સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કમલા પરીખ/ઋષિ અધ્યાપક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          કોને માટે ઉપર્યુક્ત શબ્દો યોજાયા હશે? પેલા પૌરાણિક ગુરુઓ માટે તો નહીં હોય? હા, એવા ગુરુઓ વશિષ્ઠ, વિશ્વામિત્ર, વાલ્મીકિ, સાંદીપનિ વિષે વાંચ્યું છે. પણ મારા વંદનીય ગુરુ પ્રોફેસર દાવરની યાદ આવતાં જ કરુણભર્યાં નયનોથી વ્હાલ વરસાવતો એક સૌમ્ય ચહેરો નજર સમક્ષ ઊભરી આવે છે. તેમનો જન્મ અહમદનગરમાં ૧૮૯૨માં થયેલો. તેમના પિતા કાવસજી ત્યારે બાંધકામ ખાતામાં હિસાબનીશ તરીકે કામ કરતા. ૧૮૯૬માં દાવર કુટુંબે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો. ફિરોઝ દાવરે સમગ્ર શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૦૮માં ગુજરાત કોલેજમાં દાખલ થયા, અને ૧૯૧૨માં અંગ્રેજી તથા ફારસી સાથે બી. એ.ની ઉપાધિ મેળવી, ૧૯૧૩માં એમ. એ.માં ઉત્તીર્ણ થયા, ૧૯૧૬માં એલએલ. બી. થયા. ૧૯૧૬માં અમદાવાદમાં ‘નેટિવ ઇન્સ્ટિટ્યૂટ’માં હેડમાસ્તર પદે રહ્યા. ત્યારબાદ ૧૯૧૮થી ૧૯૨૦ સુધી બે વર્ષ પૂનાની ડેક્કન કોલેજમાં અંગ્રેજીના સહાયક અધ્યાપક રહ્યા. પણ પછી અમદાવાદની ગુજરાત કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે તેઓ જોડાયા. ૧૯૪૭ સુધી પોતાની માતૃકોલેજમાં સેવા આપી. તેમને નિવૃત્ત થવાના પાંચ મહિના બાકી હતા ત્યારે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ દાવર સાહેબને લા. દ. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજી વિભાગના વડા તરીકે જોડાવાનું નિમંત્રણ પાઠવ્યું. ૧૯૬૬માં તેઓ ત્યાંથી નિવૃત્ત થયા. ગુજરાત યુનિવસિર્ટીના અંગ્રેજી વિભાગમાં તેમણે માનદ્ સેવાઓ આપેલી ત્યારે શ્રી નરીમાન કામાએ તેમને ટકોરેલા કે ગાડીભાડા જેટલા પણ પૈસા મળતા નથી, તો શાને દોડવું? તેમણે કહેલું કે ગુજરાત યુનિવસિર્ટીની આખી લાઇબ્રેરી મફત વાંચવા મળે છે તે કેટલા મોટા લાભની વાત છે? તેમનું કુટુંબ પાંચ બહેનો ને બે ભાઈનું બનેલું હતું. તેમનાં માતા લેખિકા હતાં. દાવર સાહેબના જીવનઘડતરમાં તેમનાં માતાનું મહાન પ્રદાન હતું. સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ધર્મ અને જુદી જુદી ભાષાઓનો અભ્યાસ આ ચારેય તેમણે વારસારૂપે માતા પાસેથી પ્રાપ્ત કરેલ. નોકરી દરમિયાન તેઓ રાષ્ટ્રીય રંગે રંગાયેલા. ગાંધીજીની સભાઓમાં તથા સાબરમતી આશ્રમની સવારની પ્રાર્થનામાં તેઓ હાજરી આપતા. તે સમયના પ્રિન્સિપાલ શિરાઝે આ બાબતનો વાંધો ઉઠાવ્યો ત્યારે દાવરસાહેબે જવાબ આપેલો કે તેઓ વર્ગમાં નિયમિત જાય છે, ભણાવે છે, અને ત્યાં કોઈ પ્રચાર કરતા નથી, પણ કોલેજની બહાર તેઓ સંપૂર્ણ સ્વતંત્ર છે. તેમના રાષ્ટ્રવાદી વલણથી નારાજ થયેલા સત્તાવાળાઓએ ગુજરાત કોલેજમાં કેટલાંયે વર્ષો સુધી તેમને પ્રોફેસરના પદથી વંચિત રાખેલા. આઝાદીની લડતના પ્રસંગે તેમની પાસે રાજીનામાની માંગણી થયેલી, પણ તેમનો નમ્ર ઉત્તર હતો કે તેમના કૌટુંબિક સંજોગો તેમને તેમ કરવા દે તેમ નથી. પણ ગુજરાત કોલેજની વિખ્યાત હડતાલ વખતે દાદર પર આડા સૂઈ રહેલા વિદ્યાર્થીઓએ જ્યારે દાવર સાહેબને તેમના શરીર પર પગ મૂકીને વર્ગમાં જવા કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના શરીર પર પગ મૂકવા કરતાં પોતે રાજીનામું આપવાનું વધારે પસંદ કરશે. તેમનો જીવનક્રમ પણ જાણવા જેવો છે. સમગ્ર કુટુંબ રાત્રે સાડાઆઠ વાગ્યે જમતી વખતે વિચારોની આપલે કરે. રાત્રે દસે લાઇટ બંધ કરીને સહુને સૂઈ જવાનું. તેઓ પોતે સવારે સાડાત્રણ વાગ્યે ઊઠે. સ્નાન બાદ તેમનાં પાઠપૂજા શરૂ થાય. તેઓ ગાયત્રીમંત્ર, ‘અવસ્તા’ તથા ‘બાઇબલ’ના કંઠસ્થ કરેલા ફકરાઓ બોલે. મૃત્યુને તેઓ મંગલકારી માનતા હતા. મૃત્યુ પામ્યા તેના ત્રણ દિવસ પહેલાં તેમણે પુત્રીને કહેલું કે મૃત્યુને બિહામણું માનવું નહીં, ઋણાનુબંધ પૂરો થાય એટલે હસતા મોઢે જવાનું. શરીરને પરાણે ખેંચવાનો કોઈ જ અર્થ નહીં. તેમના છેલ્લા શબ્દો હતા ‘મૃત્યુ મંગલકારી છે.’ ૧૯૪૧માં મુંબઈમાં તેમને ટાઇફોઇડનો ત્રીજો હુમલો થયેલો ત્યારે ડોક્ટરે આશા છોડી દીધેલી. તે રાત્રે તેમને મૃત્યુનો જે અહેસાસ થયેલો તેની ફલશ્રુતિ સ્વરૂપે ‘મોત પર મનન’ નામના તેમના ગ્રંથનું સર્જન થયું. વિદ્યાવ્યાસંગી દાવરસાહેબને સાંભળવા એ એક લ્હાવો હતો. લાંબો કોટ, ટૂંકી મોળીનું પાટલૂન, પગમાં બૂટ અને પારસીશાયી ટોપી સાથે વર્ગમાં જ્યારે તેઓ પ્રવેશ કરે ત્યારે આંખો તેમના પર સ્થિર થઈ જાય અને ચરણોમાં વંદન કરવાનું મન થઈ જાય. તેમના પ્રવેશ સાથે સમગ્ર વર્ગમાં જાણે શિસ્ત સદેહે ઊતરી હોય તેવું લાગે. જ્યારે વાણીપ્રવાહ વહેતો થાય ત્યારે તો એ જ્ઞાનની ગંગામાં તરબોળ થઈ જવાય. પ્રભાવશાળી વ્યક્તિત્વ, મેઘ જેવો અવાજ, ચહેરા પર છવાયેલી વિનમ્રતા, વાણીમાંથી પ્રકટતું જ્ઞાન અને પેલાં કરુણાસભર નેત્રો ગજબનો પ્રભાવ પાડી જતાં. વર્ગમાં શીખવતી વખતે વિષયમાં પોતે ઓતપ્રોત થઈ જતા અને સાથે સાથે વિદ્યાર્થીઓને જાણે સમાધિ લાગી જતી. ગમે તેટલું અઘરું પુસ્તક તેમના દ્વારા સરળ બની જતું. કવિશ્રી નાનાલાલ કહેતા, “ભાષણ સાંભળવું હોય તો જાઓ પ્રોફેસર દાવર પાસે, વિદ્વત્તાની ઝડીઓ વરસાવે છે.” કવિશ્રી એમ પણ કહેતા, ‘અમદાવાદ આવો ત્યારે બીજું ઘણું જોજો, પરંતુ ખાનપુર રોડ પર પ્રોફેસર દાવર નામે એક ઋષિ વસે છે, તેમનાં દર્શન કરવાનું ચૂકશો નહીં. “હરિસંહિતા” જેમ જેમ લખાતી તેમ તેમ કવિશ્રી દાવરસાહેબ પાસે આવીને સંભળાવતા. એક વખત મારા વર્ગમાં ભણાવતાં ભણાવતાં તેઓ બેભાન થઈ ગયેલા અને થોડા સમય પછી જ્યારે ભાનમાં આવ્યા ત્યારે વર્ગ લેવા માટે તૈયાર થઈ ગયા. અમે સહુએ તેમને ઘેર જઈ આરામ કરવા માટે વિનંતી કરી, પણ તેઓ શાના માને? છેવટે અમારે જીદ કરવી પડી. વર્ગબહિષ્કારનો લાડભર્યો સત્યાગ્રહ કરવા તૈયાર થયેલા અમને જોઈને તેઓ આખરે માન્યા અને ઘેર જવા સંમત થયા. નિયમિતતાના તેઓ ચુસ્ત આગ્રહી. ઘંટ વાગે કે તરત જ ઊભા થાય અને વર્ગ પ્રતિ પ્રયાણ કરે. ઠંડી, વરસાદ, તાપ ગમે તે હોય પણ તેઓ સમયસર હાજર જ હોય. ભણવું અને ભણાવવું એ એમનું કર્તવ્ય. ત્યારે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓમાં એવી વાયકા હતી કે ગુજરાત કોલેજની સીડનહૅમ લાઇબ્રેરીમાં વિજ્ઞાન અને ગણિતનાં પુસ્તકો બાદ કરતાં બાકીનાં તમામ પુસ્તકો દાવર સાહેબે વાંચેલાં છે. તેમને Walking libraryનું બિરુદ મળેલું. માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયનાં મોટા ભાગના ગ્રંથો તેમણે વાંચ્યા હતા. દાવરસાહેબ એટલે પુસ્તક અને પુસ્તક એટલે દાવરસાહેબ. એમનું જીવન પુસ્તકોમાં સમાયેલું હતું. જ્ઞાનથી ભરપૂર તેઓએ ક્યારેય જ્ઞાનનો ગર્વ કર્યો નથી. ફળથી લચેલાં વૃક્ષો જેવી નમ્રતા તેમનામાં હંમેશાં દૃષ્ટિગોચર થતી. કોલેજમાંથી નિવૃત્તિ બાદ તેમણે કહેલું. “વિદ્યાર્થીઓ સાથેનો મારો સંપર્ક તૂટ્યો ત્યારથી મારું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું છે.” વિદ્યાર્થીઓ તેમના પ્રાણવાયુ હતા અને પુસ્તકો તેમના પ્રાણ હતા. આ બંને તેમની પાસેથી છિનવાઈ ગયાં. સરસ્વતીના આ મહાન ઉપાસકનાં નેત્રોનું નૂર નિવૃત્તિ બાદ હણાયું. આંખોની તકલીફ થતાં તેમની પાસે રણછોડ સોલંકી નામનો એક યુવાન રોજ વાંચવા આવતો. વળી તેમની પાસે પચાસ વર્ષ પૂર્વે ભણી ગયેલા રામભાઈ અમીન રોજ આવતા અને તેમની પાસે શ્રી અરવિંદનાં પુસ્તકોનું વાચન કરતા. આ વાચનકાર્ય અને શ્રવણકાર્ય છેલ્લા દિવસ સુધી ચાલુ રહેલું. પુસ્તકની વ્યવસ્થા બાબતમાં તેઓ ખૂબ ચીવટ રાખતા. એક વાર તેમનાં પુત્રી આરમઈતીને કોઈ કવિ વિશે માહિતી જોઈતી હશે તો તેમણે પૂર્ણ ચોકસાઈથી માહિતી આપેલી : ક્યું કબાટ, ક્યું ખાનું, કેટલા નંબરની ચોપડી અને કેટલા નંબરનું પાનું! પચાસ પચાસ વર્ષો સુધી તેમણે અધ્યાપન કર્યું અને ત્રણ ત્રણ પેઢીના તેઓ ગુરુ બન્યા. વિલાયત નહોતા ગયા છતાં પણ વિલાયત જઈ આવેલાઓ કરતાં પણ તેઓ આંગ્લ સાહિત્યના વધુ જ્ઞાતા હતા. મૃત્યુની આગાહી તેમને થઈ ગઈ હતી. મૃત્યુના થોડા દિવસો અગાઉ તેમણે તેમનાં પત્નીને કહેલું કે હવે તેઓ બહુ દિવસ ટકશે નહીં. તેમનાં પુત્રીને પણ તેમણે કહેલું કે એ તેમનો છેલ્લો શિયાળો છે. પુત્રી સાથે મૃત્યુની વાતો કરી. તેમની સારવાર કરતા ડોક્ટરને આભારનો પત્ર પુત્રી પાસે લખાવ્યો. પરદેશમાં ભારતની ટીમ ક્રિકેટ રમતી હતી તેનો સ્કોર પૂછ્યો. સરસ્વતીના આ પૂજકે ૮૫ વર્ષની ઉંમરે પૃથ્વી પરથી પ્રયાણ કર્યું. આ પ્રખર વિદ્વાનમાં જે નમ્રતા, સાદાઈ અને નિરાભિમાન હતાં તે નરસૈયાના સાચા વૈષ્ણવજનની ઝાંખી કરાવતા. તેઓ આધુનિક યુગના એક ઋષિ અધ્યાપક બન્યા. [‘ચરિત્રસૌરભ’ પુસ્તક : ૨૦૦૨]