સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/અધિકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          કોઈ પણ શિક્ષણસંસ્થામાં મોટામાં મોટો અધિકાર તો વિદ્યાર્થીઓને ભણાવવાની છૂટ, તેમના પર અસર પાડવાની તક, એ જ છે. તે જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી બીજા અધિકારો મળે કે ન મળે એની દરકાર સાચા શિક્ષકોને ન હોય. કોઈ પણ સંસ્થામાં આપણે થોડા દિવસને માટે હોઈએ કે કાયમને માટે, તે સંસ્થાનું આત્યંતિક હિત, તે સંસ્થાની પ્રતિષ્ઠા અને વાતાવરણની પવિત્રાતા એ ત્રાણે વસ્તુ વિશે ઇંતેજારી આપણામાં પૂરેપૂરી હોવી જોઈએ. એક દિવસને માટે ભણાવતા હોઈએ તોપણ સંપૂર્ણ નિષ્ઠાથી ભણાવવું, એ તો પ્રામાણિક સેવામાં આવી જ જાય છે. એ તો માણસની પોતાના પ્રત્યેની જ ફરજ છે. શિક્ષકોએ એ પણ ન ભૂલવું જોઈએ કે દરેક દિવસ એ પોતાની લાયકાત વધારવાની એક અસાધારણ તક છે. ભણાવવામાં એક દિવસને માટે પણ જો આપણે બેદરકાર કે નિરુત્સાહ થઈએ, વેઠ ઉતારીએ તો આપણી ઉન્નતિનો એક દિવસ આપણે ખોયો ગણવો જોઈએ.