સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/ધર્માન્તર અને શુદ્ધ વિચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આપણા દેશના અસંખ્ય હિંદુઓએ જુદાં જુદાં કારણસર ધર્માન્તર કર્યું છે તેથી અસહાય હિંદુઓ ઘણા નારાજ થયા છે, દુઃખી થયા છે અને કેવળ વિવેક જ નહીં, ધાર્મિકતા પણ ભૂલી ગયા છે. હું કબૂલ કરું છું કે કેટલાક હિંદુઓને વિદેશી રાજ્યકર્તાઓએ જબરદસ્તીથી વટલાવ્યા. કેટલાકે વિધર્મી રાજ્યકર્તાઓની ખુશામત કરી લાભ મેળવવાની લાલચથી ધર્માન્તર કર્યું. પણ હિંદુ ધર્મમાં નીચેની કોમો પ્રત્યે જે અન્યાય-અત્યાચાર થતા આવ્યા છે, અને આજે પણ થાય છે, તેથી અકળાઈને ધર્માન્તર કરનારાઓની સંખ્યા સહુથી વધારે છે, એ આપણે કેમ ભૂલી જઈએ? અને મૂળે કોઈએ કયા ઉદ્દેશથી ધર્માન્તર કર્યું એ સવાલ કોરે મૂકીએ, અને એટલું જ ધ્યાનમાં લઈએ કે આપણા હાડના હાડ અને માંસના માંસ એવા ભાઈભાંડુઓ જે ધર્મોનું આજે નિષ્ઠા અને સંતોષપૂર્વક પાલન કરે છે, ત્યારે એમના પ્રત્યે તેઓ સ્વકીય છે એટલા જ માટે ચીડ શાને સેવીએ? મુસલમાનો અને ઈસાઈઓ ભલે કહેતા હોય કે, અમારો ધર્મ સાચો અને શ્રેષ્ઠ છે, બીજા બધા ધર્મો ઊતરતા છે; એવી એમની વાત આપણે ન સ્વીકારીએ, એમનાં અજ્ઞાન અને અભિમાનની દયા ખાઈએ. પણ એમના ધર્મો, એ ધર્મોના સંસ્થાપકો અને એમના ધર્મગ્રંથોની અવગણના શા માટે કરીએ? તેઓ આપણા ધર્મની નિંદા કરે છે એટલા માટે ચિડાઈને આપણે એમના ધર્મની નિંદા કરીએ, તો આપણે એમના જેવા થયા; એમના અનુયાયી અને શિષ્ય થયા. એ આપણને છાજે? આપણે તો પાળીએ પોતાનો જ ધર્મ. એમાં ખામીઓ હોય તો તે સુધારી દઈએ. બીજા ધર્મોમાં કાંઈ સારું જડતું હોય, તો તે સ્વીકારીને આત્મસાત્ કરીએ અને લોકો માટે ઉત્તમ દાખલો બેસાડીએ. મારા ધર્મને વિશુદ્ધ અને સમૃદ્ધ કરીને હું એની સેવા કરું અને સર્વ ધર્મ પ્રત્યે આદર રાખી બધા ધર્મોનું હું એક કુટુંબ બનાવું, એ જ ભારતીય સંસ્કૃતિનું મિશન છે. એ જે ઓળખે, તે જ હિંદુ ધર્મને અને સંસ્કૃતિને ઉત્તમ રીતે જાણે છે. આપણે ત્યાં કેટલાય શાક્તો વૈષ્ણવ થયાના દાખલા છે. કેટલાય વૈષ્ણવો જૈન થયાના દાખલા પણ છે. કરોડો હિંદુઓ બૌદ્ધ પણ થયા અથવા શીખ થયા, તેની સામે કોઈએ હોહા કરી નથી. અને કરોડો બૌદ્ધો પોતાનો વંશપરંપરાગત ધર્મ છોડી હિંદુ થયા, એનો તો આપણે મોટો વિજય માનવા લાગ્યા. જ્યારે એની બેસંટ અથવા સિસ્ટર નિવેદિતા હિંદુ ધર્મનો સ્વીકાર અને બચાવ કરે, ત્યારે તો આપણે રાજી થઈને તાળીઓ વગાડીએ છીએ; એટલું જ નહીં, એમને ચરણે પણ બેસીએ છીએ. પછી ધર્માન્તરનો આટલો ક્ષોભ શાને?

આપણા કવિ મણિશંકર રત્નજી ભટ્ટ અને મણિલાલભાઈ પારેખ, બંનેનું ધર્માન્તર જબરદસ્તીનું અથવા લોભપ્રેરિત ન હતું. બંનેએ સ્વેચ્છાથી ધર્માન્તર કર્યું. મણિશંકરને પોતાના કુટુંબીઓ અને સમાજના સ્વજનોના ક્લેશને કારણે ઘણું વેઠવું પડ્યું, એટલે પોતાની ખ્રિસ્તભક્તિ કાયમ રાખવા છતાં તેઓ હિંદુ ધર્મમાં પાછા આવ્યા. જ્યારે, ગુજરાત મગરૂરી સાથે કહી શકે છે કે, ધર્માન્તરને કારણે મણિલાલભાઈને સ્વજનો તરફથી કશું વેઠવું ન પડ્યું. ઊલટું, ખ્રિસ્તી ધર્મપ્રચારક મિશનરીઓનું સર્વસામાન્ય વલણ જોઈ તેઓ અકળાયા, અને પોતાની ખ્રિસ્ત-ભક્તિ છોડયા વગર હિંદુ ધર્મ તરફ પાછા વળ્યા. ગુજરાતના આ બે દાખલા આખા દેશે અને હિંદુ સંસ્કૃતિએ અભ્યાસવા જેવા છે. આની સાથે એક ત્રીજો દાખલો રજૂ કરવા જેવો છે. છેલ્લા જમાનામાં મહારાષ્ટ્રના એક વિદ્વાન બ્રાહ્મણ ખ્રિસ્તી થયા. (હું કવિ નારાણ વામન તિલકની વાત નથી કરતો.) ન્યાતના લોકોએ એ ભાઈને ન્યાતબહાર મૂકવાનો મનસૂબો કર્યો. પણ એ ભાઈ પરિસ્થિતિને પહોંચી વળે એવા હતા. એમણે ન્યાતના આગેવાનો સામે ઊભા રહી પોતાનો બચાવ કર્યો. “હું ઈસા મસીહને માનું, એમાં તમારું શું ગયું? મેં ન્યાતનો એક્કે નિયમ તોડયો નથી, મેં અભક્ષ્ય ભક્ષણ કર્યું નથી, માંસ ખાધું નથી. કેટલાક બ્રાહ્મણો ચોરીથી શરાબ પીએ છે, મેં દારૂ પીધો નથી. હું ન્યાતબહાર પરણ્યો નથી અને ઈસાઈઓના કે કોઈ ભિન્ન જાતિના માણસના હાથનું ખાધું નથી. કયે આધારે તમે મને ન્યાતબહાર મૂકી શકો? ઈસા મસીહને માનવામાં હિંદુ ધર્મનો દ્રોહ થતો હોય તો મને શાસ્ત્રોમાંથી એવું વચન કાઢી બતાવો.” ન્યાત એને ન્યાતબહાર મૂકી ન શકી.

આખી દુનિયા જાણે છે કે મહાત્મા ગાંધી ‘બાઇબલ’નો નવો કરાર આદરભક્તિથી વાંચતા હતા. ઈસાનું ‘ગિરિપ્રવચન’ એમને ‘ગીતા’ જેટલું જ વહાલું હતું. ધર્માન્તર કર્યા વગર તેઓ ઈસુભક્ત બન્યા હતા, અને ઘણા સારા ઈસાઈઓ એમને સ્વધર્મી માનતા હતા એટલું જ નહીં, પણ કેટલાક તો એમને ઈસુનો અવતાર જ માનતા હતા. આપણા ધર્મગ્રંથોમાં ક્યાંય લખ્યું નથી કે ભગવાન હિંદુ ધર્મમાં જ, અથવા ભારતમાં જ અવતાર લેશે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીરની પેઠે જરથુષ્ટ્ર, મોહમ્મદ અને ઈસુને પણ આપણે ઈશ્વરના જ અવતાર ગણીએ અને તેથી હિંદુ ધર્મમાં સંતોષપૂર્વક રહ્યા છતાં દુનિયાના બધા માન્ય ધર્મોને અપનાવીએ.

ધર્માન્તરના વિષયમાં જાપાનનો અનુભવ ધ્યાનમાં લેવા જેવો છે. જાપાની લોકો મૂળે શિન્તોધર્મી — એટલે કે દેવદેવીઓની અને પિત્રોની ઉપાસના કરનારા. એમને ત્યાં ચીનમાંથી બૌદ્ધ ધર્મ પહોંચ્યો. એમને એ બધી રીતે ફાવતો આવ્યો. રાજ્યકુટુંબીઓએ એનો સ્વીકાર અને પ્રચાર કર્યો. આગળ જતાં, સ્વાભાવિક રીતે શિન્તો અને મહાયાની બૌદ્ધ ધર્મ ઓતપ્રોત થયા. પછી એમને ત્યાં ઈસાઈ ધર્મ ભારતમાંથી પહોંચ્યો. ભારતમાંથી આવેલો એ ધર્મ છે એમ સમજીને બિચારા કેટલાક જાપાની લોકોએ પ્રથમ આદરપૂર્વક એનો સ્વીકાર કર્યો. પાછળથી જોયું કે આ નવી વસ્તુ નથી ભારતીય અને નથી નિરુપદ્રવી. એટલે ચિડાઈને એ લોકોએ ઈસાઈ ધર્મનું કાસળ જડમૂળથી ઉખેડી નાખવાના અણઘડ પ્રયત્નો કર્યા. પરદેશથી કોઈ જાપાનમાં આવે નહીં, જાપાનીઓ કોઈ પરદેશ જાય નહીં, એવા કાયદાઓ કર્યા, કેટલાકે ઈસાઈઓથી અકળાઈ એમની કતલ પણ કરી. અંતે ડાહ્યા થયા અને બધા ધર્મોને પોતાને ત્યાં રહેવા દીધા. આજે ત્યાંનો કોઈ પણ નાગરિક શિન્તોધર્મી છે, બૌદ્ધ છે કે ઈસાઈ એની કોઈને પડી નથી. રાષ્ટ્રભક્તિમાં — જાપાન પ્રત્યેની નિષ્ઠામાં — બધા સરખા જ મજબૂત, સામાજિક દૃષ્ટિએ બધા છૂટથી એકબીજામાં ભળી જાય છે. કેટલાક ઈસાઈઓ બૌદ્ધ થાય છે, બૌદ્ધો ઈસાઈ થાય છે. સરવાળે કશું બગડતું નથી, અને... કશું સુધરતું ય નથી!!

આપણે ત્યાંનો ધર્મ-ધર્મ વચ્ચેનો સંબંધ સ્વાભાવિક નથી, પણ રોગી છે. એનો ઇલાજ રાજદ્વારી માંડવાળથી ન જ થઈ શકે. ધાર્મિકતાની કલ્પના જ વધારે શુદ્ધ કરવી જોઈશે. શુધ્ધ વિચારનો પ્રારંભ ગાંધીજીએ કર્યો અને ભારતીય સંસ્કૃતિનું શુદ્ધ ઉદાત્ત ને સર્વકલ્યાણકારી સમન્વયમૂલક સ્વરૂપ સમજાવ્યું. ગાંધીજીએ જોયું કે જો હિંદુઓ પોતાની પરંપરાગત સર્વધર્મસમભાવવાળી સંસ્કૃતિનું પાલન કરશે, તો એની અસર યથાકાળે ઈસાઈ અને ઇસ્લામી ધર્મસંસ્કૃતિ પર થવાની જ છે. ગાંધીજીની એ શ્રદ્ધા કેટલી સાચી છે એનું પ્રત્યંતર આપણે ઈસાઈઓના બદલાતા વલણના પ્રારંભમાં જોઈ શકીએ છીએ. [‘કાલેલકર ગ્રંથાવલિ’ : પુસ્તક ૬]