સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/જીવવું એટલે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          જીવવું એટલે ગરમી ટકાવવી, એ મહાન ભૌતિક સત્ય છે. ખોરાક ખાઈએ છીએ, કપડાં પહેરીએ છીએ, ગુફાની અંદર કે મહેલમાં રહીએ છીએ, મહેનત કરીએ છીએ, એ બધી પ્રવૃત્તિ શારીરિક ઉષ્ણતા ટકાવવા ખાતર જ છે. તડકો ઓછો મળે તો તેલ-ઘી જેવી ચરબી ખાઈને માણસ પોતાની ઉષ્ણતા ટકાવે છે. કપડાંને અભાવે વૈરાગીઓ શરીરે ભસ્મ ચોળે છે. ભૌતિક ક્ષેત્રમાં હૂંફ વગર માણસનું ચાલતું નથી. પ્રેમના ક્ષેત્રમાં પણ હૂંફની એટલી જ જરૂર હોય છે. જુદાઈ એ ટાઢ છે. મરણની વાટ છે. એ ટાળવા માટે પ્રેમ દ્વારા માણસો એકબીજામાં ઓતપ્રોત થાય છે. ભૌતિક ક્ષેત્રમાં શારીરિક શ્રમથી ઉષ્ણતા ટકાવાય છે તેમ અહીં ત્યાગ, સેવા, આત્માર્પણ અને બલિદાનથી પ્રેમની હૂંફ વધારાય છે. આ પ્રેમની વિશ્વમૂર્તિ પ્રત્યક્ષ ભગવાન છે. એ પ્રેમસૂર્યને કવિએ મહાનલને નામે સંબોધ્યા છે. એ પ્રેમનો એક તણખો પણ જો મળી જાય, તો મનુષ્યજીવન કૃતાર્થ થઈ ગયું. પ્રાર્થના કરવી હોય તો ધન, દોલત, સામર્થ્ય, પ્રતિષ્ઠા કે રાજપાટ, એવી દુન્યવી સગવડો માટે શીદને કરીએ? એ એક ચિનગારી મળી, જીવનમાં પ્રેમનો પ્રાદુર્ભાવ થયો, એટલે જીવન કૃતાર્થ થયું. [‘ભજનાંજલિ’ પુસ્તક: ૧૯૭૪]