સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/આત્મીયતા ને અલિપ્તતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ગામડામાં જઈને ત્યાંના લોકોની સેવા કરવાના આદર્શને અમલમાં મૂકનારાઓમાં જેમ શ્રી જુગતરામભાઈ છે, તેમ શ્રી બબલભાઈ પણ છે. બન્નેમાં એક ભેદ છે. શ્રી જુગતરામભાઈને સેવા માટે સંસ્થાઓ ઊભી કરવાનો, ચલાવવાનો અને તેનો વિસ્તાર કરવાનો અનુભવ છે. તેમાં તેમને સફળતા પણ મળી છે. આ બાજુ શ્રી બબલભાઈએ કદી કોઈ સંસ્થા ખોલવાનો વિચાર સરખો નથી કર્યો. તેઓ મુક્ત સેવક થઈને ગુજરાતભરમાં ફરે છે, અનેક સંસ્થાઓમાં રહી ત્યાં આત્મીયતાથી સેવા કરે છે, અને છતાં અલિપ્તના અલિપ્ત. એમની પોતાની એવી એકપણ સંસ્થા નથી. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા પ્રવૃત્તિ સાથે સમરસ થઈ સેવા કરવામાં પૂરેપૂરું તાદાત્મ્ય હોવું જોઈએ. સાથેસાથે, મોહવશ ન થતાં અલિપ્તભાવ પણ તેની સાથે તેટલો જ હોવો જોઈએ. આવું તાદાત્મ્ય અને તાટસ્થ્ય એક જ વસ્તુ પ્રત્યે જે એકીસાથે કેળવી શકે, તેને હું યોગી કહું છું. એવો અદ્ભુત સેવાયોગ બબલભાઈએ સાધ્યો છે. બધા લોકો અને બધી સંસ્થાઓ તેમની છે, છતાં તેઓ કોઈની સાથે બંધાયેલા નથી. સેવાધર્મથી પ્રેરિત થઈને જેમ અસંખ્ય સંસ્થાઓમાં તેઓ ભળી જાય છે, તેવી જ રીતે અનેક કુટુંબોમાં પણ બબલભાઈનો પ્રવેશ છે. લોકોની શક્તિ જોઈને એમને કટકે કટકે બોધ આપવો, એમની પાસે થોડું થોડું જીવન-પરિવર્તન કરાવવું, એ બબલભાઈની ખાસ હથોટી છે. લોકસેવાની એમની સફળતાની ચાવી આમાં જ રહેલી છે.