સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/ધર્મયુદ્ધના નિયમો
ગાંધીજીએ નાનીમોટી લડાઈઓ લડવામાં જ જિંદગી ગાળી છે. લડવા સારુ જ તેમનો જન્મ છે, એમ કહીએ તો પણ ચાલે. અને છતાં તેમણે એક પણ માણસ સાથે વેર રાખ્યું નથી.
દક્ષિણ આફ્રિકામાં તેમનાથી વિરુદ્ધ વિચાર ધરાવનાર કેટલાક લોકોનું એક મંડળ જનરલ સ્મટ્સને મળવા ગયું હતું. પોતાની વાત સ્મટ્સના મન પર બરાબર ઠસાવવા જેટલું ભાષાનું જ્ઞાન અથવા કુશળતા તેમના કોઈનામાં ન હતાં. તેમણે ગાંધીજીને જ વિનંતી કરી કે, આપ અમારે ખાતર આટલું કામ કરી આપો. ગાંધીજીએ તે કામ કરી આપવાનું કબૂલ કર્યું અને એ લોકોને પૂરેપૂરો સંતોષ આપ્યો.
આ પ્રસંગમાં ગાંધીજીનું અજાતશત્રુપણું જેટલું જોવામાં આવે છે, તેટલી જ પોતાના વિરોધીના આ ગુણની કદર કરી તેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકનાર પેલા ભાઈઓની શ્રદ્ધા પણ તરી આવે છે. પોતાની ખેલદિલીથી ગાંધીજીએ કેટલાયે શત્રુને મિત્રા બનાવ્યા છે, કેટલાયે જણને સજ્જનતાના પાઠ ભણાવ્યા છે, અને જ્યાં દ્વેષ ને છેતરપિંડીનું રાજ્ય હતું ત્યાં ધર્મયુદ્ધના નિયમોને માન્યતા અપાવી છે.