સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/ગાંધીજીનું સ્ત્રી-હૃદય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ગાંધીજીના વખતમાં કેટલીક સ્ત્રીઓ અંગ્રેજી શીખીને [ભણીને] આગળ આવી. એમને વિશે ગાંધીજીને આદર હતો. એમની પાસેથી એમણે કામ પણ લીધું. પણ આ અંગ્રેજી શીખેલી બહેનો કનેથી એમણે બહુ મોટી અપેક્ષા રાખી ન હતી. એ કહેતા : “મારે એક મોટો ઉઠાવ કરવો છે. એને માટે અશિક્ષિત બહેનો અને અંગ્રેજી ન જાણનાર મધ્યમ વર્ગની બહેનોને જગાડવી જોઈશે.” આશ્રમમાં ગાંધીજી બહેનો માટે ખાસ વખત કાઢવા લાગ્યા. આનું અદ્ભુત પરિણામ આવ્યું. સ્ત્રીઓમાં એક નવી જાગૃતિ દેખાવા લાગી. દાંડીકૂચ વખતે આશ્રમના ઘણાખરા પુરુષો રણાંગણ પર ઊતરી પડ્યા, ત્યારે આશ્રમ ચલાવવાની જવાબદારી બહેનોએ સંભાળી. બધાં ખાતાં સરસ સાચવ્યાં. આશ્રમ બહારની બહેનોએ પણ જ્યાં-ત્યાં મોટાં કામ કર્યાં. દારૂબંધીના કામમાં તો એમનો ફાળો ઘણો મોટો હતો. બાપુજીએ બહેનોને કઈ રીતે તૈયાર કરી, એ જાણવું હોય તો બાપુજીએ એમને જે પત્રો લખ્યા છે તેનો અભ્યાસ કરવો જોઈએ. [‘બાપુના પત્રો : આશ્રમની બહેનોને’ : સં. કાકા કાલેલકર] લોકોએ શ્રીકૃષ્ણ વિશે જે લખી રાખ્યું છે તેટલા પરથી શ્રીકૃષ્ણની બરાબર કલ્પના કરી શકાતી નથી. તો પણ ગાંધીજીને સમજવા માટે શ્રીકૃષ્ણની વિભૂતિને સમજવી અત્યંત જરૂરી છે. ગાંધીજીનું હૃદય સ્ત્રી-હૃદય જ હતું. સ્ત્રીઓમાં કોમળતા હોય છે. નમ્રતાને લીધે કહો અથવા દીર્ઘદક્ષિતાને લીધે, સંઘર્ષને બદલે સમજૂતી પર તેમની અધિક શ્રદ્ધા હોય છે. અભિમાની માણસ આગળ માથું નમાવી, એને બીજી રીતે હરાવવાની એક પદ્ધતિ એમની પાસે છે. પ્રેમનો દ્રોહ કર્યા વગર, કારુણ્યનો સ્રોત સૂકવ્યા વિના સ્ત્રીઓ તેજસ્વિતા દાખવી શકે છે. ગાંધીજીનો અહિંસક પ્રતિકારનો માર્ગ આ સ્વભાવ માટે અનુકૂળ હતો. બીજું કે, ગાંધીજીની આગળ સ્ત્રીઓ તદ્દન નઃસંકોચપણે વાતો કરતી. એમની શક્તિ-અશક્તિ ગાંધીજી જાણતા. એમની અશક્તિ દૂર કરી એમની શક્તિ મજબૂત કરવાનું કામ બાપુજીએ જેવું કર્યું તેવું, શ્રીકૃષ્ણનો અપવાદ છોડીએ તો, બીજા કોઈ યુગપુરુષે કરેલું નથી.