સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/અંતે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અંતે મોહ્યો તું મૃગલામાં.
મેરુ સમગ્ર ચઢયો, ને લથડયો છેવટનાં પગલાંમાં!
અંતે મોહ્યો તું મૃગલામાં!
રહ્યો જીવનભર પારંગત તરી પાર જવાની કળામાં :
છેલ્લી પળે જંજીર જડી તેં હળવાફૂલ ગળામાં!
અંતે મોહ્યો તું મૃગલામાં!
મહેનત કરી કરી મંદિર બાંધ્યું મોહનનું મનડામાં :
ભજ્યા ચતુર્ભુજ અચલ રહી, પછી ચળ્યું ચિત્ત ચપલામાં!
અંતે મોહ્યો તું મૃગલામાં!
ખેડ કરી શોણિત સીંચીને જિંદગીના વગડામાં :
ચાંપી દીધી ચિનગારી અંતે રે લેલુંબ ખળામાં!
અંતે મોહ્યો તું મૃગલામાં!
[‘રામ, તારો દીવડો’ પુસ્તક]