સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કલાપી/એક પત્ર
લાઠી, ૧૪-૧-[૧૮]૯૮ દેશહિત! દેશહિત શું? મારા હૃદયની પહેલી જ ચિનગી એ હતી. કાંઈ જોયું, કાંઈ નિરાશા આવી. એ બધું કિસ્મતને જ સોંપી દેવા જેવું લાગ્યું. હું કે આપણી કોંગ્રેસ પણ થોડું જ કરી શકે તેમ છે. કાંઈ પણ સંગીન કાર્ય થાય તેને માટે તો કોઈ મધુર પક્વતાને સમયે કોઈ મહાવીર કે મહાત્મા જાગી આવશે. અને તે જ સર્વ કરશે. અત્યારે જે કોઈ મહાપુરુષો દેખાય છે, તે માત્ર તે મહાત્માનાં અપક્વ અંગો, જેવાં ગર્ભાશયમાં હોય તેવાં જ છે; કોઈ એકાદ આંગળીનું પોચું ટેરવું છે, તો કોઈ હજુ નહીં ઊઘડેલી એવી આંખ છે. એ એક પૂર્ણ શરીર બંધાયું નથી ત્યાં સુધી કશું જ થવાનું નથી. મને પોતાને તો આ દુનિયા પર આવવાનું ગમતું નથી. જે કોઈ હવાઈ મહેલમાં મારો વાસ છે ત્યાં જ મારું જીવિત છે. હું એથી પણ વધારે જાણું છું અને તે નક્કી જાણું છું કે મારા જેવાં એ હવાઈ મહેલ છોડી દુનિયા પર આવવાથી પણ કશું શુભ કરી શકવાનાં નથી. મેં માત્ર જોયા કર્યું છે, જે કાંઈ લાગે તે લાગવા દીધું છે. અને હવે તો બહુ લાગતું પણ નથી. મારો આ નિર્વેદ કશાથી ખસી શકતો નથી. હું સુખી છું કે દુઃખી એ ઘણી વખત હું સમજી શકતો નથી. અને સમજવા યત્ન કરતો નથી. હું કસરત કરું છું, હું ખાઉં છું, હું આ શરીરને પુષ્ટ રાખું છું તે માત્ર સારી રીતે રોઈ શકાય તેટલા માટે જ. મારી બધી આશા ઊડી ગઈ છે. કોઈ પણ આશા મેળવવા મથવું એ વ્યર્થ ભાસે છે. હું જન્મ્યો અને મરી જઈશ એટલું જ હું જાણું છું. અને એટલું માનું છું કે તેમાં કશી અયોગ્યતા નહીં જ હોય. આખું બ્રહ્માંડ એથી વિશેષ કાંઈ પણ કરતું હોય એમ મને લાગતું નથી. કવિતા! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. ફરીથી કહેવા દો કે મિલ્ટન કે શેક્સ્પિયર હિંદુસ્તાનમાં હમણાં નથી. અને બહુ કાલ સુધી આવવાના નથી. અહીં કોઈને કવિ કહેતાં તે શબ્દને જ હલકો કરવા જેવું છે. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. અને મારી કવિતા પણ તેવી જ છે. હું જે કાંઈ લખું તે મને જ આનંદ આપી શકે તેવુંયે થતું નથી. હું શેલી કે શેક્સ્પિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઈ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું. [‘કલાપીના ૧૪૪ પત્રો’ પુસ્તક]