સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કમલા પરીખ/સૌથી નાના ધારાસભ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ૧૯૪૯થી ૧૯૫૭ સુધી બાબુભાઈ મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં હતા. તે આઠ વરસમાં એમણે સાત ટ્રંકકોલ પણ કરેલા નહિ. ટપાલમાંય પોસ્ટકાર્ડથી પતે તો કવર ન લખે. ૧૯૨૮માં તે વડોદરા કોલેજમાં ભણતા હતા ત્યારે આખા વરસનું તેમનું ખર્ચ હતું રૂ. ૩૫૦, તેમાં કોલેજની ફી ઉપરાંત ભોજનબીલના ૨૨૦. તે જમાનામાં કોલેજના છાત્રાલયમાં જે સળંગ ત્રણ દિવસ ન જમે તેને ભોજનબીલમાં ‘કટ’ અપાતો. બાબુભાઈ શનિવારે ન જમે, રવિવારે ઘેર ગયા હોય અને ત્યાંથી લાવેલો નાસ્તો સોમવારે ખાઈને ચલાવી લે. ૧૯૩૦ના સત્યાગ્રહ વખતે સ્વયંસેવક બનીને બાબુભાઈ મુંબઈ ગયેલા. કોંગ્રેસની છાવણીમાં રહે અને દક્ષિણી લોજમાં ટંકના ચાર આના આપી જમે. સાંજે બે પૈસાના ચણા લઈને ચલાવી લે. બસ કરતાં ટ્રામ સસ્તી, એટલે તેમાં આવજા કરે. સ્વયંસેવકોનો ખર્ચ કોંગ્રેસ ભોગવતી, પણ બાબુભાઈ માને કે કોંગ્રેસના પૈસા ગરીબો માટે છે માટે તેનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. ૧૯૩૦માં કોલેજ છોડીને બાબુભાઈ સત્યાગ્રહમાં જોડાયેલા, જેલમાં ગયેલા. ત્યાંથી છૂટીને ભણતર પૂરું કરવા પાછા કોલેજમાં જોડાયા. દરમિયાન ધારાસભાની ચૂંટણી આવી તેમાં કોંગ્રેસે બાબુભાઈને ખેડા જિલ્લામાંથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા. કલેક્ટર ઓફિસમાં તે માટે ફોર્મ ભરવા ગયા, તો નાજુક ને નાનકડા દેખાતા બાબુભાઈને ૨૫ વરસ થયાં હશે કે કેમ તેની કલેક્ટરને શંકા ગઈ. ઉંમરનો પુરાવો આપ્યો ત્યારે એમનું ઉમેદવારી પત્ર સ્વીકારાયું. મુંબઈ રાજ્યમાં એ વયમાં સૌથી નાના ધારાસભ્ય બન્યા.