સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/ધર્મ-માર્ગનું ભાથું

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          બુદ્ધ ભગવાનના ઉપદેશનું અધ્યયન કરનારા સાધકોએ સૂચવ્યું છે કે ધર્મને માર્ગે જવું હોય તો મુસાફરીનું બધું ભાથું ‘ધમ્મપદ’માં મળી રહે છે. ‘ધમ્મપદ’ની ૪૨૩ ગાથાઓ જીવનને સમજાવનાર, દોરનાર એક એક મંત્રો છે. (જે વચનોનું મનન આપણું ત્રાણ કરે છે—રક્ષણ કરે છે—તે મંત્ર.) આ મૂળ મંત્રો બુદ્ધ ભગવાનના જમાનાની લોકભાષા પાલિમાં છે. ‘ધમ્મપદ’ના અનુવાદો દુનિયાની બધી ભાષામાં મળે છે. પણ ભક્તોને કેવળ અનુવાદ મળ્યેથી સંતોષ થતો નથી. એ અનુવાદ છંદોબદ્ધ થયો હોય તો ગાવાની અને યાદ રાખવાની સગવડ સચવાય છે. સમશ્લોકી અનુવાદ કરવાની ભાઈ વિજયશંકરની મહેનત સફળ નીવડી છે. પરિણામે આ ગુર્જરી ‘ધમ્મપદ’ની કેટલીક પ્રાસાદિક લીટીઓ લોકોને મોઢે ચઢવાની અને કેટલીક તો ભાષામાં કહેવત તરીકે ચલણી નીવડવાની. [‘ધમ્મપદ’ પુસ્તક: ૧૯૬૩]