સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/માધુકરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મહારાષ્ટ્રમાં એક અદ્ભુત સંસ્થા છે, તેનું નામ માધુકરી. ગરીબ વિદ્યાર્થીઓની ભણવાની સગવડ માટે ત્યાં માધુકરીની પ્રથા જૂના કાળથી ચાલતી આવી છે. એક ગામડાનો છોકરો દસ વરસનો થયો. એના મનમાં થયું કે, આપણે ભણીએ તો જ આપણો ઉદ્ધાર થાય. બસ! તેણે પોતાની મા પાસેથી બે-ચાર રોટલી, થોડી ચટણી, પૌંઆ અને ગોળ, એટલું લીધું અને ચાલ્યો શહેરમાં. કયું શહેર? ગમે તે — પૂના, સાપુતારા, વાપી, નાશિક, બેલગામ અથવા ઉમરાવતી. શહેરમાં જઈને બે— ચાર ઘેર તપાસ કરી કે રહેવાની જગા મળશે કે કેમ. જગા તો મફત જ જોઈએ. જગા ન મળી. છોકરો સીધો ગયો મંદિરમાં, અને એણે ત્યાં પોતાની પથારી પાથરી. બીજે દિવસે મળસકે ઊઠયો, નાહીધોઈ તિલક કરી નિશાળમાં કે શાસ્ત્રી પાસે ગયો. “ગુરુજી! મારે ભણવું છે.” ગુરુજી કહે, “ઠીક, બેસ ભણવા. તું ક્યાં રહે છે?” “હું કાલે જ આવ્યો છું. મુરલીધરના મંદિરમાં ઊતર્યો છું.” ગુરુજી પાસેથી પ્રથમ પાઠ લખી છોકરો દસ વાગ્યે પાછો આવ્યો. હાથપગ ધોઈને અબોટિયું પહેરી, હાથમાં ઝોળી લઈને બહાર નીકળ્યો. ઝોળી એટલે બે હાથ ચોરસ એક લૂગડું. એના બબ્બે છેડાની ગાંઠ વાળે છે ને વચ્ચે થાળી મૂકે છે. એક હાથમાં લોટો હોય. આટલું સાહિત્ય લઈને જે પોળમાં તે રહેતો હોય ત્યાં કોઈ ઘરના બારણા આગળ ઊભો રહીને છોકરો સ્પષ્ટ, શુદ્ધ અવાજે પોકારે છે : “ઓમ્ ભવતિ ભિક્ષાં દેહિ.” મોટું પીતાંબર પહેરેલી એક સ્ત્રી ઘરમાંથી બહાર આવે છે અને પૂછે છે : “અરે મુલા, તૂ નવીન દિસતોસ. તૂ કુઠલા? ઈકડે કોણાકડે શિકતોસ?” પ્રશ્નાોમાં તિરસ્કાર બિલકુલ નહીં. સહાનુભૂતિ પણ નહીં; તે તો છોકરાએ મેળવવી રહી. છોકરાએ ટૂંકામાં પણ નિખાલસ દિલથી જવાબ આપ્યા ત્યારે ‘કાકુ’ અંદર ગઈ અને એણે કડછી ભાત, રોટલાનો એક ટુકડો અને એકબે કડછી ખાટી દાળ, એટલું છોકરાને આણી આપ્યું. રોટલા ઉપર ઘીનાં એક-બે ટીપાં તો હોય જ. તમે કહેશો, કેટલી કંજૂસાઈ! પણ આવા પાંચ-દસ છોકરા તો માધુકરી માટે આવવાના, અને કાકુ બધાંને થોડું થોડું આપ્યા વિના ન રહે. આટલું લીધું અને ગયો તે છોકરો બીજાને ત્યાં. ત્યાં પણ “ઓમ્ ભવતિ ભિક્ષાં દેહિ!” ત્યાં પણ એવા જ સવાલ અને જવાબ. ત્યાં પણ એટલો જ ભાત, એટલો જ રોટલો અને એટલું જ ઘી મળ્યું. ખાટી દાળને બદલે અહીં શાક મળ્યું. ત્રીજાને ત્યાં ગયો. ત્યાંની કાકુએ કહ્યું, “હજી રસોઈ તૈયાર થઈ નથી; પણ થોડો ગોળ આપું.” છોકરો પાંચ-છ ઘર ફર્યો અને તેને બે ટંક પૂરતું ખાવાનું મળી ગયું. ઉતારે આવ્યો અને જે મળ્યું હતું એમાંથી કેટલાક રોટલાના કકડા, ગોળ અને શાક તેણે કેળના પાંદડા પર નોખાં મૂક્યાં. બાકીનું ખાઈ, થાળી ઊટકી એ જ થાળીમાં સાંજનું ખાવાનું મૂક્યું અને ઝોળી ખીંટી પર મૂકી દીધી. ફરી બપોરે ભણવા ગયો. ત્યાં નિશાળના કેટલાક છોકરાઓ સાથે મૈત્રી કરી. સાંજે બધા સાથે સારી પેઠે રમ્યો. એની રમવાની હોશિયારી જોઈ છોકરા ખુશખુશ થઈ ગયા. એને પૂછવા લાગ્યા, “તું કોણ? ક્યાંનો? હમણાં ક્યાં રહે છે?” મહારાષ્ટ્રમાં આવી માધુકરી માગી ખાવું અપમાન ભરેલું ગણાતું નથી. ગરીબાઈ એ કાંઈ પાપ નથી. આળસ પાપ છે. છોકરો કોઈ એક ઘર ઉપર આધાર રાખતો નથી, કેમકે તેથી એને પરતંત્રા થવું પડે, અને ઘરના લોકોની ખુશામત કરવી પડે; જમવાનો, ભણવાનો, નિશાળે જવાનો વખત ન સચવાય. માટે એ પાંચ-દસ ઘર ફરે છે. એને જાતજાતનું ખાવાનું મળે છે, બધા લોકો સાથે એને ઓળખાણ થાય છે, અને એથી વિશેષ તો એ કે જેટલાને ત્યાંથી એ ખાવાનું લઈ આવે છે તેટલાની એના પર દેખરેખ રહે છે. આ બધા લોકોની માયા મેળવવી અથવા મળતી માધુકરી ગુમાવવી, એ એના ચારિત્રય અને ઉદ્યોગ પર અવલંબે છે. ત્રીજે દિવસે રજા હતી. તે દહાડે આપણો છોકરો નવા કરેલા કેટલાક દોસ્તોને ઘેર ગયો. ત્યાં તેને જોઈતી જૂની ચોપડી મળી ગઈ. ‘અમરકોશ’ અથવા ‘ડિક્શનરી’ જેવી ચોપડી તો એને મળે જ નહીં. પણ કાંઈ ફિકર નહીં. બપોરે કે રાત્રો કોઈ છોકરાને ત્યાં જઈ ડિક્શનરીમાંથી એ શબ્દ ખોળી કાઢશે. છોકરાનું ભણતર ઠીક ચાલ્યું. પણ એને વ્યાકરણ કંઈ બરાબર આવડે નહીં. હવે શું કરવું? પેલો દેશપાંડેનો ગણપત વ્યાકરણમાં હોશિયાર છે. એ રોજ અરધો કલાક આપશે, તો બે મહિનામાં હું તૈયાર થઈ જઈશ. છોકરો ગયો ગણપતને ત્યાં અને કહ્યું : “ગણપત, હું તારે ત્યાં રોજ દેવપૂજાને માટે ફૂલ અને તુલસી આણી આપીશ. મને તું વ્યાકરણ ભણાવીશ?” ગણપતે કહ્યું, “ખુશીથી.” બે મહિનામાં છોકરાનું વ્યાકરણ પાકું થયું. એક દિવસ ગણપતના દાદાએ છોકરાને પૂછ્યું, “તને દેવપૂજા આવડે છે?” છોકરાએ કહ્યું, “ના જી, હું તો ફક્ત સંધ્યા અને રામરક્ષા ભણ્યો છું.” ડોસાએ કહ્યું, “ત્યારે અમારા ગણપતને ‘પુરુષસૂક્ત’ ભણાવવા રામભટ્ટ શાસ્ત્રી આવે છે એની પાસે આવીને તું પણ ભણજે.” ડોસો મનમાં કહે, “છોકરો ચાલાક લાગે છે, બે મહિનામાં વ્યાકરણ શીખી ગયો. ગણપત સાથે વેદ ભણશે તો ગણપત પણ ખંતથી અભ્યાસ કરશે. સ્વાર્થ પણ થયો અને પરમાર્થ પણ થયો.” ધીમે ધીમે છોકરાનું શરીર, એનું ભણતર, એનું ચારિત્રય અને એની કીર્તિ વધતાં ગયાં. સ્વાભાવિક રીતે એના દશ-બાર વાલીની એના તરફની સહાનુભૂતિ પણ વધી. છોકરાનું ચારિત્રય અને તેની હોશિયારી જોઈ ગણપતના દાદાએ તેને કહ્યું, “અલ્યા, તું મંદિરમાં રહે છે એના કરતાં અમારે ત્યાં આવીને રહે. અમારે ત્યાં જ તું જમ અને રોજ સવારની દેવપૂજા કર.” છોકરો કહે, “તમારે ત્યાં રહેવા તો આવીશ, પણ હું તો માધુકરી માગીને જ ખાઈશ. તમારે ત્યાં હું દેવપૂજા કરીશ, તેના બદલામાં તમે મને પહેરવાનાં કપડાં અને લાઇબ્રેરીના ચાર આના આપશો તો ઠીક થશે.” .......ઘણાં વરસ આ રીતે ગયાં. હવે તે છોકરો શહેરના એક-બે છોકરાને ગણિત ભણાવે છે. તેમાંથી એને દસ-બાર રૂપિયા મળે છે. છતાં એણે માધુકરી છોડી નથી. પછી તે છોકરો ગણપત સાથે કૉલેજમાં ગયો. ત્યાં છાત્રાલયમાં સાત ક્લબ છે. ગણપતની ઓળખાણને લીધે બધી ક્લબમાં એને વાર મળ્યા. વાર એટલે અઠવાડિયામાં એક એક દિવસ એક એક ક્લબમાં મફત જમવાની રજા. એટલે દરેક ક્લબમાં મહિનામાં કુલ ચાર દિવસ જમે. મફત જમે છે તેથી તે કંઈ કોઈનો ઓશિયાળો નથી. ચર્ચા-પરિષદમાં તે આગળ પડતો ભાગ લે છે, પ્રતિસ્પર્ધીઓનો સખત વિરોધ કરે છે અને પોતાના મત વિશે અભિમાન ધરાવે છે. છોકરાઓને ભણાવીને મેળવેલા પૈસાથી એણે પ્રથમ સત્રાની ફી આપી. સત્રાંત પરીક્ષામાં એનો નંબર ત્રીજો આવવાથી એને છાત્રાવૃત્તિ મળી અને ધીમે ધીમે તે એક પ્રખ્યાત વિદ્વાન બની ગયો. આજે એને સારો પગાર મળે છે. એને ત્યાં ત્રાણ વિદ્યાર્થી રહે છે અને ઉપરાંત દસને માધુકરી મળે છે.