સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/જીવનકલાનું લક્ષણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સેવાગ્રામમાં એક દિવસ સેવાદળના સ્વયંસેવકો ગાંધીજીને મળવા આવ્યા. ડ્રિલ અને કવાયતની તેમની સુંદર તૈયારી ગાંધીજીને દેખાડી તેમના આશીર્વાદ લેવા હતા. ગાંધીજીએ કવાયત વગેરે જોઈ પોતાનો સંતોષ વ્યક્ત કર્યો. સંચાલકે બે શબ્દ કહેવાની ગાંધીજીને પ્રાર્થના કરી. સ્વયંસેવકો દૂર કતારમાં બેઠા હતા. ગાંધીજીએ કહ્યું : “મારા બે શબ્દ સાંભળવા હોય તો નજીક આવો.” સૂચના સાંભળતાં જ બધા સ્વયંસેવકોનું ટોળું હુડુડુડુ કરતું ઊભું થયું અને ગાંધીજીની નજીક અવ્યવસ્થિત રીતે ઊભું રહ્યું. ગાંધીજીએ કહ્યું : “તમે લોકો તાલીમબદ્ધ છો. કતારમાં કેમ ચાલવું, કેમ દોડવું, એનો સુંદર પ્રયોગ હમણાં જ તમે દેખાડયો હતો. તમે લોકો જ્યાં બેઠા હતા ત્યાંથી મારી પાસે આવવામાં એ જ વિદ્યા કામે લગાડી હોત, તો મને ખૂબ આનંદ થાત. કતારમાં રહીને ઊભા થઈ ઝડપથી ચાલતા મારી નજીક આવી અર્ધા વર્તુળમાં આગળના લોકો બેસી ગયા હોત અને પાછળવાળા ઊભા રહ્યા હોત, તો તમારી કવાયત કામમાં આવી હોત. કવાયત માત્ર દેખાડવા માટે નથી, રોજબરોજના જીવનને વ્યવસ્થિત કરવા માટે હોય છે.”

શાંતિનિકેતનમાં હું પાંચ-છ મહિના રહ્યો. એ દરમ્યાન કવિવર રવીન્દ્રનાથને રોજબરોજના જીવનમાં અનેક સ્વરૂપે અને નજીકથી જોવાની તક મળી. ભાષામાં, અંગપ્રત્યંગના હાવભાવ અને દરેકની સાથેના વર્તાવમાં તેમની કલાત્મકતા સુંદર રૂપે પ્રગટતી હતી. પ્રસન્નતા, નારાજી અથવા ગુસ્સો વ્યક્ત કરવામાં પણ તે કદી જીવનકલાની મર્યાદા ભૂલતા નહીં. રોજબરોજની એમની ઉપયોગની ચીજો, કપડાં, લેખનસાહિત્ય, બધાંમાં તેમની કલાત્મક અભિરુચિ વ્યક્ત થતી હતી; અને હવે તો દુનિયા જાણે છે કે કવિતા બનાવતાં કાગળ પર તેમને જે કાપકૂપ કરવી પડતી તેને પણ તેઓ કલાત્મક રૂપ આપી શકતા.