ:ખ પડ્યું. જો કોઈ એ દુ:ખ મટાડી શકત, તો તે મારા સ્વામીનાથ—મારા દેવ—તમે હતા. તમે મારો હાથ ઝાલ્યો; દુનિયાએ તમને કોમલ, બિનઅનુભવી બાલા સોંપી. પણ તમે તેનો વિચાર પણ ન કર્યો. મારી આ દશા થઈ—મારા પ્રાણ જવા વખત આવ્યો. હું આપને ત્યાં આવી તે વખત યાદ છે? પ્રેમાળ માતાપિતાની લાડલી, છતાં પણ તેમનો ભાવ તરછોડી હું તમને ઝંખતી. પરણ્યા પહેલાં નિશાળે જતાં જો મારી નજર તમારા પર પડતી, તો મારા હૃદયમાં કંઈ અવનવા ભાવો ઊગતા; મને થતું કે ક્યારે તમને મળું? ક્યારે તમારી સેવા કરી જીવન સફળ કરું! હું તમારે ત્યાં આવી ત્યારે કેટલી નાની હતી! કોઈ હરણીના આનંદથી કૂદતી. સાસુનો રોફ અને ધણીની ગુલામગીરી, એ શબ્દો મારા કાન પર નહોતા પડ્યા. છ જ મહિનામાં મારું મન કેવું રૂંધાશે તેનો મને સ્વપ્નેય ખ્યાલ નહોતો. આવતાં વાર જ ખાટાંતીખાં મેણાંથી મારા નિર્દોષ મનને જાણીતું કર્યું! હું કંઈ પણ કરતી કે કહેતી, તો મારાં માબાપ વિશે ચર્ચા થતી: “તારી મા અને તારા બાપ અને તારી ઉખાત!” તમને કોઈ એમ કહે તો તમે સામાને તમાચો મારી શકો; જ્યારે એક ગભરુ બાલિકાને પૂજ્ય માવીતરો પર પડતાં શુકનો સાંભળવાં પડે, ખમવાં પડે. બે-ત્રણ મહિનામાં કઠણ કાળજું કરીને એ સાંભળવાની ટેવ પાડી, ત્યારે નવી ખૂબી શરૂ થઈ. વહાલા! તેર વરસમાં મારું શું ગજું! પારકે ઘેર ઊછરેલી નાદાન છોકરીને તમારી રીતિઓ ક્યાંથી આવડે? જેમ તમારી બહેન તમારી માને લાડકી, તેમ હું પણ મારી માને હતી. મારાં કોમલ અંગોની એમને દરકાર હતી. ત્યારે શું વીસ વર્ષની દીકરીનાં અંગ જરા કામ કરતાં શેકાઈ જાય, અને તેર વર્ષની વહુનું શરીર આખા ઘરનું કામ ઉઠાવી શકે? તમને શું ખબર નહોતી હું આખો દિવસ વૈતરું કરું છું; નથી સૂતી કે નથી બેસતી. તમે બોલબૅટ રમીને આવો, ઓફિસમાં જઈ આવો, તેમાં શું થયું? અમે આખો દિવસ મજૂરી કરતાં, ગાળો ખાતાં, ઘરના વધેલે ધાને પેટ ભરતાં, અસંતોષમાં અહોનિશ જીવન ગાળતાં, બે પ્રેમાળ શબ્દની લાલસાથી તમારી પાસે આવીએ, તો તમારાથી સ્નેહનો એક શબ્દ પણ ન બોલાય? સાધારણ વસ્તુ જોઈએ તોપણ તરત ઊઠી હાજર રહેવું, પળવાર લાગતાં તમારા ઘાંટા સાંભળવા! તમારા મરદોના મજબૂત પગ ઓફિસમાં બેઠે બેઠે દુ:ખે તેને મારા નિર્બલ હાથે દાબવા, અને તમને પરસેવો થાય તો અડધી રાતે કંપતી કેડે તમને પવન નાખવો! તે વખતે શું તમારા મનમાં એમ પણ ન આવ્યું કે આ કોમલ બાલા આ દુ:ખ કેમ વેઠશે? પણ ક્યાંથી આવે?—હું તો ગુલામડી! ઘણા દિવસો એવા ગયા છે કે આખો દિવસ કામ કરી પેટની નસેનસ દુખતી હોય, બેસાતું પણ ન હોય—સૂવાનું તો ક્યાંથી જ હોય?—એ દુ:ખ સાથે પણ સેવા કરી જ્યાંત્યાંથી નિદ્રાદેવીનો આશરો લેવાની આશા હોય, તેવે વખતે તમારો સખત બોલ, ધમકી અને ક્વચિત્ બેચાર લપડાક પણ સહન કરતી—પછી આંસુ પડે તો તેમાં પણ અમારી ગુનેગારી! પિયેર જવાની બંધી, સાસુનો સદાનો કોપ, તમારું હંમેશનું જુલમી સ્વામિત્વ—આ બધું પંદર વરસની છોકરીને તમે સહન કરાવ્યું. હજારો મારા જેવી કરે છે, તેમ મેં પણ કર્યું. જો તમે સ્નેહ દેખાડ્યો હોત—તમને ખાવાપીવાનો મોજશોખ કરાવનાર લૂંડી તરફ મહેરબાની નહીં—જો જરા પણ દરકાર, મારા તરફ જરા પણ ન્યાય, દર્શાવ્યાં હોત તો—સંસારે તો તમને મારા શરીરના માલિક બનાવ્યા હતા, પણ—હું તમને મારા અંતરના પ્રભુ બનાવત. પણ મનની બધી મનમાં જ રહી. તમારે પલ્લે પડીને ન મળ્યો ન્યાય, ન મેળવ્યો સ્નેહ કે ન પામી સુખ. મારું અંતર રિબાઈ રિબાઈ શરીર સુકાયું અને આખરે આજે મરું છું. એક દહાડો તો તમારા સ્વાર્થ સિવાય બીજી વાત કરવી હતી! એક પળ તો શુદ્ધ પ્રેમનો સ્વાદ ચખાડવો હતો! એક વાર તો જમ્યા પછી પૂછવું હતું કે, પાછળ ધાન રહ્યું છે કે પોપડા? એક દહાડો તો સાથે બેસી કંઈ રસિકતાનો, કંઈ ઊચા વિચારોનો ખ્યાલ કરાવવો હતો! પણ એવી ક્યાંથી આશા? ખાઈ-પી, પેટ ભરી જિંદગી ગાળવામાં એવા વિચાર ક્યાંથી આવે? અસલ સતીઓ આવતે ભવે તે જ સ્વામી માગતી. હું માગું, પણ તે લાયકાત તમે દેખાડી છે? આ ભવે છૂટી—પ્રભુ ફરી આપણો સાથ ન કરાવે! સાસુજીને કહેજો કે ફરી કોઈ ભણેલી સ્ત્રી ન લઈ આવે! અભાગિણી. [‘મારી કમલા’ પુસ્તક: ૧૯૧૨]