સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાંતિ ભટ્ટ/ભંગારના ફેરિયામાંથી રેઝરનો રાજા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આજથી ૧૫૦ વર્ષ પહેલાંનો જમાનો રોદણાં રડવાનો નહોતો. ધરતીમાં પાટુ મારીને પાણી કાઢવાનો અને અમેરિકામાં અવનવી શોધો કરવાનો જમાનો હતો. એ સમયે ૫ જાન્યુઆરી ૧૮૫૫ના રોજ, જેણે સેફટી રેઝરની શોધ કરી તે કિંગ જિલેટનો જન્મ થયો. કિંગ જિલેટ હજી સ્કૂલમાં ભણતો હતો ત્યાં જ તેના મકાનને આગ લાગેલી. સૌ ઘરબાર વગરનાં થઈ ગયેલાં. મા-બાપ અને દીકરાએ ભેગાં મળી એક કાચું પતરાનું મકાન બનાવી લીધું. સવારે કિંગ જિલેટ રોજ ફેરી ફરવા નીકળે. લોખંડના ભંગારથી માંડીને ફેક્ટરીનાં ઓજારોની ફેરી કરવા માંડ્યો. સરકારની વાત જવા દો, કોઈ પાડોશીની મદદ પણ ન લીધી. ખીલા, ખીલી, હથોડી, મિજાગરા જે કાંઈ હાથ લાગે તેની ફેરી કરી. ફેરીમાં બહુ પૈસા ન મળ્યા, પણ સવાર-સાંજ બ્રેડ માટેના પૈસા મળી રહેતા. મહેનત જેટલી કમાણી ન થતાં કિંગ જિલેટ એક હાર્ડવેરની દુકાનમાં નોકરીએ રહી ગયો. દુકાને નોકરી કરતો હોય ત્યારે ઘરાકને કહે: મારું નામ કિંગ જિલેટ છે. વારંવાર ‘કિંગ’ નામની બડાઈ મારનારા આ છોકરાને તેના શેઠે કહ્યું: “તું હજી માત્ર નામથી ‘કિંગ’ છો, પણ જો ખરેખર કિંગ થવું હોય તો મને એવી ચીજ શોધી આપ કે જેની રોજ જરૂર પડે અને એક વખત વાપર્યા પછી ફેંકી દેવી પડે.” એ જમાનામાં હજી બ્લેડ અને સેફ્ટી રેઝરની શોધ થઈ નહોતી. ૧૫૦ વર્ષ પહેલાં લોકો હજામની રાહ જુએ અગર દેશી અસ્ત્રાથી જાતે હજામત કરે. તેમાં લોહી નીકળે અને ખૂબ સમય લાગે, છતાં દાઢીના ઘણા ઠૂંગા રહી જાય. શેઠે કિંગ જિલેટને મહેણું માર્યું, ત્યારથી આ છોકરો—જે કોલેજમાં કે ટેક્નોલોજીની સ્કૂલમાં ભણ્યો નહોતો તે—દાઢીના વાળને બોડવાની સેફ્ટી રેઝરની શોધમાં લાગી ગયો. માનવીની દાઢી ઉપરના વાળ-ઠૂંગાની સંખ્યા ૧૫,૦૦૦ હોય છે. દરેક માનવી તેના જીવનમાં ૨૭.૫ ફૂટ લાંબી દાઢીના વાળ ઉગાડે છે. તેની હજામત કરવામાં કુલ ૩,૩૫૦ કલાક જાય છે. બની શકે તેટલા ઓછા કલાક થાય અને લોહી ન નીકળે તેવું સેફ્ટી રેઝર શોધીને પછી એ રેઝરની બ્લેડ એક વખત વાપરીને ફેંકી દેવાય તેવી કરામત કિંગ જિલેટે કરવાની હતી. લાઇબ્રેરીમાં જઈને કિંગ જિલેટ વાળ અને અસ્ત્રા વિશે વાંચવા માંડ્યો. તેણે વાંચ્યું કે સમ્રાટ નેપોલિયન હંમેશાં દાઢી કરાવવાથી ડરતો. કોઈ હજામના હાથમાં અસ્ત્રો જોઈને તેની સામે દાઢી ધરી દેવાનું તેને જોખમી લાગતું હતું. અસ્ત્રાની પણ શોધ થઈ નહોતી, ત્યારે માનવી ધારદાર છીપલાં કે શાર્ક માછલીના તીણા દાંત અને પોલિશ કરેલા ચકમકના પથ્થરથી દાઢી કરતો. જૈન મુનિઓ હાથેથી દાઢીના વાળ ખેંચે છે, તેમ ઉત્તર અમેરિકાના રેડ ઇન્ડિયનો ચીપિયા વડે વાળને ખેંચી કાઢતા. ઇજિપ્તના લોકોએ બનાવી કાઢ્યો કાંસાનો અસ્ત્રો. પછી રાજા માટે સોનાનો અસ્ત્રો પણ શોધાયો. જિલેટે પણ સોનાનું રેઝર બનાવીને પ્રમુખ રૂઝવેલ્ટને ભેટ આપેલ. સેફ્ટી રેઝરની શોધ માત્ર જિલેટ જ કરતો નહોતો. જિન જેક્સ પેરેટ નામના એક ફ્રેન્ચ રસોઇયાનો શેઠ ચોખ્ખાઈનો આગ્રહી હતો. તેણે રસોઇયાને કહ્યું કે દાઢી બનાવીને પછી જ રસોઈ બનાવવી. જિન જેક્સ પેરેટે ઉતાવળમાં દાઢી કરી અને વઢાઈ ગયો. ખૂબ લોહી નીકળ્યું અને પછી ચામડીનો રોગ થયો, ત્યારથી તે પોતે સેફ્ટી રેઝરની શોધમાં પડેલો. જો કે તેનાથી શોધ થઈ નહીં. જિલેટના શેઠે પણ તેને કહેલું કે, સેલ્સમેન તરીકે તારે રોજ દાઢી બોડીને જ દુકાને આવવું. એક દિવસ જિલેટ સવારે અસ્ત્રાથી દાઢી કરવા ગયો, પણ બુઠ્ઠી ધારથી વાળ કપાય જ નહીં. આખરે હજામ પાસે જવું પડ્યું. એ દિવસે તેણે સંકલ્પ કર્યો કે, સેફ્ટી રેઝર શોધવું જ. તેણે વિલિયમ નિક્સન નામના શોધકની મદદથી રેઝર અને સ્ટીલની બ્લેડ વિકસાવી કાઢ્યાં. ૧૯૦૩માં તેની ૧૪ ડઝન બ્લેડ અને ૫૧ રેઝર વેચાયાં. જિલેટે સેફ્ટી રેઝર અને સેફ્ટી બ્લેડ શોધ્યા પછી એક જ વર્ષમાં ૯૦,૦૦૦ બ્લેડ અને સવા કરોડ સેફ્ટી-રેઝર વેચ્યાં. ત્યારે પછી હજામોએ હજામતનો ધંધો છોડીને જિલેટની બ્લેડ અને રેઝર વેચવા માંડ્યાં. જિલેટે ૧૯૦૪માં સેફ્ટી રેઝરની પેટન્ટ લીધેલી, તે અમેરિકન કાનૂન પ્રમાણે સોળ વર્ષમાં ખતમ થઈ. એટલે નવી નવી જાતની બ્લેડ બજારમાં મૂકવા જિલેટે એક રિસર્ચ ખાતું ખોલ્યું. એક જમાનામાં શિકાગોની શેરીમાં ખીલા, ખીલી અને જૂનાં ઓજારો વેચનારો ભંગારનો ફેરિયો જિલેટ ૧૯૫૦માં ખરેખર રેઝર ઉદ્યોગનો કિંગ બની ગયો. તે પદ જાળવવા જિલેટે તેની કંપનીમાં એક અત્યાધુનિક લેબોરેટરી ઊભી કરેલી. તેમાં ૮૮ જેટલા સાયન્ટિફિક જાણકારો રાખેલા. ધાતુશાસ્ત્રીઓ વધુ ને વધુ ધારદાર સ્ટીલની પતરી બને તેની શોધ કરતા. જિલેટના મૅનેજરોએ એક બિલિયન ડોલરને ખર્ચે એક જબ્બર રિસર્ચ પ્રોગ્રામ શરૂ કર્યો. યુરોપની ‘બીક’ નામની કંપનીએ ડિસ્પોઝેબલ બ્લેડ-રેઝર બહાર પાડ્યું. એટલે જિલેટે પણ એક વખત વાપરીને ફેંકી દેવાનું રેઝર બનાવવા માંડ્યું. આજે જગતભરમાં ૬૬ ટકા જેટલા લોકો જિલેટનાં રેઝર વાપરે છે. જિલેટ આજે રેઝરનો રાજા છે, ‘ધ ન્યૂયોર્કર’ જેવા સાહિત્યના મેગેઝિને આ બ્લેડ ઉપર જ એક આવરણકથા છાપી છે અને જિલેટ ઉપર જ પીએચ.ડી.નો અભ્યાસ પણ થાય છે. [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]