સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/શતાબ્દીનો જલસો!
[ગાંધી શતાબ્દી વરસમાં કવિ અમદાવાદ ગયા હતા અને રમખાણોમાં ફસાઈ ગયા હતા. પૂરા બે દિવસ તો તેમને અમદાવાદ સ્ટેશને રોકાઈ રહેવું પડ્યું હતું. આ કાવ્ય સ્ટેશન પર જ લખાયું છે.]
શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે :
ઉરે વૈર-વૃત્તિ, કરોમાં છરા છે,
પૈશાચી પગની ગતિમાં ત્વરા છે,
અહિંસાના યોગીનું આસન હતું જ્યાં
અરે તે જ આ રક્તછલતી ધરા છે.
રે સંતોની યે શ્રદ્ધા જ્યાં ડગડગે છે!
શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે!
સરે-આમ સળગે છે માનવ્ય-માળા,
ઊભાઊભા અનાથો જો ભરતા ઉચાળા :
પ્રભુસૂના આકાશે ફરિયાદ કરતા
ધસે સ્થળેસ્થળે ઓશિયાળા ધુમાડા :
ગુનેગારને બે-ગુનાહ રગરગે છે!
શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે!
હજુ કાલ જ્યાં ઊડતી પ્રીતિ-છોળો,
ગવાતાં જ્યાં ભક્તિભર્યે કંઠ ધોળો,
તે ‘મારો’! ને ‘કાપો’ના ગોઝારા નાદે
રહી ગાજી બેબાકળી આજે પોળો :
ચુંથાયે છે ચકલાં : ફણી ફગફગે છે!
શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે!
હરિ-ઉર ભોંકાય છે આજ ભાલા :
છે ગમગીન લાચાર અલ્લાહતાલા;
આ આદમની ઓલાદ? બ્રહ્માની સૃષ્ટિ?
કે શેતાને પકવ્યા કો’ નિષ્ઠુર નિંભાડા?-
જેની તિરછી દૃગમાં ઝનૂન તગતગે છે!
શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે!
છે મહતાજ મસ્જિદ ને મંદિર રડે છે :
જગન્નાથ ના ક્યાંય ગોત્યા જડે છે :
રે આઝાન દઈ દઈને બેજાન નાહક
થયેલો તે મુલ્લાં લૂલો લડથડે છે.
રે ઝાંખપ છે આંખે, પસીનો પગે છે!
શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે!
પડ્યા બંધને બાપુનાં પુણ્ય-ખ્વાબો :
થયાં મુક્ત શેતાનરંગી શરાબો.
ને સૂરતી ને સુસ્તી ને સત્તાપરસ્તીની
મસ્તીમાં અવળા પડ્યા ઇન્કિલાબો!
ઇમારત જુઓ, પાયાથી ડગડગે છે!
શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે!…
નવાઈ નથી કંઈ, સદા આવું ચાલે!
મવાલી જ મુફલીસી પે ફૂલેફાલે :
પરંતુ ઉઠાવી છે ગાંધીને નામે
આવી ઘોર આંધી, તે આત્માને સાલે!
કવિ-ઉર રોષે, તેથી ધગધગે છે!
શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે!…
નથી બળતાં મંદિર, નથી બળતી મસ્જિદ :
નથી રડતો મુલ્લાં, નથી રડતો પંડિત :
બધે એક ઇન્સાનિયત રડતી, સૂરત
અરે, એક કિરતારની થાતી ખંડિત.
ધસે લાવા જલતો જેની રગરગે છે!
શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે!
[‘જન્મભૂમિ’ દૈનિક : ૧૯૬૯]