સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/છતાં માનું —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

છે લાંબા પ્રવાસો ને ટૂંકી છે દૃષ્ટિ,
ને કમજોરીઓ તો, ભરી આખી સૃષ્ટિ!
અમૃતનું ટીપું મળે ના મળે, પણ
થતી રે’તી વણમાગી વિષ કેરી વૃષ્ટિ!
નિરાશાનાં કારણ હઝારો હું ભાળું —
છતાં માનું : માનવનું ભાવિ રૂપાળું!...
કબૂલ! કંટકોથી ભરેલી ધરણ છે,
ને ચિરાતાં ડગલે ને પગલે ચરણ છે;
જુવો જ્યાં જ્યાં ત્યાં કોઈ ને કોઈ રૂપે
ઊભું ગ્રાસ કરવા ભયાનક મરણ છે!
દશે દિશ ભભૂકે અગન કેરી નાળું —
છતાં માનું : માનવનું ભાવિ રૂપાળું!...
ભરી જેટલી આ જગતમાં અગન છે,
વધુ તેથી માનવના ઉરમાં લગન છે;
જગત રીઝતું છો રિબાવીને એને,
અરે, એ તો મહોબતને માર્ગે મગન છે!
ભલે ડારતી ભૈરવી મુંડ-માળું —
છતાં માનું : માનવનું ભાવિ રૂપાળું!...
એ રિબાય છે, એ સડે છે, રડે છે;
હઝારો વખત, ચાલતાં એ પડે છે;
એ ત્રાસે છે, નાસે છે શ્વાસભર્યો, પણ
ગમે તેમ તોયે એ હરદમ લડે છે!
પળે પળ ભરખતી ભલે એને ઝાળું —
છતાં માનું : માનવનું ભાવિ રૂપાળું!...