સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/કુશળ માળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          એક વાર ગાંધીજીને મેં પ્રશ્ન પૂછ્યો : “આપ અમ સહસાધકોના સાથી જ નહિ, માર્ગદર્શક પણ છો. અમારા દોષ આપ સહન કેમ કરો છો? અમને તે બતાવતા કેમ નથી?” ત્યારે એમણે કહ્યું કે, “હું એક કુશળ માળી છું. માળી શું કરે છે? એ એક છોડ વાવે એટલે એને ખાતરપાણી આપે. હવે, એ છોડની આસપાસ ઘાસ પણ ઊગે છે. એ ઘાસને પણ પેલું ખાતરપાણી મળે છે. છોડની દૃષ્ટિએ ઘાસ અનિષ્ટ છે. છતાંય માળી એને તરત ઉખેડી નથી નાખતો. એને ખબર હોય છે કે, ઘાસ ઉખેડવા જઈશ તો પેલો છોડ પણ કદાચ ઉખડી જશે. તેથી એ ધીરજ રાખે છે. પછી કાળાંતરે જ્યારે એને ખાતરી થાય છે કે હવે છોડનાં મૂળિયાં મજબૂત થયાં છે, ત્યારે જ એ કુશળતાપૂર્વક પેલું ઘાસ ઉખેડી નાખે છે.” ગાંધીજીની આ વાત સાંભળીને તે જ ક્ષણથી હું પોતાના આચારવિચારમાં ગાંધીજીને ન ગમતા કયા કયા દોષો છે તે શોધવાના પ્રયત્નો કરવા લાગ્યો. દોષો શોધવા અઘરા ન હતા. પરંતુ નજરે ચડેલા દોષોને ફેંકી દેવા એ કેટલું અઘરું છે, એની તે દિવસથી મને ખબર પડવા લાગી. [‘બાપુની છબી’ પુસ્તક]