સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/પ્રેમળ જ્યોતિ તારો દાખવી
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન-પંથ ઉજાળ.
દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવન-પંથ ઉજાળ.
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ; દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય…
કર્દમભૂમિ કળણભરેલી ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ
મને પહોંચાડશે નિજ દ્વાર.
રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદયે વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણ વાર.
કાર્ડિનલ ન્યૂમનના અંગ્રેજી ભજન ‘લીડ કાઈન્ડલી લાઈટ’નો આ અનુવાદ શ્રી નરસિંહરાવ દિવેટિયાએ કરેલો છે.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સામુદાયિક જીવન જીવવાનો પ્રારંભ કર્યો, ત્યારે ત્યાં રોજ સાંજે પ્રાર્થના થતી હતી. એમાં અંગ્રેજી ભજનો પણ ગવાતાં. એમાંથી એમને જે ભજન અત્યંત પ્રિય હતું તેના ગુજરાતી અનુવાદો, ભારત કાયમ માટે રહેવા આવ્યા ત્યારે, ગાંધીજીએ અનેક કવિઓ પાસેથી મંગાવ્યા. એમાં આ અનુવાદ એમને સૌથી વધારે ગમ્યો.
અને ખરેખર, ભાવ, ભાષા અને રાગ, બધી દૃષ્ટિએ આ ભજન એટલું સુંદર થયું છે કે અનુવાદ જેવું લાગતું જ નથી. એમ જ લાગે છે કે કવિ નરસિંહરાવ પોતાના જ હૈયાના ઉત્કટ ભાવો આમાં ઠાલવી રહ્યા છે. આ ભજનમાં મને અમારા તુકારામનું હૃદય જડયું.
[‘ભજનાંજલિ’ પુસ્તક : ૧૯૭૪]